મકાન તો ઘણા પ્રકારનાં હોય, પરંતુ મિલાદ એથિયાઘિ દ્વારા ર્નિમાણ કરવામાં આવેલ કેનેડા સ્થિત માઉન્ટેન હાઉસ અચરજ પમાડે એવી અનોખી રચના છે. સન ૨૦૨૦-૨૧ના ગાળામાં બનાવવામાં આવેલા આ આવાસે સ્થાપત્યની કેટલીક સીમાની બહાર જઈને પોતાની છાપ છોડી છે તેમ કહેવાય. પથ્થરની ચટ્ટાન પર હયાત ટેકા સમા બહાર ઝૂલતા ભાગને ધ્યાનમાં રાખીને આ આવાસનું સ્થાન નિર્ધારિત કરાયું છે. ચટ્ટાનના જે તે ઝૂલતા ભાગથી આવાસને પ્રાથમિક ટેકો તો મળી ગયો પણ સાથે સાથે ચટ્ટાનના બીજા ભાગ સાથે પણ આવાસનું જાેડાણ વ્યવસ્થિત કરવું જરૂરી હતું. આ માટે આવાસની માળખાકીય રચના એવી રીતે નિર્ધારિત કરાઈ કે જેને સહેલાઈથી ચટ્ટાન સાથે મજબૂતાઈથી જાેડી દેવાય. આ સમગ્ર આવાસ ઝૂલતું હોવાથી તેને જટિલ અને પ્રમાણમાં વધુ બળ લાગુ પડે. આવી પરિસ્થિતિમાં મજબૂતાઈ ધરાવતો ઘનાકાર સ્થાપતિને યોગ્ય લાગ્યો.
આવાસના સ્થાન નિર્ધારણમાં જેમ ચટ્ટાનના ઝૂલતા ભાગે અગત્યની ભૂમિકા ભજવી છે તેમ આ સ્થાન પરના ચાર વૃક્ષોની ભૂમિકા પણ મહત્વની રહી છે. ઘણા વર્ષથી હયાત એવા ચાર વૃક્ષો ન કાપવા તેવો ર્નિણય પ્રારંભિક તબક્કે જ લેવાઈ ગયો હતો. આવાસની રચનામાં આ ઝાડને જાણે પરોવી દઈ બહારની જગ્યા વધુ અર્થપૂર્ણ તથા કુદરત લક્ષી બનાવવાનો પ્રયત્ન કરાયો છે. ઝાડ સચવાઈ જવાથી એક અનેરી ખુશી પણ પ્રાપ્ત થાય.
આ સમગ્ર આવાસ જાણે કે ઘનાકાર ચોસલાઓને એકબીજા સાથે લાઈનમાં ગોઠવી બનાવાયું છે. આ ચોસલાના પ્રમાણમાપ સરખા હોવાથી તેનાથી નિર્ધારિત થતાં આંતરિક સ્થાનો પણ સમાન પ્રમાણમાપવાળા બને તે સ્વાભાવિક છે. તેવા સંજાેગોમાં જાેડે ની સંભવિત ખુલ્લી જગ્યાનો ઉપયોગ કરી આંતરિક સ્થાનોની અનુભૂતિ નાની મોટી થઈ શકે તેવું આયોજન કરાયું છે.
કુટુંબની જરૂરિયાત પ્રમાણે આ આવાસ ત્રણ સ્તરમાં વિભાજિત કરાયું છે. એક સ્તરે કુટુંબના વડીલોને રહેવાની સગવડ કરાઈ છે તો બીજું સ્તર અનુજાે માટેનું છે. આ બંને સ્થાનોને તેની ઉપરના સ્તરે આયોજાયેલ મનોરંજન તથા રમતગમતની પ્રવૃત્તિ માટેના સ્થાન સાથે સાંકળી લેવાયા છે. એક રીતે જાેતા અહીં વિભાજન પણ કરાયું છે અને જાેડાણ પણ સ્થાપિત થયું છે. સ્થાપત્ય શૈલીમાં જાેઈએ તો પણ આ જ ઘટના આકાર લે છે. અહીં પ્રત્યેક ઘનાકાર વિભાજિત પણ લાગે છે અને તેમનો સમૂહ પરસ્પર સંકળાયેલા પણ વર્તાય છે. આવાસની આંતરિક રચનાને બાહ્ય દેખાવ સાથે જાેડી દેવાનો આ અનેરો પ્રયાસ છે.
બહારના દ્રશ્યને માણવા માટે અહીં પ્રત્યેક આંતરિક સ્થાન સાથે કાંતો બાલ્કની સંકળાયેલી છે અથવા તો વચ્ચેની ખુલ્લી જગ્યાનો હકારાત્મક ઉપયોગ કર્યો છે. અહીંની કેનોપી અને કેટલીક દીવાલો પણ યાંત્રિક રીતે ઉઘાડ બંધ થઈ શકે તેવી બનાવાઈ છે. જ્યારે સૂર્ય-કિરણોની મજા માણવાની હોય ત્યારે આ દીવાલો અને કેનોપી ખુલી જાય અને જ્યારે ઠંડી વધી જાય ત્યારે તે બંધ થતાં આવાસની અંદરની ગરમી જળવાઈ રહે. સાથે સાથે ખીણ તરફની બારીઓ પણ એવી રીતે ઉઘાડ-બંધ થતી રહે છે કે જેનાથી બારી ક્યારેક ટેરેસ બની જાય અને ટેરેસ ક્યારેક બારી બની જાય.
આ આવાસનું સ્થાપત્ય જેટલું આધુનિક અને યંત્ર આધારિત જણાય છે તો તેનું આંતરિક સુશોભન લગભગ પરંપરાગત અને વંશીય કહી શકાય તે શૈલીનું છે. આવાસની અંદરના ભાગથી એવું ભાગ્યે જ પ્રતીત થાય કે આ આવાસ આ પ્રકારની આધુનિકતા અનુસારનું હશે.
કુદરત અને સ્થાપત્યનું આ એક વિશેષ પ્રકારનું સહ-અસ્તિત્વ છે. અંહી કુદરતની વાતો જાળવી રાખીને સ્થાપત્ય પોતાનું સ્વતંત્ર વિધાન પ્રસ્તુત કરે છે. આ વિધાન “બોલ્ડ” છે પણ સાથે સાથે તે કુદરતના અસ્તિત્વ તથા મહત્વને નકારતા નથી. બંને પોત પોતાની વાત તાલબદ્ધ રીતે કરે છે. અહીં ક્યાંય વિરોધ નથી દેખાતો. કુદરત સ્થાપત્યને પોતાની અંદર સમાવી લે છે તો સ્થાપત્ય કુદરતની આસપાસ જાણે ગોઠવાઈ જાય છે. આ સહ-અસ્તિત્વથી કુદરત પણ નીખરી ઊઠે છે અને સ્થાપત્યની સાર્થકતા પણ જળવાય છે.
આ આવાસ દિવસના સમયે અને રાતના સમયે કોઈ જુદા જ પ્રકારની અનુભૂતિ કરાવે છે. દિવસે કુદરતનું પ્રભુત્વ જણાય તો રાતના સ્થાપત્યનું. જુદી જુદી ઋતુમાં પણ આ આવાસની અનુભૂતિ ભિન્ન ભિન્ન થતી રહે છે. તેમાં પણ જ્યારે વરસાદનો સમય હોય કે ધુમ્મસ છવાયું હોય કે સીધો સૂર્યપ્રકાશ આવતો હોય - દરેક પરિસ્થિતિમાં આવાસ જાણે અલગ અલગ રાગ ગાતું હોય તેમ લાગે.