વડોદરા, તા.૮
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રજાના વેરાના નાણાંના વેડફાટનો વધુ એક નમૂનો પ્રકાશમાં આવ્યો છે. એક વર્ષ પૂર્વે જ દાંડિયા બજાર ચાર રસ્તાથી લક્કડીપુલ સુધી નવીન પેવરબ્લોકનું કામ કરવામાં આવ્યું હતું. હવે આ સારા પેવરબ્લોક નવલખી ખાતે કચરામાં નાખી ૧૯ લાખના ખર્ચે ફરી આ ફૂટપાથ પેવરબ્લોક સાથે બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવતાં લોકોમાં પણ પાલિકાની કામગીરી સામે આશ્ચર્ય ફેલાયું છે.
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનના સત્તાધીશો કેટલીક કામગીરી આડેધડ કરતા હોવાના અનેક કિસ્સા પ્રકાશમાં આવ્યા છે. ત્યારે પ્રજાના વેરાના નાણાંનો વેડફાટ કરતો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. શહેરના દાંડિયા બજાર મેઈન રોડ પર ચાર રસ્તાથી સિદ્ધિ વિનાયક મંદિર થઈને લક્કડીપુલ સુધીનો હયાત ફૂટપાથ જેનું પેવરબ્લોક લગાડવાનું કામ ગત વર્ષે જ લાખોના ખર્ચે કરવામાં આવ્યું હતું.
એક વર્ષ પૂર્વે જ બનાવેલા આ ફૂટપાથના પેવરબ્લોક પણ સારા હતા, માત્ર કલર થોડો ડલ પડી ગયો હતો, પરંતુ વિકાસના કામોના નામે લાખોના ખર્ચે બનાવેલા ફૂટપાથના પેવરબ્લોક ઉખેડીને ૧૯ લાખના ખર્ચે નવો ફૂટપાથ પેવરબ્લોક સાથે બનાવવામાં આવી રહ્યો છે અને ફૂટપાથમાંથી નીકળેલા આખા અને સારી કન્ડિશનવાળા પેવરબ્લોક નવલખી કૃત્રિમ તળાવની પાસે ઢગલો કરી કચરામાં ઠાલવવામાં આવ્યા છે. ત્યારે વોર્ડ નં. ૧૩ના કોંગ્રેસના કાઉન્સિલર બાળુ સુર્વેએ આ કામ કોનો ફાયદો કરાવવા થઈ રહ્યું છે તેની તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.