તમે કલ્પના કરો તેવું જ બાળક જન્મે એ માની શકો છો?

લેખકઃ ડો.ચિરાયુ જયસ્વાલ


ભારતીય પ્રાચીન સંસ્કૃતિમાં દિવ્ય સંતાન પ્રાપ્તિ માટે ગર્ભસંસ્કારના વિષયને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. મોટાભાગના યુગલો દ્વારા જન્મતા બાળકો માત્ર શારીરિક આનંદનું પરિણામ હોય છે. માત્ર શારીરિક સુખને ધ્યાનમાં રાખીને કરવામાં આવેલા દેહમિલન દ્વારા નિમ્ન અથવા સામાન્ય પ્રકારની ઉર્જા ધરાવતી આત્મા ગર્ભ પ્રવેશ કરે છે. જ્યારે ઉચ્ચ પ્રકારના સાત્વિક વિચારો અને ભાવનાઓ ધરાવતા યુગલ દ્વારા મિલન સાધવામાં આવે છે ત્યારે શારીરિક મિલનની સાથે સાથે માનસિક મિલન પણ સંભવ બને છે. જેનાથી દિવ્ય ઉર્જા ધરાવતા આત્માને ગર્ભ પ્રવેશનો અવસર મળે છે. આ સમગ્ર પ્રક્રિયાને મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેચી શકાય (૧)ગર્ભાધાન પહેલા યુગલ દ્વારા કરવામાં આવતી પૂર્વ તૈયારી (૨)ગર્ભાધાન બાદ ગર્ભસ્થ શિશુનું માઇન્ડ પ્રોગ્રામિંગ (૩)જન્મ બાદ પેરેન્ટિંગ દ્વારા બાળકની આસપાસ ઉત્પન્ન થતું વાતાવરણ. આ ત્રણે અવસ્થાનું ઊંડાણપૂર્વક જ્ઞાન ધરાવતા યુગલ દ્વારા દિવ્ય સંતાન પ્રાપ્તિ શક્ય છે જેનો લાભ માતા-પિતાની સાથે સાથે સમગ્ર વિશ્વને મળી શકે છે.


ઉપરોક્ત ગર્ભ સંસ્કારની વાતના પુરાવા સ્વરૂપેની એક અદભૂત સત્ય ઘટના મારા વિદ્યાર્થી સત્યાર્થ સોનીના જીવનમાં બનેલી છે. (નામ બદલેલ છે). અમદાવાદ શહેરમાં વસવાટ કરતા સત્યાર્થભાઈ રાજકારણમાં એક સક્રિય નેતા તરીકે કાર્યરત છે. મનની અંદર રહેલી સૂક્ષ્મ શક્તિઓના માધ્યમથી પોતાની રાજકીય કારકિર્દીને વધુ સફળ બનાવવાના હેતુથી તેઓએ મારો એક કોર્સ જાેઇન કર્યો હતો. કોર્સ દરમિયાન તેઓએ હિપ્નોસિસ અને માઇન્ડ પ્રોગ્રામિંગ જેવા અનેક વિષયોની સાથે સાથે ગર્ભ સંસ્કાર વિશેનો પણ અભ્યાસ કર્યો હતો. અનેક વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કર્યા બાદ સત્યાર્થભાઈને ખ્યાલ આવી ગયો હતો કે માનવમનની ક્ષમતા અકલ્પનીય છે. આ અસીમિત ઊર્જાને ઉપયોગ કરવાની કળા હવે તેમના હાથમાં છે. આ વિજ્ઞાનના માધ્યમથી તેઓ પોતાના રાજકીય, વ્યક્તિગત તેમજ પારિવારિક જીવનને બદલવા માટે સક્ષમ બન્યા હતાં.


આ વિષયોના અભ્યાસ બાદ સત્યાર્થભાઈએ સૌપ્રથમ તેનો લાભ પોતાની દીકરીને આપવાનું નક્કી કર્યું હતું. તેઓની દીકરીના લગ્નને લગભગ ચાર-પાંચ વર્ષ થઈ ગયાં હતાં. તે પોતાના પતિ અને તેના પરિવાર સાથે આનંદથી જીવન જીવી રહી હતી. પરંતુ લગ્નના આટલા વર્ષ બાદ પણ તેઓની દીકરી સંતાનસુખથી વંચિત હતી. દીકરી અને જમાઈ દ્વારા સંતાન પ્રાપ્તિ માટેના દરેક સંભવ પ્રયાસ કરવામાં આવ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં તેનું કોઈ ચોક્કસ કારણ પકડાઈ નહોતું રહ્યું, જેથી તેઓ આયુર્વેદિક ઉપચારથી લઈને અનેક ધાર્મિક પ્રક્રિયાઓને અજમાવી ચૂક્યા હતા. પરંતુ દરેક જગ્યાએથી નિષ્ફળતા પ્રાપ્ત થવાના કારણે દીકરીની હતાશા વધી રહી હતી. સત્યાર્થભાઈ એક તરફ દીકરીની હતાશાથી પરેશાન હતા અને બીજી તરફ સંતાન ન થવાના કારણે ભવિષ્યમાં તેના સાસરી પક્ષ તરફથી કેવો પ્રતિસાદ મળશે તેના વિચારોથી તેમનું મન મુંઝાઈ રહ્યું હતું.


કોર્સ દરમિયાન શીખેલા મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતોના માધ્યમથી સત્યાર્થભાઈને દીકરીના અંતરમનમાં પડેલા ડરની જાણકારી થઈ ગઈ હતી. “સગર્ભાવસ્થા દરમ્યાન અને પ્રસૂતિ સમયે માતાને અસહ્ય પીડાનો સામનો કરવો પડે છે” આ વાત દીકરીના અંતરમનના ઊંડાણમાં ઘર કરી ગઈ હતી. જેથી તેમણે અમુક ચોક્કસ “”માઇન્ડ પ્રોગ્રામિંગ ટેકનિક”નો સહારો લઈને દીકરીના ડરને દૂર કરવાનો અને તેના આત્મવિશ્વાસને વધારવાનો ર્નિણય લીધો હતો.


વેકેશન દરમ્યાન દીકરી ઘરે આવતા તેઓએ દીકરીને મનોજગતની સમજણ આપીને “હિપ્નોથેરપી”ના સેશન માટે તૈયાર કરી હતી. ત્યારબાદ ઊંડા ટ્રાન્સમાં લઈ ગયા બાદ દીકરીને ચોક્કસ પ્રકારના સકારાત્મક હિપ્નોટિક સૂચનો આપવામાં આવ્યા હતા. પ્રોગ્રામિંગ કરતી વખતે સત્યાર્થભાઈએ દીકરીને સજેશન આપ્યા હતા કે, “બેટા, તારું શરીર અને મન માતા બનવા માટે સંપૂર્ણ રીતે સક્ષમ છે. તું એ જાેઈ શકે છે કે તારા ગર્ભમાં એક ઉચ્ચ કોટિનો આત્મા પ્રવેશ કરી રહ્યો છે. અંતર ચક્ષુઓ દ્વારા તને ખ્યાલ આવી રહ્યો છે કે તારા ગર્ભમાં પ્રવેશ કરેલો એ આત્મા એક પુરુષ બાળકનું શરીર ધારણ કરી રહ્યો છે. જેમ જેમ એ શરીરનો વિકાસ થઈ રહ્યો છે તેમ તેમ તેના દરેક અંગોને જાેવા અને અનુભવ કરવા એ તારા માટે સરળ થઈ રહ્યું છે. બાળકની સુંદર આંખો, નાના નાના હાથ અને તેની જાંઘ ઉપર ઉતરી આવેલું લાખું જાેઈને તારું મન તેને જન્મ આપવા માટે અને રમાડવા માટે આતુર થઈ રહ્યું છે.” આવા અનેક જરૂરી હિપ્નોટિક સજેશનના માધ્યમથી સત્યાર્થભાઈએ દીકરીના માઇન્ડને બદલવાનો પ્રયાસ કર્યો હતો. હિપ્નોટિક પ્રોગ્રામિંગના લગભગ ત્રણ-ચાર મહિના બાદ દીકરીએ પોતે પ્રેગ્નન્ટ હોવાની ખુશ ખબર સત્યાર્થભાઈને આપી હતી. આ ખબરથી બંને પરિવારમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. આશ્ચર્ય તો એ વાતનું હતું કે નવ મહિના પછી જ્યારે દીકરીએ બાળકને જન્મ આપ્યો ત્યારે તે પુરુષ બાળક હતું અને તેની જાંઘ ઉપર લાખું (બર્થ માર્ક) પણ હતું. આ સમગ્ર ઘટના વિષેની જાણકારી આપતી વખતે સત્યાર્થભાઈ અને તેમની દીકરી મારી સમક્ષ ખૂબ ભાવવિભોર થઈ ગયા હતા. તેમની દીકરીની આખોમાં ગર્ભ સંસ્કારના વિજ્ઞાન પ્રત્યેનો આત્મવિશ્વાસ અને માતૃત્વનો આનંદ સ્પષ્ટ પણે છલકાઈ આવતો હતો.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution