ગાંધીનગર-
કોરોના મહામારીના સંકટ વચ્ચે ગુજરાતની વિધાનસભાની ૮ બેઠકોમાં અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, ડાંગ, કપરાડા તથા કરજણ બેઠકની પેટાચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયુ છે. હાલ લખાઇ રહ્યું છે ત્યારે આ સમયે આઠ બેઠકોનું કુલ મતદાન ૫૭.૭૮ ટકા થયું છે. આ પેટાચૂંટણીમાં કુલ ૮૧ ઉમેદવારોનું ભાવિ મતદાન પેટીમાં સીલ થઇ ગયુ છે. કોંગ્રેસના ધારાસભ્યોએ આપેલાં રાજીનામાં બાદ ખાલી પડેલી વિધાનસભાની આઠ બેઠકોને લઇને આજે આ પેટાચૂંટણી યોજાઇ હતી. ૧૦ નવેમ્બરે આઠ બેઠકના ચૂંટણીના પરિણામ જાહેર કરવામાં આવશે.
ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની વિધાનસભાની પેટા ચૂંટણીમાં સૌથી વધુ ડાંગમાં અને સોથી ઓછુ ધારીમાં નોંધાયુ છે. ડાંગમાં ૭૪.૭૧, કપરાડામાં ૬૪.૩૪, કરજણમાં ૬૫.૯૪, અબડાસામાં ૫૭.૭૮, લીંબડીમાં ૫૬.૦૪, મોરબીમાં ૫૧.૮૮, ગઢડામાં ૪૭.૮૬ અને ધારીમાં ૪૨.૧૮ ટકા મતદાન નોંધાયુ છે. આ સાથે સૌથી ઓછું ધારીમાં ૪૨.૧૮ ટકા મતદાન નોંધાયુ છે.
આ પેટા ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના મુખ્ય રાજકીય પક્ષોના હરીફ ઉમેદવારોની સાથોસાથ કુલ ૮૧ ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે. રાજ્યસભાની ચૂંટણી તથા ત્યારબાદ કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાના કારણે આ બેઠકો ખાલી પડી હતી.
આ વખતની પેટા ચૂંટણીમાં મોટાભાગે કોંગ્રેસમાંથી રાજીનામું આપીને ભાજપમાં જાેડાયેલા સભ્યો ઉમેદવાર હોવાથી સતત રાજકીય સ્થિરતા, વિકાસ, પક્ષપલ્ટુ, વિશ્વાસઘાત જેવા આક્રમક મુદ્દા ચર્ચામાં રહ્યાં હતા.
મોરબીમાં ૨૦ જગ્યાએ ઇવીએમમાં ખરાબી જાેવા મળી હતી, જેના કારણે તાત્કાલિક ધોરણ તમામ ઇવીએમને બદલવામાં આવ્યા હતા. આ દરમિયાન મોહબીના કોંગ્રેસના ઉમેદવાર જેંતિભાઇએ દાવો કર્યો હતો કે તેઓ ૨૦,૦૦૦થી વધુના મતની લીડથી જીત હાંસલ કરશે.
કોંગ્રેસ દ્વારા ચૂંટણી પંચમાં બે લેખિતમાં ફરિયાદ કરવામાં આવી છે. મોરબી અને કરજણ મુદ્દે કોંગ્રેસે ચૂંટણીપંચમાં ફરિયાદ કરી છે. કોંગ્રેસે ભાજપના ઉમેદવાર પર મતદાન સમયે પણ પ્રચાર કરતા હોવાની ફરિયાદ કરી છે. ત્યાં જ ભાજપે કોંગ્રેસના એજન્ટોને હેરાન કરતા હોવાની ફરિયાદ કરી છે. બીજી તરફ કોંગ્રેસે રાજ્યના મુખ્યમંત્રીના પત્ની મોરબી શહેરમાં પ્રચાર કરતા હોવાનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ કરજણ બેઠક પર પોલીસ હેરાન કરતી હોવાની કોંગ્રેસે ફરીયાદ કરી છે.
સીટ મતદાન(ટકામાં)
ડાંગઃ ૭૪.૭૧ %
અબડાસાઃ ૫૭.૭૮ %
ધારીઃ ૪૨.૧૮ %
મોરબીઃ ૫૧.૮૮ %
કપરાડાઃ ૬૩.૯૬ %
કરજણઃ ૬૫.૯૪ %
લીંબડીઃ ૫૬.૦૪ %
ગઢ઼ડાઃ ૪૭.૮૬ %