છોટાઉદેપુર : ઘેર ઘેર ગાયો પાળવાના ઉપદેશક હાજીપીર બાવા સાહેબનો ત્રિ દિવસીય મેળો ઇસ્લામિક કેલેન્ડર અનુસાર મોહરમ માસની ૧૪ અને ૧૫ તારીખ માં દર વર્ષે ઉજવાતો આવ્યો છે. જે આ વર્ષે કોરોના મહામારી ના કારણે મોકૂફ રાખ્યો હોવાનું દરગાહ કમિટી ના સભ્ય તેમજ સેવક નિસાર ભગતે કહ્યું હતું. ઉર્સ મેળા સાથે ઉજવાતા મહમ્મ્દશાહ બાવા સાહેબ અને માંગરોળની ગાદીના ખલીફા બાહદરશાહ દાદા સાહેબ નો ઉર્સ મેળો પણ મોકૂફ રખાયો છે. બાવા સાહેબ નું આ વર્ષે ૬૪ મો ઉર્સ મેળો સંપન્ન થવાનો હતો, જેમાં ૬૩ વર્ષથી મોટી સંખ્યામાં ભક્તજનો મેળામાં પધારતા હતા. બાવા સાહેબ ના દર્શન કરી ધન્યતા મેળવતા હતા. બાવા સાહેબ સંપૂર્ણ શાકાહારી હતા અને આહારમાં કઢી ખીચડી, મેથીની ભાજી અને રોટલો જેવા સાદા વ્યંજનો લેતા હતા. ભક્તજનો ના ગુજરાતી ભજનોની રમઝટ થી આખું વાતાવરણ આધ્યાત્મિક બની જવા પામતું હતું. મેળામાં આવનાર મહેમાનો માટે પણ ભગત પરિવાર તરફથી એકદમ સાદું ભોજન પ્રસાદી રૂપે પીરસાતું હતું.