ડો.તરૂણ બેન્કર |
મુરલીકાંત રાજારામ પેટકર ઉર્ફ ચંદુ ચેમ્પિયન. બાળપણથી ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સપનું જાેનાર રમતવીરના સપનાની ઉડાન અને તેને સાકાર કરવા નીયતિ સામે પણ બાથ ભીડનાર યુવાનની કથા. મુરલીકાંતના બળુકા સપનાની મજાક ઉડાવતા ગ્રામજનો તેને ચીડાવવા ચંદુ કહીને બોલાવે, ત્યારે તેનો જવાબ ‘મેં ચંદુ નહીં. ચેમ્પિયન હૈ’ આખી ફિલ્મમાં પડઘાય છે. જેને સાકાર કરવા અને સપનાને હકિકત બનાવવા ચંદુ કેવી સ્ટ્રગલ કરે, કેટલી મહેનત કરે અને કેવી રીતે વર્લ્ડ ચેમ્પિયન બને તેની આ વાર્તા છે.
ફિલ્મનો આરંભ જ અત્યંત રોચક છે. મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના એક નાનકડા ગામના પોલીસ થાણાથી શરૂ થાય. પોલીસ અધિકારી જેલમાં બંધ આરોપીને કોર્ટમાં લઈ જવાની કાર્યવાહીમાં વ્યસ્ત છે. તેવા સમયે હવાલદાર આવી એવી વાત કરે કે તે ચોંકી ઉઠે. એક વૃદ્ધ વી.વી.ગિરિથી આજ સુધી (૨૦૧૭)ના તમામ રાષ્ટ્રપતિઓ વિરુદ્ધ પોલીસ ફરીયાદ લખાવવા આવ્યો છે. કારણ ગોલ્ડ મેડલ મેળવ્યાને ૪૦ વર્ષ થયાં છતાં તેમને અર્જુન એવોર્ડ નથી મળ્યો.સ્ટોરી વૃદ્ધ મુરલીકાંતથી શરૂ થઈને ફ્લેશબેકમાં જાય. ચંદુના બાળપણથી જવાનીના દિવસો અને તેનો કથાક્રમ પ્રસ્તુત થાય.
ગામમાં પહેલવાનીથી રમતવીર બનવાની શરૂઆત કરનાર મુરલીકાંત અકસ્માતે ફૌજી બને. ત્યાં કુશ્તીની રમત નથી એટલે બોક્સિંગ રમવાનું શરૂ કરે. ફૌજમાં જાેડાવાનો આશય પણ ઓલોમ્પિક ગોલ્ડ મેડલ જીતવાનો હતો. ૧૯૬૪માં ટોક્યો ઓલોમ્પિકમાં સિલ્વર મેડલ જ મળ્યો..! ૧૯૬૫ના ભારત-પાકિસ્તાન સામેના યુદ્ધમાં ૯ ગોળીઓ વાગી. બે વર્ષ કોમામાં રહ્યા બાદ ભાનમાં આવ્યો ત્યારે ખબર પડી કે શરીરનો કમરથી નીચેનો ભાગ પેરેલાઈઝ થઈ ગયો છે. ગોલ્ડ મેડલના સપનાનું શું..?
કબીર ખાનના નિર્દેશનમાં બનેલ ચંદુ ચેમ્પિયન મુરલીકાંત રાજારામ પેટકરની બાયોપિક છે. હા, તેમાં ફિલ્મી તત્વ આધારે ફેરફારો જરૂર કરાયા છે. નડિયાદવાલા ગ્રાન્ડસન એન્ટરટેઈનમેન્ટ્ના બેનર તળે સાજીદ નડિયાદવાલા આ ફિલ્મના નિર્માતા છે. કબીર ખાન, સુમિત અરોરા અને સુદિપ્તો સરકાર લિખિત આ ફિલ્મની કથા, પટકથા અને સંવાદ દર્શકોને ભાવરસમાં ઝબોળે છે. સુદીપ ચેટરજીનું ફિલ્માંકન, નીતિન બૈદનું સંકલન સાથે પ્રીતમનું સંગીત અને જુલિયસ પકૈમનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક ફિલ્મને દર્શનીય અને મનનીય બનાવવામાં સફળ રહ્યાં છે.
‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘ફ્રેડી’ જેવી ફિલ્મોમાં સુંદર અભિનય કરનાર કાર્તિક આર્યને આમ તો વીસ કરતાં વધુ ફિલ્મો કરી છે, પણ ચંદુ ચેમ્પિયનમાં તેનો અભિનય લાજવાબ છે. વર્ષ ૨૦૨૪ના અનેક એવોર્ડ તેને મળે તેવી શક્યતા હાલ વર્તાઈ રહી છે. આ સાથે સહાયક અભિનેતા તરીકે શ્રેયસ તલપડે, વિજય રાઝ, યશપાલ શર્મા, ભુવન અરોડા અને હેમાંગી કવિ છવાયાં છે. કાર્તિક આર્યને આ રોલને સાકાર કરવા એક વર્ષ કરેલી મહેનત ફિલ્મ ચંદુ ચેમ્પિયનમાં દેખાય છે. સહાયક અભિનેતા તરીકે અનેક ફિલ્મોમાં અભિનયના ઝંડા ગાડનાર વિજય રાઝ આ ફિલ્મમાં પણ છવાયા છે. શીસ્તાગ્રહી કોચ, પ્રેમાળ ઉસ્તાદ અને કડક ઉપરી અધિકારી, એમ ત્રેવડી ભૂમિકા તેમેણે સુપેરે ભજવી છે. તો બે વર્ષ બેભાન રહ્યાં પછી ભાનમાં આવેલ મુરલી મિલેટ્રી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે વોર્ડબોય ટોપાઝ (રાજપાલ યાદવ)ને મળે. દર્દીઓને શરાબ, એડલ્ટ મેગેઝિન અને અન્ય સવલતો પૂરી પાડનાર ટોપાઝ રતન ખત્રીના આંકડાનો બંધાણી છે. ટોપાઝ તરીકે રાજપાલ યાદવ દર્શકોને ગમે તેવો છે.
કમરથી નીચેનું શરીર લકવાગ્રસ્ત થયાં પછી હતાશ થયેલ મુરલી ૪૦ વર્ષના પોતાના પ્રથમ ગુરૂ દારાને કુશ્તી લડતાં જાેઈ પુનઃ પ્રોત્સાહિત થાય. ‘મછલી કે ભી તો પાંવ નહીં હોતે...’ ઉસ્તાદ ટાઈગર અલી (વિજય રાઝ)ની મદદથી પેરાલોમ્પિક રમતની શરૂઆત કરે. ફ્રીસ્ટાઈલ સ્વિમિંગની તાલીમ લેવાની શરૂઆત કરે. ત્રણેક વર્ષની તાલીમ પછી રશિયાના મ્યુનિચ ખાતે આયોજીત પેરાલોમ્પિકમાં ભાગ લેવાની ઘડીએ સરકારી અડચણ આવે. જાે કે એ પણ તેના કૌવત, કૌશલ્ય અને કર્તુત્વ સામે હારી જાય અને મુરલીકાંત પેરાલોમ્પિકમાં ભાગ લે અને ગોલ્ડ મેડલ જીતે. આટલું જ નહીં પણ, ૫૦ મીટર ફ્રી-સ્ટાઈલ તરણ સ્પર્ધામાં ૩૭.૩૩ સેકન્ડનો વર્લ્ડ રેકોર્ડ પણ બનાવે. આ પેરાલોમ્પિકમાં તેનું પ્રદર્શન માત્ર આટલું જ નહોતું રહ્યું. જેવલિન થ્રો સહિત અન્ય ત્રણ સ્પર્ધામાં પણ તે ફાઇનલિસ્ટ રહ્યાં. જાે કે આ વાત ફિલ્મમાં વણી લેવામાં આવી નથી.
‘સપને તબ હી ખતમ હોતે હૈ, જબ હમ દેખના બંધ કર દેતે હૈ...’ મુરલીકાંતે માત્ર ગોલ્ડ મેડલનું જ નહીં, પણ પોતાના ગામને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધા અપાવવાનું પણ સ્વપ્ન જાેયું હતું, અને તે સાકાર કરવા તંત્ર સામે પણ લડ્યો. જાે કે તંત્ર પાસે તો મુરલીકાંત પેટેકરની માહિતી જ ક્યાં હતી..! જર્નાલિસ્ટ (સોનાલી કુલકર્ણી)ની મહેનત અને ફૌજના તેના મિત્રની મદદથી જ્યારે મુરલીનો રેકોર્ડ મળ્યો ત્યારે ખબર પડી કે જેટલી ચર્ચા થઈ રહી છે, તેના કરતા તો અનેકગણી સિદ્ધિ મુરલીએ હાંસલ કરી છે. સરકારના કાને પણ આ વાત પહોંચે. સરકાર તેને અર્જુન એવોર્ડ નહીં પણ પદ્મશ્રી આપવાની જાહેરાત કરે. વર્ષ ૨૦૧૮માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે તેમને પદ્મશ્રી આપવામાં આવ્યો.
ચંદુ ચેમ્પિયન જેવાં અનેક રમતવીરોની બાયોપિક બની છે. મિલ્ખાસિંઘ, પાનસિંગ તોમર, મેરીકોમ, સાનિયા નેહવાલ, કપિલદેવ, ધોની, સચિન, અઝહર, સૈયદ અબ્દુલ રેહમાન અને મહાવીર સિંઘ ફોગાટ સહિત અનેક. આમાના અનેક ઈતિહાસના પાનામાં દબાયેલ ગુમનામ હતાં..! સિનેમાએ બયોપિકના માધ્યમથી આ મહાનુભાવોને નવી ઓળખ આપી છે. ચંદુ ચેમ્પિયન એક એવી સ્ટોરી છે જે સામાન્ય વર્ગને તો ઈન્સ્પાયર કરે જ છે, પણ વેલ મેડ ફિલ્મના શોખીનોને પણ પ્રભાવિત કરશે.