આણંદ : પેટલાદ તાલુકાના રવિપુરા ચોકડી નજીક કાશીયાપુરા પાસેથી વહેલી સવારે પસાર થઈ રહેલી સેન્ટ્રો કાર ટ્રેક્ટરની ટ્રોલીમાં ઘૂસી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્તોને ૧૦૮ની ટીમે સારવાર માટે કરમસદ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યાં મુજબ, સુરત રહેતાં જીજ્ઞેશભાઈ પોપટભાઈ લાખાણી (ઉં.૪૫), ભરતભાઈ ધર્મેશભાઈ દુધેલીયા (ઉં.૫૦), પરેશ કનુભાઈ લુખ્ખી (ઉં.૪૫) સેન્ટ્રો કાર લઈને સૌરાષ્ટ્ર તરફ ગયાં હતાં. શુક્રવારે સાંજે પરત સુરત જવા નીકળ્યાં હતાં. સેન્ટ્રો કાર સવારે ૫ઃ૩૦ વાગ્યે રવિપુરા ચોકડીથી બાંધણી ચોકડી રોડ ઉપર કાશીયાપુરા નજીકથી પસાર થઈ રહી હતી. એ વખતે કારચાલકે પૂરઝડપે કાર હંકારી આગળ જતાં ટ્રેક્ટરની ઓવરટેક કરવા જતાં કાર ટ્રોલીમાં ઘૂસી ગઇ હતી. આ બનાવમાં ગંભીર રીતે ઘવાયેલાં પરેશભાઇનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત થયો હોવાની જાણ થતાં વિદ્યાનગર ૧૦૮ના પાઈલોટ સુરેશ રાવળ અને ઈએમટી દીપક રાઠોડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સૌ પ્રથમ ઈજાગ્રસ્ત વ્યક્તિઓને પ્રાથમિક સારવાર આપી હતી. તેમજ કારમાંથી મળી આવેલાં રોકડા રૂ.૫૩,૪૩૦, બે મોબાઈલ, એક ઘડિયાળ તથા એક વીંટી અને એટીએમ કાર્ડ એમ કુલ ૯૦ હજારની મત્તા ઘવાયેલાં યુવકના પરિવારજનોને પરત કરી હતી.