કેનાલ મેન ઓફ ઇન્ડિયા લોંગી ભુઈયાઃ ચલ અકેલા..

કવિવર રવિન્દ્રનાથ ટાગોરની સુપ્રસિદ્ધ રચના છે 'જાેદી તોર ડાક શુને કઉ ના આશે.. તોબે એકલા ચોલો રે..’. વીસમી સદીના પ્રારંભમાં લખાયેલા આ રચનાને ઘણા લોકો પોતાનો જીવનમંત્ર બનાવી ચુક્યા છે. એકલા હાથે સંઘર્ષ કરી વિષમ પરિસ્થિતિઓ સામે વિજય મેળવનારામાં એક બિહારના નિરક્ષર ખેડૂત લોંગી ભુઈયા પણ છે. બિહારના ગયા જીલ્લાના કોથીલવા ગામના ખેડૂત શિક્ષિત નથી પરંતુ એન્જીનિયરો કરતા પણ વધારે સમજણ ધરાવે છે. સિંચાઇના પાણી માટે સરકારની સહાયની આશા રાખ્યા વગર લોંગી ભુઈયાએ એકલા હાથે શ્રમદાન કરી તેમના આખા વિસ્તારની સીકલ બદલી નાંખી છે.

 બિહારના ગયા પાસે બાંકે બજાર વિસ્તાર આવેલો છે. જ્યાંનું કોથીલવા ગામ માત્ર ખેતી ઉપર નભે છે. બાંકે બજાર વિસ્તાર ખેતી માટે માત્ર વરસાદ ઉપર આશ્રિત હતો. ચોમાસામાં વરસાદ બાદ વર્ષમાં એક જ વાર પાક લઇ શકાતો હતો. જે વર્ષે ચોમાસુ નિષ્ફળ જાય તે વર્ષે ખેડૂતોની હાલત ખરાબ થઇ જતી હતી. આ સમસ્યાનો કોઈ ઉકેલ નથી તેમ માનીને ગામના લોકો સ્થળાંતર કરવા લાગ્યા હતાં. ગામ ખાલી થવા લાગ્યું હતું. જમીન ધરાવતા ખેડૂતો શહેરમાં જઈને મજૂરી કરવા મજબુર બન્યા હતાં.

ગામલોકોનું સ્થળાંતર રોકવા અને સિંચાઈના પાણીની કાયમી સમસ્યાનો ઉકેલ લાવવા માટે કોઈ કાયમી રસ્તો કાઢવો જરૂરી હતો. ત્યારે કોથીલવા ગામના ખેડૂત લોંગી ભુઈયાને એક રસ્તો સુઝ્‌યો. તેમના ગામથી ત્રણ કિલોમીટર દૂર પહાડી વિસ્તાર છે. આ પહાડી વિસ્તારમાં ચોમાસામાં પડેલા વરસાદનું પાણી વહીને વેડફાઈ જતું હતું. લોંગી ભુઈયાએ વિચાર્યું કે પહાડોમાં વરસતા વરસાદના પાણીને નહેર દ્વારા ગામ સુધી લાવી સંગ્રહ કરવામાં આવે તો ખેતી માટે સિંચાઇના પાણીની સમસ્યાનો કાયમી હલ થઇ શકે છે. તેમણે ગામના લોકોને નહેર બનાવવાનો ઉપાય જણાવ્યો. પહાડમાં વરસતા પાણીને ગામ સુધી લાવવા સૌ સાથે મળી નહેર બનાવવા શ્રમયજ્ઞ કરવા જણાવ્યું. આ કામ સરકારનું છે કહી અને ગામ લોકોએ લોંગી ભુઈયા વાતને હાંસીમાં ઉડાવી નાખી.

સરકાર કામ શરુ કરે કે ગામલોકો સાથ આપશે તેવી અપેક્ષા છોડીને ૪૦ વર્ષ પહેલા લોંગી ભુઈયાએ પાવડો હાથમાં લઈને એક સવારે નહેર ખોદવાનું કામ એકલા હાથે શરુ કર્યું. પહાડો ઉપરથી ઉતરતા વરસાદી પાણીને વહાવી જતા નાના-નાના વરસાદી નાળાઓને કેનાલમાં ઠાલવી કેનાલને ગામ તરફ વાળવાની તેમની યોજના હતી. કામ શરુ કર્યું ત્યારે લોંગી ભુઈયાની ઉમર ૩૨ વર્ષની હતી. નિરક્ષર હોવા છતાં તેમણે વિસ્તારનો વ્યવસ્થિત સર્વે કર્યો. કયા રસ્તે નહેર બનાવવાથી પાણી આસાનીથી ગામ સુધી આવી શકે તે નિરીક્ષણ કરીને નહેરનું ખોદકામ એકલા હાથે શરુ કરી દીધું. રોજ સવારે સાધનો લઈને લોંગી ભુઈયા એકલા હાથે નહેર ખોદવાના કામમાં લાગી જતાં. પથરાળ જમીન, ઝાડીઓ તેમજ ઊંચા ટેકરાઓને સમથળ કરી લોંગી ભુઈયા કેનાલ ખોદતા ગયાં. ગામ લોકો તેમની મજાક ઉડાવતા પરંતુ એક દિવસ ગામ સુધી સિંચાઈનું પાણી લાવીને જ રહીશ તેવા દ્રઢ નિર્ધાર સાથે તે રોજેરોજ નિસ્વાર્થ ભાવે કામ કરતા રહ્યાં.

ત્રણ કિલોમીટર કરતા વધારે લાંબી નહેર એકલા હાથે બનાવવાની હતી. સમય વીતતો ગયો, વર્ષો વીતી ગયા છતાં એક પણ દિવસ રોકાયા વગર એક જ લક્ષ તરફ લોંગી ભુઈયા કામ કરતા રહ્યાં. તે અટક્યા નહીં કે ક્યારેય નિરાશ થયા નહીં. વર્ષો સુધી રોજ નહેર ખોદવાનું કામ કરવાનું પરિણામ આવ્યું. લોંગી ભુઈયાએ કામ શરુ કર્યાના ૩૦ વર્ષ પછી પહાડોમાં વરસતા વરસાદનું પાણી તેમની બનાવેલી નહેર દ્વારા ગામ સુધી પહોંચ્યું. પહેલી વાર કોથીલવા ગામના ખેડૂત સિંચાઇના પાણીથી ખેતી કરતા થયાં. નહેર દ્વારા આવતા વરસાદી પાણીનો ગામ નજીક સંગ્રહ થવા લાગ્યો. ખેડૂતો વર્ષમાં ત્રણ પાક લેવા સક્ષમ બન્યાં. સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનું સ્થળાંતર અટકી ગયું. જે ખેડૂતો ખેતી છોડીને સ્થળાંતર કરી ચુક્યા હતાં તેઓ પરત આવીને ખેતીકામ કરવા લાગ્યાં.

લોંગી ભુઈયા એટલેથી અટકી ન ગયા. તેમણે નિર્ધાર કર્યો કે જેમ તેમના ગામના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું છે તેમ આસપાસમાં આવેલા બીજા કેટલાક ગામના ખેડૂતો સુધી પણ સિંચાઇનું પાણી પહોંચે. તેમણે નવેસરથી બીજી નહેર ખોદવાનું કામ દસ વર્ષ આગાઉ શરુ કર્યું. હાલમાં લોંગી ભુઈયાની ઉંમર ૭૨ વર્ષની છે પરંતુ આજે પણ તેઓ રોજ સવારે સાધનો લઈને નહેર ખોદવાના કામમાં જાેતરાઈ જાય છે. તેમણે ખોદેલી નવી નહેરથી જમુનીયા અહર, કોટીલવા, જટાહી, લુતુઆ, સિયારમાની, કેસીમનવા, તરવા, ગુરિયા જેવા અનેક ગામ સુધી સિંચાઈના પાણી પહોંચી ચુક્યા છે. હજુ પણ લોંગી ભુઈયા નહેર ખોદી રહ્યા છે જેથી અન્ય ગામ સુધી પણ પહાડમાં વરસતા વરસાદનું પાણી નહેર દ્વારા ખેડૂતોના ખેતરો સુધી પહોંચે.

લોંગી ભુઈયાએ લોકસેવા માટે આખું જીવન ખપાવી દીધું છે. જેનાથી હજારો લોકોને ફાયદો પહોંચી રહ્યો છે. તેમના એકલા હાથે કરેલા શ્રમને કારણે આખા વિસ્તારની સિકલ બદલાઈ ચુકી છે. લોંગી ભુઈયા કેનાલ મેન ઓફ ઇન્ડિયા તરીકે હવે જાણીતા બની રહ્યાં છે. આનંદ મહિન્દ્રા સુધી લોંગી ભુઈયા દ્વારા કરાયેલા સમાજ કાર્યની વાત પહોંચતા તેઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતાં. આનંદ મહિન્દ્રાએ લોંગી ભુઈયાને એક ટ્રેક્ટર ભેટમાં આપ્યું છે. આખા વિસ્તારને એકલે હાથે કાયા પલટ કરી દેનાર લોંગી ભુઈયાએ જીવનને સાર્થક અને સફળ કરી બતાવ્યું છે

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution