-તોપણ એ ચાંદીનું કડું ધૂળમાં જ રહ્યું

એ વર્ષ હતું સંવત ૧૮૬૯નું. છેલ્લાં ત્રણ વર્ષથી ગુજરાતમાં વરસાદનું ટીપું પડયું નહોતું. ગુજરાતના ઇતિહાસમાં આ અકાળ ‘ઓગણોતેરો દુષ્કાળ’ના નામે કાળી શાહીથી અંકાઈ ગયો. કાઠિયાવાડ, ઝાલાવાડ, સોરઠ કે ગીરની ધરા પર દૂર દૂર નજર નાખતાં પણ એક લીલો છોડ જાેવો અશક્ય થઈ પડ્યો હતો! મરેલાં ઢોરનાં હાડ-માંસ ખાઈ-ખાઈને ગીધ, કાગડાં અને કૂતરાં હૃષ્ટપુષ્ટ થઈ ગયાં હતાં. મૃતદેહોના ઢગલાથી ગંધાતા ગામો-શહેરોની પરિસ્થિતિ એટલી વણસી ગયેલી કે મા-બાપ પોતાના સંતાનને વેંચીને અનાજ લેવા તત્પર થઈ ગયેલાં! જેની પાસે વધુ રૂપિયા, તે ચરોતર અને દક્ષિણ ગુજરાત બાજુથી આવનારું વધુ અનાજ ખરીદી શકતા...

ગુજરાતની આવી કફોડી પરિસ્થિતિમાં ઝાલાવાડ પંથકના લીમલી ગામનું એક દંપતી કોઈ નોકરી-ધંધો ને અન્ન-જળની શોધમાં સુરત તરફ ચાલી નીકળ્યું. પતિ સગરામ અને પત્ની રૂડકી. રસ્તામાં ચાલતાં ચાલતાં, સુખ-દુઃખની વાતો કરતાં કરતાં, વચ્ચે મળનારા સદાવ્રતોમાં ભૂખ ભાંગતાં ભાંગતાં બન્ને પતિ-પત્ની જઈ રહેલાં. એવામાં સગરામની નજર રસ્તામાં પડેલાં એક ચાંદીના કડા ઉપર પડી. કાળની આ પરિસ્થિતિમાં એક ચાંદીનું કડું મળે તોપણ કેટલો નિર્વાહ થઈ જાય. બસ, એ નિર્વાહ વાંકા વળીને કડું ઊંચકી લેવા જેટલો જ દૂર હતો.

પરંતુ થયું કંઈક જુદું. સગરામે તો એ જણસને છેટેથી જ ઝાઝા જુહાર કરી દીધાં. તેણે ધીરે રહી પાછળ જાેયું. થાકેલી રૂડકી થોડી પાછળ ચાલી આવતી હતી. તેથી સાગરામે ઝટઝટ થોડી ધૂળ નાંખીને કડું ઢાંકી દીધું! આગળ જ્યારે બંને ભેગાં બેઠાં ત્યારે રૂડકીએ પૂછ્યું, “તમે રસ્તામાં વાંકા વળીને શું કરતા હતા?” સગરામે ખચકાતા સ્વરે વાત ઉપાડી, ‘એ તો કાંઈ નહીં. ત્યાં રસ્તામાં...’તેઓ હજી વાત કરતાં હતાં ત્યાં અચાનક હથિયારધારી ઘોડેસવારો આવી ચડ્યા. કરડાકીભરી નજરે એક તાડૂક્યો, “આ રસ્તે જાન ગઈ છે, તે તમને ચાંદીનું કડું જડ્યું છે? જાે ચોરી લીધું હોય, પાછું દઈ દેજાે...’

 સગરામે તો જ્યાં કડું ઢાંક્યું હતું તે જગ્યા બતાવી પણ ‘આ કાળમાં કોઈ આવું મોંઘું ઘરેણું જતું ન કરે,’ એમ જાણી અસવારોએ વિશ્વાસ ન કર્યો. સગરામે જાતે જઈ રેતીમાંથી કડું કાઢી આપ્યું ત્યારે અસવારો અચરજમાં ડૂબી ગયા – આ કળિયુગમાં આવી પ્રામાણિકતા! સગરામ કહે, ‘અમે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છીએ, ચોરી તો શું? પારકી વસ્તુ પણ કોઈની અમે હાથે ન ઝાલીએ.’આમ ફોડ પાડીને સગરામે રૂડકીને કહ્યું, ‘શ્રીજી મહારાજે ચોરી કરવાની ને પારકી વસ્તુ લેવાની ના પાડી છે પણ ઘરેણું જાેઈને તારું મન લલચાઈ ન જાય તેથી હું વાંકો વળીને આ કડાને ધૂળથી ઢાંકતો હતો.’ત્યારે સૌને આશ્ચર્ય પમાડતાં રૂડકીએ ઉત્તર વાળ્યો, “ઓહોહોહો. ત્યારે તમે તો ધૂળ ઉપર ધૂળ વાળી. શ્રીજી મહારાજે જયારથી કહ્યું છે કે અનીતિનું કશું લેવું નહીં, ત્યારથી મારે મન પારકી વસ્તુ ધૂળ સમાન જ છે...’

જી હા, માત્ર ‘મારે સારા માણસ બનવું છે માટે મારે ચોરી ન કરવી જાેઈએ...’ એવો શિષ્ટાચાર જ નહીં, પરંતુ સંપૂર્ણ રીતે ચૌર્યવૃત્તિનો જ આપણા મનમાંથી નિકાલ થઈ જાય, ત્યારે સાચા અર્થમાં આપણે શુદ્ધ ચારિત્ર્યવાન મનુષ્ય બની શકીએ છીએ. ચૌર્યવૃત્તિનો અભાવ હોય ત્યારે ચાંદીનું કડું આંખની સામે હોવા છતાં રેતીમાં જ પડયું રહે, પારકી મિલકત ઉઠાવી લેવાની ઇચ્છા ન થાય. તેથી જ પ્રગટ બ્રહ્મસ્વરૂપ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ સ્વયં ‘સત્સંગદીક્ષા’ નામક આધુનિક આચારસંહિતા શાસ્ત્રમાં લખે છે ઃ

चौर्यं न कर्हिचित् कार्यं। धर्मार्थमपि नो कार्यं चोरकार्यं तु कर्हिचित् ॥३१॥

એટલે કે ‘ચોરી ક્યારેય ન કરવી. ધર્મને અર્થે પણ ચોરી ક્યારેય ન કરવી.’ (સ.દી.૩૧) કેટલો ટૂંકો પરંતુ કેટલો સચોટ ઉપદેશ! સામાન્ય રીતે ચોરીની વ્યાખ્યા તો સહુ જાણે છે, પરંતુ જેની જે પરવાનગી લીધી હોય, તે કરતાં પણ વધુ પૂછ્યા વિના લઈ લેવું, સારાં/ભગવાનનાં કાર્ય માટે પણ લઈ લેવું, તે પણ ચોરી જ કહેવાય.

એકવાર પ્રમુખસ્વામી મહારાજ લેસ્ટર(યુ.કે.)માં વિરાજમાન હતા. ત્યાં તેઓની નિત્યપૂજામાં મૂકવા માટે તાજા ફૂલો લાવવાની સેવા બાળકોને સોંપાયેલી. તે માટે બાળકોએ બગીચાવાળાં ઘરોનો સંપર્ક કરીને ફૂલોનો ફાળો નોંધેલો. તે અનુસાર આ બાળકો સવારે સાડા પાંચ વાગ્યે ફૂલ નોંધાવનારા યજમાનને ઘેર પહોંચી જતાં અને તેમણે લખાવેલી સંખ્યા મુજબ બગીચામાંથી ફૂલ ચૂંટી લાવતાં. પરંતુ પુષ્પોની જરૂરિયાત વધતાં બાળકો નોંધાવેલી સંખ્યા કરતાં એક-બે ફૂલ વધુ ખણી લેતાં, કારણ કે વહેલી સવારે ઘરમાલિક તો સૂતો હોય. તેથી ‘વધુ ફૂલ લીધાંની વાત સાંજે માલિકને જણાવી દઈશું’ - એમ વિચારી બાળકો વધારે ફૂલો તોડી લાવતાં.

આ વિગત પ્રમુખસ્વામીજીની જાણમાં આવી, ત્યારે તેઓએ બાળકોને કહ્યું ઃ “જુઓ, શ્રીજી મહારાજે લખ્યું છે કે ધણીને પૂછ્યા વગર એક પુષ્પ પણ ન તોડાય. તે ચોરી કહેવાય. મારી પૂજામાં પુષ્પ નહીં હોય તો ચાલશે! પણ ચોરેલાં પુષ્પો જાેઈતાં નથી. આપણાથી ચોરી થાય જ નહીં.’ બાળકો પાસે પુષ્પ તોડવાનો પરવાનો હતો. છતાં તેઓ માલિકે નોંધાવેલી સંખ્યા કરતાં વધુ ફૂલ તોડતાં તે સ્વામીજીને મતે ચોરી જ હતી!

ચાલો, આપણે પણ અણહકની ચીજ-વસ્તુઓ પડાવી લેવાની, કોઈને છેતરીને અજાણતા પણ ચોરી કરવાની ચૌર્યવૃત્તિથી નિવૃત્તિ લઈને શુદ્ધ ચારિત્ર્યમય જીવન ભણી ડગલાં માંડીએ...

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution