21 જૂનના રોજ દેશભરમાં સૂર્યગ્રહણ જોવામાં આવ્યું. ગ્રહણ બાદ ઉત્તરાખંડના ચારધામ બદ્રીનાથ, કેદારનાથ, ગંગોત્રી અને યમનોત્રી સાથે જ જોશીમઠનું નૃસિંહ મંદિર, પંચબદ્રી, પંચકેદારના કપાટ ખુલી ગયા છે. આ મંદિરોમાં સાફ-સફાઇ બાદ અભિષેક કરવામાં આવ્યો.
બદ્રીનાથ ધામના ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલે જણાવ્યું કે, ગ્રહણ પૂર્ણ થયા બાદ દૈનિક અભિષેક કરવામાં આવ્યો અને ભગવાનને ભોગ અર્પણ કરવામાં આવ્યો છે. કેદારનાથ ધામથી પ્રધાન પૂજારી શિવશંકર લિંગ પ્રમાણે કેદારનાથ ધામમાં પણ ગ્રહણ બાદ શુદ્ધિકરણ હવન અને રૂદ્રાભિષેક કરવામાં આવ્યો છે. આ પ્રકારે ગંગોત્રી-યમનોત્રી ધામ પણ ખુલી ગયા છે.
દેવસ્થાનમ બોર્ડના મીડિયા પ્રભારી ડો. હરીશ ગૌડના કહેવા પ્રમાણે, બદ્રીનાથ ધામમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસે રાવલ ઈશ્વરપ્રસાદ નંબૂદરી, ધર્માધિકારી ભુવનચંદ્ર ઉનિયાલ, વેદપાઠી રવિન્દ્ર ભટ્ટ, નારાયણ રાવલ સહિત મંદિર સમિતિના લોકોએ યોગ-ધ્યાન કર્યું.