કાન્સ
૭૪માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનાં એવોડ્ર્સની જાહેરાત કરવામાં આવી. જેમાં પાંચ મહિલાઓએ બિગ ટાઇટલ જીતીને ઇતિહાસ સજ્ર્યો છે. સૌથી ચર્ચામાં 'ટાઇટેન' ફિલ્મની રહી છે. આ ફિલ્મે પાલ્મ ડિઓર (કાન ફિલ્મ ફેસ્ટિવલનો સર્વશ્રેષ્ઠ અવોર્ડ) જીત્યો છે. આ ફિલ્મની ડિરેક્ટર જુલિયા ડુકોરનાઉ આ અવોર્ડ જીતનારી બીજી ફીમેલ ડિરેક્ટર છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલની જ્યૂરીના અધ્યક્ષ સ્પાઇક લીએ અન્ય એવોર્ડની જાહેરાત કરતાં પહેલા સીધા 'ટાઇટેન'ને પાલ્મ ડિઓર અવોર્ડની જાહેરાત કરી હતી. આ અવોર્ડની જાહેરાત હંમેશાં સૌથી છેલ્લે કરવામાં આવે છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં અમેરિકાના લોકપ્રિય એક્ટર કોલેબ લેન્ડ્રી જોન્સને બેસ્ટ એક્ટરનો અવોર્ડ મળ્યો છે તો નોર્વેની રેનેટને બેસ્ટ એક્ટ્રેસ બની છે. ડિરેક્ટર પાયલ કાપડિયાની ફિલ્મ 'અ નાઇટ ઓફ નોઇંગ નથિંગ'ને ઓવલ ડિઓર (ગોલ્ડન આઇ) અવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. અમેરિકન કોલેબ લેન્ડ્રીએ ફિલ્મ 'નિત્રમ'માં પોર્ટ ઓર્થર કિલરની ભૂમિકા ભજવી હતી. આ ડ્રામા થ્રિલર ફિલ્મને જસ્ટિન કુર્જેલે ડિરેક્ટ કરી છે.
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં બેસ્ટ એક્ટ્રેસનો અવોર્ડ જીતનારી રેનેટ રીન્સવેને 'ધ વર્સ્ટ પરસન ઇન ધ વર્લ્ડ' માટે આ અવોર્ડ મળ્યો છે. આ રોમેન્ટિક કોમેડી ફિલ્મને જોઆચિપ ટ્રીરે ડિરેક્ટ કરી છે.
ફિલ્મ ફેસ્ટિવલમાં આ વર્ષે પહેલી જ વાર ૯માંથી ૫ જ્યૂરી મેમ્બર મહિલાઓ હતી, જેમાં માતી ડિઓપ, મેલિન ફાર્મર, મેગી ગિલેન્હાલ, જેસિકા હોજનેર તથા મનેલાનિયા લોરેન્ટ સામેલ હતી. આ ઉપરાંત ક્લેબર મેન્ડોકા ફિલ્હો, તહર રહીમ, સોંગ કાંગ હો તથા સ્પાઇક લી પણ જ્યૂરીના મેમ્બર હતા.
ગયા વર્ષે કોરોનાને કારણે કાન ફિલ્મ ફેસ્ટિવલ રદ્દ કરી દેવામાં આવ્યો છે. એક વર્ષ પછી રેડ કાર્પેટ પર વિશ્વભરના દિગ્ગજ કલાકરો જોવા મળ્યા હતા. આ ફેસ્ટિવલમાં કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવ્યું હતું. સ્ક્રીનિંગ દરમિયાન માસ્ક ફરજિયાત હતો. આ સાથે જ તમામ સેલેબ્સનો સમય સમય પર કોવિડ ટેસ્ટ કરવામાં આવતો હતો