દાહોદ
દાહોદની ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર – ૪ ખાતે જિલ્લા વિકાસ અધિકારી શ્રી રચિત રાજની આંગેવાનીમાં કુપોષણ મુક્ત દાહોદ અભિયાન અંતર્ગત જિલ્લામાં પાંચ વર્ષ સુધીના તમામ બાળકોની આરોગ્ય તપાસણી અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. ઉસરાવણ આંગણવાડી કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ૯૧ બાળકોની આરોગ્ય તપાસ કરીને આ મહત અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
આરોગ્ય કર્મચારીઓ દ્વારા જિલ્લાના ૩ લાખથી પણ વધુ બાળકોની આરોગ્ય તપાસ આગામી માર્ચ સુધીમાં કરવામાં આવશે. તેમજ અતિકુપોષિત અને મધ્યમ કુપોષિત બાળકોની ખાસ કાળજી રાખવામાં આવશે. જરૂર જણાય એ બાળકોને યોગ્ય સારવાર અપાશે. ઉપરાંત તેમને આંગણવાડી કેન્દ્ર ખાતે સુપોષિત આહાર આપવામાં આવશે. અતિગંભીર રીતે નાદુરસ્તતબિયત હોય તેવા બાળકોને બાળ સેવા કેન્દ્ર તેમજ બાળ સંજીવની કેન્દ્ર ખાતે નિઃશુલ્ક સારવાર આપવામાં આવશે. બાળકોના આરોગ્ય તપાસણી અભિયાનની દરેક બાબતોની ખાસ તકેદારી રાખવા જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજે ઉપસ્થિત આરોગ્ય તેમજ આઇસીડીએસ વિભાગના અધિકારીઓને સૂચના આપી હતી.