દેહરાદૂન-
ઉત્તરાખંડમાં ભારે વરસાદને કારણે સરહદો તરફના બધા મુખ્ય માર્ગો સહિત નાના રસ્તા સંપૂર્ણ બંધ છે. ભારે વરસાદ બાદ પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવા જેવી ઘટનાઓને કારણે સરહદી ગામોમાં હેલિકોપ્ટર દ્વારા રાશન, ખાદ્ય સામગ્રી પહોંચાડાઇ રહી છે. રાજ્યની તમામ નદીઓ ભયજનક સપાટીની આસપાસ કે ઉપર વહી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં જીડ્ઢઇહ્લ મોકલવા તૈયારી કરાઇ રહી છે. પર્યટકોને પણ હાલ પર્વતાળ વિસ્તારોમાં જવાનું ટાળવા એલર્ટ કરાયા છે. હવામાન ખાતાના જણાવ્યું કે હજુ થોડાં દિવસ રાજ્યના ઘણાં વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે, જેના પગલે મોટા પાયે ભૂસ્ખલન થઇ શકે છે. ઉત્તરાખંડના રાજ્યના ૨૮૮ મુખ્ય માર્ગો બંધ છે. ચારધામના હાઇવે પણ વિવિધ સ્થળે બંધ છે, જેથી યાત્રાળુઓ પણ ચારધામ સુધી પહોંચી શકતા નથી. રસ્તા બંધ હોવાથી ઉત્તરકાશી, ચમોલી અને પિથૌરાગઢ જિલ્લાના સરહદી ગામોને સૌથી વધુ તકલીફ પડી રહી છે. ચીન સરહદ પરના અંદાજે ૧૪૫ ગામ સંપૂર્ણપણે સંપર્કવિહોણા થઇ ગયા છે જ્યારે પિથૌરાગઢના જુમા ગામમાં ઘણાં મકાનો ધરાશાયી થયા છે. ૩ લોકોના મોત થયા છે અને ૮ લોકો લાપતા છે. ગ્રામીણોનું કહેવું છે કે ઘણાં લોકો પાણીમાં તણાયા. અહીં હજુ ૨ દિવસ ભારે વરસાદની શક્યતા છે. બીજી તરફ દિલ્હી, મહારાષ્ટ્ર, યુપી, એમપી અને આસામ સહિત ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ થયો છે. દિલ્હી અને મુંબઇના મોટા ભાગના રસ્તા જળબંબાકાર થઇ જતાં ઠેર-ઠેર ટ્રાફિક જામ થયો હતો.