નવી દિલ્હી:પેરિસ પેરાલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતીય પેરા ખેલાડીઓ માટે રોકડ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે આની જાહેરાત કરી હતી. ભારતે તાજેતરમાં સમાપ્ત થયેલી આ ગેમ્સમાં તેના ઈતિહાસમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરી સાત ગોલ્ડ સહિત કુલ ૨૯ મેડલ જીત્યા હતા.
પેરિસમાં ગોલ્ડ જીતનાર ખેલાડીઓને ૭૫ લાખ રૂપિયા, સિલ્વર મેડલ જીતનારને ૫૦ લાખ રૂપિયા અને બ્રોન્ઝ મેડલ જીતનારને ૩૦ લાખ રૂપિયા આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ સિવાય મિશ્રિત ટીમમાં સામેલ મેડલ વિજેતાઓને ૨૨.૫ લાખ રૂપિયા આપવામાં આવશે. તેના શાનદાર પ્રદર્શનથી ભારતે પેરાલિમ્પિક ગેમ્સના ઈતિહાસમાં ૫૦ મેડલનો આંકડો પણ પાર કર્યો. પેરાલિમ્પિક મેડલ વિજેતાઓ મંગળવારે ઘરે પરત ફર્યા ત્યારે સેંકડો ચાહકો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. . માંડવીયાએ ૨૦૨૮ લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ જીતવા માટે પેરા એથ્લેટ્સને સંપૂર્ણ સમર્થન અને સુવિધાઓ પ્રદાન કરવાનું વચન પણ આપ્યું હતું. તેમણે કહ્યું કે, દેશ પેરાલિમ્પિક્સ અને પેરા સ્પોર્ટ્સમાં આગળ વધી રહ્યો છે. ૨૦૧૬માં ચાર મેડલમાંથી, ભારતે ટોક્યોમાં ૧૯ અને પેરિસમાં ૨૯ મેડલ જીત્યા અને ૧૮મું સ્થાન મેળવ્યું. અમે અમારા તમામ પેરા એથ્લેટ્સને તમામ સુવિધાઓ પૂરી પાડીશું જેથી કરીને અમે ૨૦૨૮ લોસ એન્જલસ પેરાલિમ્પિક્સમાં વધુ મેડલ અને ગોલ્ડ મેડલ જીતી શકીએ.પેરિસ પેરાલિમ્પિક્સ ભારત માટે સૌથી સફળ પેરાલિમ્પિક્સ સાબિત થઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સ ૨૦૨૦ આ પહેલા ભારતની સૌથી સફળ પેરાલિમ્પિક્સ રહી હતી. તેમાં ભારતે ૫૪ એથ્લેટ મોકલ્યા હતા અને ૧૯ મેડલ જીતવામાં સફળ રહ્યા હતા. જેમાં પાંચ ગોલ્ડ, આઠ સિલ્વર અને છ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. ભારતે પોતાનો ૨૦મો મેડલ જીતતાની સાથે જ ટોક્યો પેરાલિમ્પિક્સનો રેકોર્ડ તોડી નાખ્યો. આ ઉપરાંત સાત ગોલ્ડ જીતીને ભારતે ટોક્યોનો પાંચ ગોલ્ડનો રેકોર્ડ પણ તોડ્યો હતો.