જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી ભારે પડી, રાત્રિ કફ્ર્યૂનો ભંગ મામલે પાંચની ધરપકડ

અમદાવાદ-

અમદાવાદ શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં યુવક તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થયો હોવાનો અહેવાલ પ્રસારિત થયો હતો, જેને પગલે રામોલ પોલીસ દોડતી થઈ હતી. પહેલા તો રામોલ પોલીસે સમગ્ર ઘટનાને દબાવવા માટે હદનો વિવાદ લાવવાનો પ્રયત્ન કર્યો હતો. છેવટે રાતે પોલીસે નાછૂટકે વિશાલ ઉર્ફે મોન્ટુ પંડ્યા સહિત પાંચ આરોપી સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો. પોલીસે વિશાલ, વિપુલ, આશિષ, બ્રિજેશ અને રાજનની ધરપકડ કરી તલવાર કબજે કરી હતી. આરોપી વિશાલ સાથે રામોલ પોલીસ સ્ટેશનના કર્મીઓએ સાથે ફોટો પડાવ્યો હતો છતાં રામોલ ઘટનાને દબાવવાનો પ્રયાસ કર્યો હતો.

સોશિયલ મીડિયામાં વસ્ત્રાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં યુવકે તલવાર વડે કેક કાપતો હોવાનો વીડિયો વાઇરલ થતાં રામોલ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.એસ દવેએ જણાવ્યું કે ઓઢવ પોલીસ સ્ટેશનની હદ લાગે છે, જેથી ઓઢવ પોલીસ આ મામલે ગુનો નોંધશે. જ્યારે ઓઢવ પોલીસ સ્ટેશન પીઆઈ આર. જી. જાડેજાએ કહ્યું હતું કે આ મામલે તપાસ કરી રહ્યા છીએ. વીડિયોમાં વિશાલ પંડ્યા નામનો શખસ હોવાનું જાણવા મળ્યું છે. રામોલ પોલીસની હદમાં બનાવ બન્યો છે, જેથી રામોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાશે. આ સમગ્ર બાબતમાં રામોલ પોલીસ સ્ટેશનના બે પોલીસકર્મી પણ વિશાલના બર્થડેમાં ગયા હતા તો શું તેમને હદ ખ્યાલ ન હતી..? પરંતુ છેવટે રામોલ પીઆઈએ વિશાલ સામે ગુનો દાખલ કર્યો હતો. વિશાલે તેના નારાયણ બંગલોઝના કોમન પ્લોટમાં રાતે સ્ટેજ બનાવી એના પર કેક મૂકી તલવારથી કાપી હતી.

આ સમગ્ર ઉજવણીમાં ૧૦ કે તેથી વધુ જેટલા લોકો ત્યાં હાજર હતા, જેમાં તેઓ માસ્ક વગર જ ત્યાં હાજર હતા. કોઈએ માસ્ક પહેર્યું ન હતું. સમગ્ર બાબત સામે આવી હતી. વિશાલ ઉર્ફે મોન્ટુ મુકેશભાઈ પંડ્યા, બ્રિજેશકુમાર યજ્ઞેશકુમાર મહેતા, આશિષકુમાર બળદેવભાઈ દેસાઈ, વિપુલભાઈ કાનજીભાઈ દેસાઈ અને રાજન કાળુભાઈ રબારીની ધરપકડ કરી રાતોરાત જામીન આપી દીધા હતા.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution