સુરત, મહિધરપુરા હીરાબજારમાં આવેલા વિરલ સેઇફ ડિપોઝીટમાં હીરાદલાલના લોકરમાંથી રોકડા ચાર લાખ ચોરાઇ ગયાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. મહિધરપુરા પોલીસ પાસે મળતી માહિતી અનુસાર પાલનપુર ગૌરવપથ પર નક્ષત્ર એમ્બેસી એપાર્ટમેન્ટમાં રહેતાં સીત્તેર વર્ષીય અખેચંદ્ર ભમરાજ ચોપડા હીરા દલાલ છે. મહિધરપુરા હીરાબજારમાં દલાલીનું કામ કરતાં અખેચંદ્રએ અહીં આવેલા વિરલ સેફ ડિપોજીટમાં લોકર લઇ રાખ્યું છે. ગત ૨૭મી ડિસેમ્બરે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં અખેચંદ્ર આ સેફ હાઉસમાં લોકર ઓપરેટ કરવા ગયા હતા. એ સમયે લોકરમાં બે થેલી મૂકી હતી. એક થેલીમાં રોકડા ૨.૩૫ લાખ અને બીજીમાં ચાર લાખ રૂપિયા હતાં. એ દિવસે પૌત્રી માયરાનો જન્મદિવસ હોવાથી અખેચંદ્ર ઉતાવળે તેમના દિકરા સાથે ગિફ્ટ ખરીદવા નીકળી ગયા હતાં. તેઓ અંબાજીરોડ પહોંચ્યા ત્યારે અખેચંદ્રને એવો અહેસાસ થયો કે તેમણે લોકર બંધ કરી ચાવી કાઢી ન હતી. ખિસ્સા ચેક કર્યા પરંતુ ચાવી નહીં મળી એટલે એ લોકરમાં જ હોવાનું કન્ફર્મ થયું હતું. જેથી પિતા - પૂત્ર તુરંત હીરાબજાર પરત આવ્યા હતાં. તેમણે વિરલ સેઇફ હાઉસમાં જઈ ચેક કર્યું તો લોકરનાં કી હોલમાં ચાવી લટકતી હતી. અખેચંદ્રએ લોકરનો દરવાજો ખોલ્યો એટલે સામે હીરા રાખેલું પ્લાસ્ટિકનું બોક્સ દેખાયું હતું. અંદર બધું સલામત હશે એમ માની લઇ તેઓએ લોકર ચેક કર્યું ન હતું. લોક મારી ચાવી લઇ તેઓ ત્યાંથી નીકળી ગયા હતાં. બીજા દિવસે એટલે કે ૨૮મી ડિસેમ્બરે બપોરે સાડા બારેક વાગ્યે ધંધાર્થે હીરા લેવા માટે અખેચંદ્ર ફરી સેઇફ ડિપોઝીટ વોલ્ટ પહોંચ્યા હતાં. તેઓએ લોકર ખોલ્યું તો તેમાં હીરા અને રોકડા ૨.૩૫ લાખ ભરેલી થેલી જેમની તેમ હતી, પરંતુ ચાર લાખ રૂપિયા મૂક્યા હતાં એ થેલી મળી ન હતી.