અમદાવાદ-
કેનેરા બેંક ફ્રોડ કેસમાં યુનિટેકના મેનેજિંગ ડાયરેક્ટર સંજય ચંદ્રાની વિવિધ પ્રોપર્ટી પર સીબીઆઇએ દરોડા પાડ્યા હતા. સંજય ચંદ્રા ઉપરાંત તેમના ભાઇ અજય અને પિતા રમેશ ચંદ્રાની મનાતી પ્રોપર્ટી પર પણ દરોડા પડ્યા હતા.
કેનેરા બેંક સાથે રૂપિયા 198 કરોડનો ફ્રોડ થયો હતો. સંજય ચંદ્રા છેલ્લા 43 મહિનાથી તિહાર જેલમાં હતા. દિલ્હી હાઇકોર્ટે તેમના જામીન મંજૂર કર્યા બાદ તાજેતરમાં એ જામીન પર છૂટ્યા હતા. યુનિટેક સામે દિલ્હી પોલીસ, સીબીઆઇ અને એન્ફોર્સમેન્ટ ડિેરેક્ટોરેટ એમ ત્રણ ત્રણ એજન્સીઓ તપાસ કરી રહી હતી. આમ તો સંજય ચંદ્રાને ટુ જી કેસમાં પણ આરોપી તરીકે સહભાગી કરાયા હતા પરંતુ ટ્રાયલ કોર્ટે ટુ જી કેસમાં એમને મુક્ત કરી દીધા હતા. કેનેરા બેંકે એવો આક્ષેપ કર્યો હતો કે ચંદ્રાની અંગત અને કોર્પોરેટ ગેરંટીના આધારે બેંકે ઘણી લોન પાસ કરી હતી. પાછળથી રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી આવતાં કંપનીએ ઘણી લોન ડિફોલ્ટ કરી હતી. હાલ યુનિટેકને સરકારે પોતાના કબજામાં લીધી છે અને સુપ્રીમ કોર્ટે કંપનીના હિસાબી ચોપડાની ફોરેન્સિક તપાસ કરવાનો આદેશ આપ્યો હતો. ઓડિટ દરમિયાન જાણવા મળ્યું હતું કે કંપનીએ ફંડ ડાઇવર્ઝન અને મની લોન્ડરીંગ કર્યું હતું.