વડોદરા શહેરના તરસાલી વિસ્તારની નંદનવન સોસાયટીમાં રહેતા સોની પરિવારના આધેડે આર્થિક ભીંસના કથિત કારણોસર તેની સાથે ઘરમાં રહેતા વૃધ્ધ પિતા તેમજ પત્ની અને યુવાન પુત્રને ત્રણ દિવસ અગાઉ શેરડીના રસમાં પોટેશિયમ ગોલ્ડ શાઈનાઈટ ભેળવીને પીવડાવી દીધું હતું જેમાં તેની પત્ની અને પિતાનું ગણતરીના કલાકમાં નિપજયા હતા જયારે યુવાન પુત્રને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાતા તેની હાલત ગંભીર છે. આ બનાવની પોલીસને જાણ કર્યા વિના પત્ની અને પિતાની અંતિમવિધિ કરી નાખ્યા બાદ આધેડે પત્ની પર પિતાની હત્યા અને પુત્રની હત્યાનો પ્રયાસની બોગસ વિગતો પોલીસને જણાવ્યા બાદ તેણે પણ ગઈ કાલે આપઘાતનો પ્રયાસ કર્યો હતો જેમાં તેની હાલત પણ ગંભીર હોવાનું કહેવાય છે. આ બનાવમાં મકરપુરા પોલીસે આધેડ સામે પત્ની અને પિતાની હત્યાનો ગુનો નોંધી સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે. ભારે રહસ્યના વમળો ઉભા કરતા બનાવમાં તરસાલી રોડ પર નંદનવદ સોસાયટીમાં રહેતા ૮૩ વર્ષીય મનહર ચિમનલાલ સોની નિવૃત જીવન ગાળતા હતા. તેમની સાથે મકાનમાં રહેતા ૫૨ વર્ષીય પુત્ર ચેતન ઘરેથી વિવિધ ધાતુના વાસણો રિપેર અને નાની રીંગ બનાવવાનું ધંધો કરે છે તેમજ પુત્રવધુ ૪૭ વર્ષીય બિન્દુબેન ચેતન સોની વ્યવસાયે ગૃહિણી હતી અને ૨૪ વર્ષીય પૌત્ર આકાશ શહેર નજીકની કોલેજમાં એન્જિનિયરીંગનો અભ્યાસ કરે છે. અગાઉ સોની કામ કરતા ચેતને છુટ્ટક કામ કરતો ચેતન ઘરપરિવારની જવાબદારી પુરી કરવા અસક્ષમ હોઈ તે ભારે આર્થિક ભીંસમાં આવ્યો હતો અને આ દરમિયાન તેની પર દેવું વધી જતાં તે નાસીપાસ થયો હતો. ગત ૧લી તારીખના રાત્રેે ચેતને તેના પિતા તેમજ પત્ની અને પુત્રને અત્યંત ઝેરી એવું પોટેશિયમ ગોલ્ડ શાઈનાઈટને શેરડીના રસમાં ભેળવીને પીવા માટે આપ્યું હતું. શેરડીનો રસ પિતા ત્રણેયની તબિયત લથડી હતી જેમાં આકાશ, બિન્દુબેન અને મનહરભાઈને સયાજી હોસ્પિટલના ઝાડા-ઉલ્ટીની ફરિયાદ સાથે એમઆઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતાં. મોડી રાત્રે ટુંકી સારવાર બાદ બિન્દુબેન અને મનહર સોનીના મોત નીપજતા ચેતને સાચી વિગતોની કોઈને જાણ કરી નહોંતી અને સાસરિયા અને સંબંધીઓની હાજરીમાં પત્ની અને પિતાની ત્રીજી તારીખે બારોબાર અંતિમવિધી કરી નાખી હતી. પુત્રની સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવી પહોંચ્યો હતો. રાત્રે પુત્ર આકાશની તબિયત વધુ લથડતા ચેતને ગત રાત્રે હોસ્પિટલના તબીબોને જણાવ્યું હતું કે તેના પુત્રને ઊલટીઓ થઈ રહી છે, જેથી તેને શંકા છે કે તેની પત્ની બિન્દુબેન સોનીએ પ્ ગોલ્ડની પ્લેટિંગમાં વપરાતું પોટેશિયમ ગોલ્ડ શાઇનાઇટ જ્યુસમાં મિક્સ કરેલું હોઈ શકે છે. એટલું જ નહીં તેણે ૧લી તારીખના રાત્રે પરિવારજનોને પીવડાવેલા શેરડીના રસનું સેમ્પલ અને પોટેશિયમ ગોલ્ડ સાઇનાઇટનું સેમ્પલ સાથે લાવ્યો છે તેમ કહી સેમ્પલો તબીબોને સોંપ્યા હતા. આ વિગતો સાંભળીને ચોંકી ઉઠેલા તબીબોએ તુરંત મકરપુરા પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ ખાતે દોડી આવી હતી. જાેકે પોલીસની એન્ટ્રી થતાં જ ચેતન ગભરાયો હતો અને તેણે પણ રાત્રે પરિવારને પીવડાવેલું ઝેરી કેમિકલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં મકરપુરા પોલીસ ચેતનના ઘરે દોડી ગઈ હતી અને તેની પ્રાથમિક પૂછપરછ કરી હતી જેમાં ચેતને જણાવ્યું હતું કે તે આર્થિક ભીંસમાં છે અને દેવુ વધી જતા તેણે જ પરિવારને ઝેરી કેમિકલયુક્ત શેરડીનો રસ પીવડાવ્યો હતો. જાેકે આ વિગતો બાદ તે બેભાન થઈ જતાં પોલીસે તેને સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો, જયાં તેની હાલત ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યું હતું. છેલ્લા ચાર દિવસથી સોની પરિવારમાં ચાલી રહેલા આ મોતના તાંડવની વિગતો સપાટી પર આવતા મકરપુરા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ સમગ્ર ઘટનાની મનોજકુમાર જશવંતલાલ સોની(હલદરવાસ, ખેડા)એ તેના બનેવી ચેતન સોની વિરુધ્ધ તેમની બહેન તેમજ બહેનના સસરાની હત્યા, તેમજ ભાણીયાની હત્યાના પ્રયાસની મકરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચેતન સામે ગુનો નોંધ વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસની હાજરીમાં જ ઢળી પડતાં ચેતનને હોસ્પિટલ ખસેડાયો
ચેતને જયારે રાત્રે હોસ્પિટલના તબીબો સમક્ષ પત્ની પર શંકા વ્યક્ત કરીને પોટેશિયમ ગોલ્ડ શાઈનાઈટના નમુના આપતા જ તે શંકાના દાયરમાં આવ્યો હતો. આ બનાવની હોસ્પિટલના તબીબોએ પોલીસને જાણ કરતા પોલીસ તુરંત ચેતનને લેવા માટે તેના ઘરે દોડી ગઈ હતી. જાેકે પોલીસે તપાસ શરૂ કરી હોવાની જાણ થતાં જ ચેતને પોલીસ આવે તે પહેલા ઝેર ગટગટાવ્યું હતું અને ઘરમાં બેસી રહ્યો હતો. પોલીસે તેના ઘરમાં તપાસ કરતા ફ્રીજમાંથી ઝેર મળી આવ્યું હતું. પોલીસે ચેતનની પુછપરછ કરતાં તેણે આર્થિક ભીંસથી કંટાળીને પત્ની અને પિતાની હત્યાની કબુલાત કરી હતી અને પોલીસની હાજરીમાં ઉલ્ટીઓ કરીને ઢળી પડ્યો હતો જેથી પોલીસે તેને હોસ્પિટલમાં ખસેડ્યો હતો.
આર્થિક ભીંસ સાથે વ્યાજખોરીની દિશામાં પણ તપાસ
ચેતન સોનીએ જે રીતે પત્ની, પુત્ર અને પિતાની હત્યાનું કાવત્રુ રચીને પોતે પણ આપઘાતનો પ્રયાસ કર્યો છે તે બનાવમાં વાસ્તિવક કારણ શું છે તેની ડીસીપી ઝોન-૩ લીના પાટીલે પણ તપાસ શરૂ કરી છે. આ અંગે ડીસીપી લીના પાટીલે જણાવ્યું હતું કે સમગ્ર બનાવમાં ચેતન મુખ્ય સુત્રધાર છે અને પોલીસે તેનો મોબાઈલ ફોન કબજે લીધો છે. ચેતનને તેના સાળા અવારનવાર આર્થિક મદદ કરતા હોઈ તે આર્થિક ભીંસમાં હોવાની વાત સાચી છે પરંતું આ કેસમાં વ્યાજખોરી પણ કારણભુત છે કે કેમ તેની પણ તપાસ શરૂ કરી છે.
ચેતન પુત્ર આકાશનું મોત થાય તેવી રાહ જાેતો હતો
ચેતને તેની પત્ની અને પિતાની હત્યા કરવામાં સફળ રહ્યો હતો પરંતું પુત્ર આકાશના મિત્રો મદદ માટે આવી જતા આકાશની હાલત સ્થિર છે. આકાશના મિત્રોએ ચેતનને જણાવ્યું હતું કે આકાશને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરીશું તો તે ઝડપથી સાજાે થઈ જશે પરંતું ચેતન જાણે તેના પુત્ર આકાશનું પણ મોત થાય તેની રાહ જાેતો હોય તેમ મિત્રોને ખાનગી હોસ્પિટલમાં ખસેડવાની ના પાડી હતી અને સયાજીમાં સારી સારવાર થાય છે તેમ જણાવ્યું હતું. જાેકે પરિવારના ત્રણેય સભ્યોના અવસાન થાય તો તેઓની અંતિમવિધિ પુરી કરીને પોતે મરી જવાનો ઈરાદો ધરાવતા ચેતને પુત્ર કદાચ બચી જશે તેમ લાગતે પોતે આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવું મનાય છે.
પોસ્ટ મોર્ટમમાં કિડની અને શરીરના પાર્ટ કાઢી લેશે તેવી બીક બતાવી
પત્ની બિન્દુબેન તેમજ પિતા મનહરલાલનું ટૂંકી સારવાર બાદ અવસાન થતાં અત્રે દોડી આવેલા બિન્દુબેનના ભાઈ મનોજકુમારે મોતનું ચોક્કસ કારણ જાણવા માટે બંનેને પોસ્ટમોર્ટમ કરાવવા માટે બનેવી ચેતનને જાણ કરી હતી. જાેકે પોસ્ટમોર્ટમમાં હત્યાનો ભાંડો ફુટી જાય તેવી બીક હોઈ ચેતને જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમમાં કીડની અને શરીરના બીજા પાર્ટસ કાઢી લેવામાં આવે છે અને ચીરફાડ થાય છે માટે આપણે પોસ્ટમોર્ટમ નથી કરાવવાનું અને બંને મૃતદેહોને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જઈને તરસાલી સ્મશાનમાં બંનેની સામુહિક અંતિમવિધિ કરી નાખી હતી.
મૃતદેહોને પોસ્ટ મોર્ટમ વિના કેવી રીતે આપી દેવાયા?
આ બનાવની તપાસ કરતા મકરપુરા પીઆઈ જે એન પરમારે જણાવ્યું હતું કે ચેતને ભલે ફુડ પોઈઝનીંગની ફરિયાદ કરી હતી પરંતું ત્યારબાદ તેની પત્ની અને પિતાનું મોત થવા છતાં આ સયાજી હોસ્પિટલમાંથી પોસ્ટમોર્ટમ કર્યા વિના બે –બે મૃતદેહોને કેવી રીતે ચેતનને સોંપી દેવામાં આવ્યા તેમજ તરસાલી સ્મશાનમાં કેવી રીતે અંતિમવિધિ પુરી કરી દેવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવશે અને આ અંગે સયાજી હોસ્પિટલના સત્તાધીશો ૫ાસે સમગ્ર ઘટનાક્રમની વિગતો માંગવામાં આવી છે.
પોટેશિયમ ગોલ્ડ સાઈનાઈટ કેવી રીતે આવ્યું?
ચેતન સોનીએ હત્યા અને આપઘાત માટે પોટેશિયમ ગોલ્ડ શાઈનાઈટનો ઉપયોગ કર્યો છે તે પ્રતિબંધિત કેમિકલ છે. જાેકે સોનાના દાગીના બનાવવા માટે તેનો જ્વેલર્સ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે પરંતું તે ખરીદવા માટે નિયમો છે. ચેતન કોઈ દાગીના બનાવતો નહોંતો પરંતું માત્ર છુટ્ટક કામ કરતો હતો અને તેના ફ્રીજમાંથી પણ આ કેમિકલ મળ્યું હોઈ તેણે આ કેમિકલ કેવી રીતે અને કોની પાસેથી લીધું છે તેની પણ પોલીસે તપાસ શરૂ કરી છે.
પોલીસે તબીબો પાસે સારવારની વિગતો મગાવી
સોની પરિવારના ત્રણ સભ્યો ફુડ પોઈઝનીંગની ફરિયાદ સાથે દાખલ થયાના ગણતરીના કલાકમાં સસરા-પુત્રવધુના મોત નીપજ્યા હતા જયારે પુત્ર આકાશને ઝેર પીવડાવવામાં આવ્યું હોવાની વિગતો અપાયા બાદ શું સારવાર કરાઈ તેની ડો.લીના પાટીલે પોલીસે સયાજી હોસ્પિટલમાં મૃતકોની સારવાર કરનાર તબીબો અને સ્ટાફ પાસે તમામ વિગતો મંગાવી છે. જાેકે પોલીસે ગઈ કાલથી સારવારના કાગળો આપવા જાણ કરવા છતાં હોસ્પિટલના સ્ટાફે હજુ સુધી વિગતો આપી નથી.
Loading ...