અમદાવાદ
બટલર ૮૩* ની ધુંઆધાર બેટિંગ અને માર્ક વુડ (૩૧/૩) ની દમદાર બોલિંગની મદદથી ઈંગ્લેન્ડે અહીં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી પાંચ મેચોની ટી૨૦ સિરીઝના ત્રીજા મુકાબલામાં ભારતને ૮ વિકેટે પરાજય આપી સિરીઝમાં ૨-૧ની લીડ મેળવી લીધી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતે વિરાટ કોહલી ૭૭*ની મદદથી ૨૦ ઓવરમાં ૬ વિકેટે ૧૫૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ઈંગ્લેન્ડે ઓવરમાં ૨ વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. સિરીઝની ચોથી ટી૨૦ મેચ આજ મેદાનમાં ૧૮ માર્ચે રમાશે. ઈંગ્લેન્ડ તરફથી જોસ બટલર અને જેસન રોયે ઈનિંગની શરૂઆત કરી હતી.
પાવરપ્લેમાં જોસ બટલરે આક્રમક બેટિંગ કરી હતી. ૬ ઓવરમાં ઈંગ્લેન્ડે ૧ વિકેટે ૫૭ રન બનાવી લીધા હતા. બટલરે ૨૬ બોલનો સામનો કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ તેના કરિયરની ૧૧મી અડધી સદી છે. જોસ બટલર ૫૨ બોલમાં ૫ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૮૩ રન બનાવી અણનમ રહ્યો હતો. જોની બેયરસ્ટો ૨૮ બોલમાં ૫ ચોગ્ગા સાથે ૪૦ રન બનાવી અણનમ રહ્યો હતો. ભારતીય ટીમ આજે ફરી ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલરોનો સામનો કરવામાં નિષ્ફળ રહી હતી. ખાસ કરીને માર્ક વુડે એક બાદ એક ભારતીય ટીમને ત્રણ ઝટકા આપ્યા હતા. ટીમ ઈન્ડિયાએ ઈનિંગની ત્રીજી ઓવરમાં કેએલ રાહુલ ૦ ના રૂપમાં પ્રથમ વિકેટ ગુમાવી હતી. રાહુલ આ સિરીઝમાં ત્રણ ઈનિંગમાં માત્ર ૧ રન બનાવી શક્યો છે. તે સતત બીજી મેચમાં ખાતુ ખોલાવ્યા વિના આઉટ થયો હતો. ત્યારબાદ ઈનિંગની પાંચમી ઓવરમાં માર્ક વુડે રોહિત શર્મા ૧૫ ને આઉટ કરી ભારતને મોટો ઝટકો આપ્યો હતો. પાછલી મેચમાં શાનદાર પ્રદર્શન કરનાર ઇશાન કિશન ૪ રન બનાવી ક્રિસ જોર્ડનનો શિકાર બન્યો હતો. ભારતીય ટીમે પાવરપ્લેમાં ત્રણ વિકેટે ૨૪ રન બનાવ્યા હતા. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલીએ ટીમને સંભાળી હતી. ભારતીય ટીમે રિષભ પંત ૨૫ ના રૂપમાં ચોથી વિકેટ ગુમાવી હતી. શ્રેયસ અય્યર ૯ પણ ટીમનો સ્કોર ૮૬ હતો ત્યારે આઉટ થયો હતો. ત્યારબાદ વિરાટ કોહલી શાનદાર બેટિંગ કરતા સતત બીજી મેચમાં અડધી સદી ફટકારી હતી. કોહલીએ ૩૭ બોલમાં પોતાના ૫૦ રન પૂરા કર્યા હતા. અંતિમ ઓવરોમાં કેપ્ટને આક્રમક બેટિંગ કરી ટીમનો સ્કોર ૧૫૦ને પાર પહોંચાડ્યો હતો. કોહલી ૪૬ બોલમાં ૮ ચોગ્ગા અને ૪ છગ્ગા સાથે ૭૭ રન બનાવી અણનમ રહ્યો હતો. હાર્દિક પંડ્યાએ ૧૫ બોલમાં ૨ છગ્ગા સાથે ૧૭ રન બનાવ્યા હતા.