અમદાવાદ-
ટ્યુશન ક્લાસીસ થી માંડીને રાત્રી કરફ્યુ સહિતના નિર્ણયો લેવાઈ શકે તેમ હોઈ આજની રાજ્ય કેબિનેટની આજની બેઠક પર સૌની નજર રહેશે. આ અંગેના મહત્વના નિર્ણયો કરવા માટે બુધવારે સાંજે કેબિનેટની બેઠક મળવાની છે.
રાજ્યમાં હાલમાં કોરોનાની મહામારીને પગલે લાગુ કરાયેલો રાત્રી કરફ્યુ આગામી થોડા દિવસોમાં હટાવી લેવાય કે પછી તેમાં વધુ છૂટછાટ અપાય એવી લોકો આશા સેવી રહ્યા છે ત્યારે એ બાબતે કેબિનેટ કયો નિર્ણય લે છે એ જોવું મહત્વનું રહેશે. ઉપરાંત રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પણ નજીક હોવાને પગલે આ પ્રકારે છૂટછાટ અપાય એમ મનાય છે.
કરફ્યુ ઉપરાંત શિક્ષણક્ષેત્રે પણ કેટલાંક મહત્વના નિર્ણય લેવાઈ શકે છે, જેમ કે, લાંબા સમયથી રાજ્યમાં બંધ પડેલા ટ્યુશન ક્લાસીસોને ચાલુ કરવા કે કેમ. આ બાબતે અનેકવાર સ્થાનિક નેતાગીરીને કે પ્રશાસકોને રજૂઆત થઈ ચૂકી છે એ જોતાં કોઈક સકારાત્મક પરીણામો મળે એવું મનાય છે. કોરોના ગાઈડલાઈન સાથે પણ થોડીક છૂટછાટો ખાનગી ટ્યુશન સંચાલકોને મળી શકે છે. રાજ્યમાં ધોરણ 10 અને 12ની શાળાઓ શરૂ કરી દેવાઈ છે પણ અન્ય વર્ગોનું શું એ સવાલ હજી યથાવત છે ત્યારે આજની કેબિનેટની બેઠકમાં અન્ય વર્ગોની શાળા પણ શરુ કરી દેવા બાબતે નિર્ણય લેવાઈ શકે છે. આ બાબતે કેબિનેટ કેવા નિર્ણયો લે છે એ ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થઈ જશે.