પાલિકા અને પંચાયતોમાં પ્રચાર પડઘમ થયો શાંતઃ 22,170 ઉમેદવારો મેદાને

ગાંધીનગર-

૬ મ્યુનિસિપલ કોર્પોરેશન બાદ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં બીજા તબક્કે પાલિકા- પંચાયતો માટે ૨૮ ફેબ્રુઆરીને રવિવારે ૫,૪૮૧ બેઠકો માટે મતદાન યોજનાર છે. આ ચૂંટણીમાં ભાજપ- કોંગ્રેસ સહિત ૨૨,૧૭૦ ઉમદેવારો મેદાને છે. મહાનગરોથી તદ્દન વિપરિત સમીકરણો વચ્ચે ગ્રામિણ અને અર્ધ શહેરી ક્ષેત્રોની ચૂંટણી હકિકતમાં વિધાનસભા ચૂંટણીની પારાશીશી કહેવાય છે.

છ શહેરોમાં કોંગ્રેસના રકાશ અને ભાજપના યુવા ઉમદેવારોના વિજય પછી આ બંને પક્ષના ધારાસભ્યોએ પોતાના મુળિયા ઊંડા કરવા છેલ્લી ઘડીએ એડીચોટીનું જાેર અજમાવ્યુ છે. સુરતમાં આપ અને અમદાવાદમાં એઆઈએમઆઈએમની એન્ટ્રી બાદ ભાજપ- કોંગ્રેસના નેતાઓએ ૨૧ મહિના પછી ડિસેમ્બર- ૨૦૨૨માં યોજનારી વિધાનસભા ચૂંટણીને નજર સામે રાખીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. શુક્રવારે પણ અનેક જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં બાઈક રેલી, સભાઓનું આયોજન કરવામા આવ્યુ છે. તો બીજી તરફ રવિવારે પોતાના તરફ મતદાન માટે બુથ લેવલે માઈક્રો પ્લાનિંગ થઈ રહ્યુ છે.

૩૧ જિલ્લા અને ૨૩૧ તાલુકા પંચાયત તેમજ ૮૧ નગર પાલિકાઓમાં રવિવારે યોજનારા મતદાન માટે ચૂંટણી ૨ કરોડ ૯૭ લાખ ૨૯ હજાર ૮૭૧ મતદારો નોંધાયેલા છે. આ ચૂંટણીમાં ૧૨,૩૩૪ મતદાન મથકો સંવેદનશીલ, અતિ સંવેદનશીલ છે. રવિવારે શાંતિપૂર્ણ માહોલમાં મુક્ત અને ન્યાયી મતદાન વ્યવસ્થા માટે ૭૪,૨૧૪થી વધુ પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવી રહ્યો છે. દોઢ- બે દાયકામાં ગુજરાતમાં પહેલીવાર પાલિકા- પંચાયતોમાં હરિફ પક્ષના ઉમેદવારોને ધાક- ધમકી આપીને, લોભ લાલચ આપીને મોટાપાયે ઉમેદવારી ફોર્મ પાછા ખેંચાવવામા આવ્યા છે. જેના કારણે ભાજપ- કોંગ્રેસ અને અન્ય અપક્ષ ઉમેદવારોના ટેકેદારો વચ્ચે પોલીસ ફરિયાદો પણ નોંધાઈ છે. કેટલાક કિસ્સાઓમાં તો ચૂંટણી અધિકારીઓની તટસ્થા સામે જ સવાલો ઉઠતા હાઈકોર્ટને આદેશો આપવા પડયા છે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution