પોલીસના સંતાનોએ ગળામાં બેનર લગાવ્યું ‘મારા પપ્પાનો પગાર વધારો’

વડોદરા, તા. ૨૮

રાજ્યભરના પોલીસ જવાનોમાં લાંબા સમયથી ગ્રેડ –પે મુજબ ભથ્થા અને પગાર નહી મળતો હોવાના મુદ્દે ફેલાયેલો અસંતોષ હવે આંદોલન સ્વરૂપે વ્યક્ત કરાઈ રહ્યો છે. જાેકે પોલીસ ખાતામાં આંદોલનને શિષ્તભંગ ગણીને તુરંત પગલા લેવાતા હોઈ હવે પોલીસ જવાનોના પરિવારજનોએ રાજ્યભરમાં પગાર વધારા માટે રીતસર આંદોલન શરૂ કર્યું છે. આ આંદોલનને રેલો વડોદરા સુધી રેલાતા આજે બપોરે પોલીસ જવાનોના પરિવારજનોએ રેલવે પોલીસ હેડક્વાટર્સ ખાતે દેખાવ કરતા પોલીસ અધિકારીઓમાં દોડતા થયા હતા. આંદોલનમાં બાળકોએ ગળામાં ‘મારા પપ્પાનો પગાર વધારો’નું બેનર લગાવતા પોલીસ અધિકારીઓએ પણ આ બેનરો વાંચીને રેલીને કેવી રીતે રોકવી તેની દ્વિધામાં પડ્યા હતા. ગ્રેડ-પેના મુદ્દે પોલીસ જવાનોમાં ભારે છુપો વિરોધ છે પરંતું તેઓ તેનો વિરોધ કરી શકતા નથી. જાેકે કારમી મોંઘવારીમાં રાજ્ય સરકાર અન્ય રાજ્યોની સરખામણીમાં ગ્રેડ-પે મુજબ ભથ્થા નહી ચુકવતા પોલીસ જવાનો અને તેઓના પરિવારજનોની હાલત કફોડી બની છે. જાે હાલના રૂા.૧૮૦૦ પે-ગ્રેડમાં ફેરફાર કરી તે ૨૮૦૦ સુધી કરવામાં આવે તો પોલીસ જવાનોના પગારમાં વધારો થાય છે તેના કારણે પોલીસ જવાનોના પરિવારજનોને પે-ગ્રેડના મુદ્દે આંદોલન કરવાની ફરજ પડી રહી છે. અટલાદરા પોલીસ લેન તેમજ છાણી જકાતનાકા ન્યુ લાઈનમાં રહેતા પોલીસ જવાનોના પરિવારની મહિલાઓ તેમજ બાળકોએ થાળીઓ વગાડી તેમજ સુત્રોચ્ચાર કરી તેમજ વિવિધ સ્લોગનવાળા બેનરો સાથે રેલીસ્વરૂપે દેખાવ કર્યા હતા. પોલીસ જવાનોના પરિવારજનોએ રેલવે પોલીસ હ્‌ેડક્વાટર્સ ખાતે રેલવે એસપીની ઓફિસે તેમજ છાણી જુનાજકાતનાકા પાસે આવેલા જિલ્લા પોલીસ હેડક્વાટર્સ ખાતે ઉગ્ર દેખાવ કરી પે-ગ્રેડની માગણી કરી હતી.

બાળક પર અત્યાચાર-૧૦ મહિલાઓની અટકાયત

છાણી જકાતનાકા ન્યુ પોલીસ લેનમાં રહેતા પોલીસ પરિવારની મહિલાઓ અને બાળકોને દેખાવ કરતા અટકાવવામાં આવતા ખુદ પોલીસ જવાનોના પરિવારજનો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સર્જાયું હતું. જાેકે બંદોબસ્તમાં આવેલી ફતેગંજ પોલીસે નફ્ફટાઈપુર્વક પોતાના ખાતાના માણસોના માસુમ બાળકોને પણ ટીંગાટોળી કરી અત્યાચાર કર્યો હતો જયારે ૧૦ જેટલી મહિલાઓની શી ટીમે અટકાયત કરી પોલીસ મથકે લઈ જતા ભારે હોબાળો સર્જાયો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution