રાજકોટ, ગોંડલ માર્કેટ યાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જેમાં નવા ચેરમેન તરીકે અલ્પેશ ઢોલરીયા અને વાઇસ ચેરમેન તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજાની વરણી થઈ હતી. ઉલ્લેખનીય છે કે આજથી દોઢ વર્ષ પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.કોમની પરીક્ષામાં ડમી ઉમેદવાર બેસાડનાર અલ્પેશ ઢોલરીયાની સર્વાનુમતે વરણી થઈ છે. તે હાલ રાજકોટ ભાજપના નેતા છે. યાર્ડના નવા સુકાનીઓની વરણી થતા કડકડતી નોટનો વરસાદ થયો હતો. એક તરફ કોરોના કેસ વધી રહ્યા છે ત્યારે બીજી તરફ જીતનો જશ્ન મનાવતા કાર્યકરોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જાેવા મળ્યો હતો. સૌરાષ્ટ્રના પ્રગતિશીલ અને અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડની ચુંટણીમાં ભાજપે કોંગ્રેસને વ્હાઇટ વોશ કરી ફરીવાર સતા કબ્જે કર્યા બાદ આગામી આજે જુનાગઢ જીલ્લા રજીસ્ટ્રાર અભિષેક સુવા (ચૂંટણી અધિકારી)ની હાજરીમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચુંટણી યોજાઈ હતી. જ્યાં ડમી ઉમેદવાર કાંડમાં પંકાયેલા અલ્પેશ ઢોલરીયાની સર્વાનુમતે નિમણુંક થતા રાજકીય વર્તુળોમાં ચર્ચા જાગી છે. એવી વાતો થઈ રહી છે કે ભાજપ મોવડી મંડળની ગુડ બુકમાં સ્થાન ધરાવતા અલ્પેશ ઢોલરીયાના કાળા કામોને ભૂલીને તેને ગોંડલ યાર્ડના ચેરમેન બનાવવામાં આવ્યો છે.હાલ અલ્પેશ ઢોલરીયા રાજકોટ જિલ્લા ભાજપના મંત્રી પણ છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડ નવા વરાયેલા ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ પોતાની જીતની ખુશીમાં જણાવ્યું હતું કે, મારા પિતાએ ૨૫ વર્ષ યાર્ડમાં મેટાડોર ચલાવ્યો હતો અને પોતે ૧૦ વર્ષ મેટાડોર ચલાવી ગુણીઓ ઉપાડી હતી.