ગાંધીનગર,તા.૨૩
રાજ્યસભાની ચૂંટણી બાદ કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવતા હડકંપ મચી ગયો છે. રાજ્યસભાના ચૂંટણી સમયે ભરતસિંહ અનેક લોકોના સંપર્કમાં આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓ, ધારાસભ્યો સિવાય ભરતસિંહચૂંટણી દરમિયાન ફરજ પર રહેલા અધિકારીઓના સંપર્કમાં પણ આવ્યા હતા. હવે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ડોક્ટર એસ. મુરલી ક્રિષ્ણન, સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા સહિત અન્ય લોકો હોમ ક્વોરેન્ટીન થયા છે. ગઈકાલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ દિલ્હીમાં પોતાના નિવાસ્થાને હોમ ક્વોરેન્ટીન થયા હતા.આજે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી એસ. મુરલી ક્રિષ્ણન, દિલ્હીથી આવેલા સ્પેશિયલ ઓબ્ઝર્વર રાઘવ ચંદ્રા પણ દિલ્હીમાં પોતાના ઘરે ક્વોરેન્ટીન થયા છે. રિર્ટનિંગ ઓફિસર ચેતન પંડ્યા, ભાજપના રાજ્યસભામાં વિજેતા બનેલા અભય ભારદ્વાજ પણ હોમ ક્વોરેન્ટીન થયા છે. હજુ આ યાદી લાંબી બનવાની શક્યતા છે.ભરતસિંહ સાથે સંપર્કમાં રહ્યા બાદ ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવે પણ પોતાનો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો. હાલ તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. પરંતુ તેઓ હોમ ક્વોરેન્ટીનમાં રહેશે.