અન્ન એવો ઑડકાર

લેખકઃ નીતા દવે | 

મનુષ્ય જીવનની મુખ્ય જરૂરિયાત એટલે હવા પાણી અને ખોરાક. ખોરાકને આપણે જીવનદોરી પણ કહી શકીએ. પાકશાસ્ત્રને આપણા પૌરાણિક સાહિત્યમાં પણ વિશિષ્ટ દરજ્જાે આપવામાં આવેલો છે.

અત્યારે આધુનિક સમયમાં ભોજનમાં ઘણી જ વિવિધતાઓ જાેવા મળે છે. પહેલાના સમયમાં રસોઈ શીખવા માટેના ક્લાસીસ કરવા પડતા. પરંતુ હવે ટેકનોલોજીનાં સમયને આધારે દરેક વ્યક્તિ પોતાનાં મોબાઈલમાં જાેઈને વિશિષ્ટ વ્યંજનો ઘરે જાતે જ બનાવી શકે છે.

 વિવિધ પ્રદેશની જુદી જુદી વાનગીઓ અને અલગ સ્વાદ સાથે લોકો ભોજન જમતાં થઈ ગયા છે. એક દૃષ્ટિએ જુઓ તો આ ખૂબ જ સારી વાત કહેવાય. પરંતુ જુદા જુદા પ્રદેશોના વ્યંજનો જમતા આપણે એક બાબત ભૂલી જઈએ છીએ કે દરેક રાજ્યની ભૌગોલિક પરિસ્થિતિ એકબીજાથી જુદી પડતી હોય છે. લોકોનો વસવાટ એમની કામગીરી અને ધાર્મિક પ્રણાલીઓ પણ પરસ્પર જુદી હોવાથી ત્યાં ખોરાક પણ સ્વાભાવિક રીતે જુદો બનતો હોય છે. ઉદાહરણ તરીકે જાેઈએ તો દક્ષિણના રાજ્યોમાં કાર્બોહાઈડ્રેટ એટલે કે ભાત અને તેને સમાન પદાર્થોની વાનગીઓ વધારે બને છે. જ્યારે પંજાબ જેવા દેશમાં પ્રોટીન એટલે કે ચણા અને કઠોળના ઉપયોગથી વધારે વાનગીઓ બનતી હોય છે.એવી જ રીતે ભારતની આબોહવા મિશ્ર છે એટલે અહીંના ખોરાકમાં પણ વિવિધતા જાેઈ શકાય. જ્યારે બ્રિટનમાં આબોહવા વધુ પડતી ઠંડી હોવાથી ત્યાંનો ખોરાક ચરબીયુક્ત વધારે જાેવા મળે છે. જેમકે બ્રેડ, પિઝા, ચીઝ, બર્ગર, પાસ્તા વિગેરે. અત્યારનો સમય પેક્ડ ફુડનો છે. દોડધામવાળા જીવનમાં ઘરે બનાવેલો શુદ્ધ શાકાહારી ખોરાક ખાવાને બદલે લોકો હવે મોબાઈલ પર ઓર્ડર આપી અને તૈયાર ભોજન મંગાવી લેવાનું વધારે પસંદ કરે છે. આથી જ મેકડોનાલ્ડ, ડોમિનોઝ જેવી પેક્ડ ફુડ ઓર્ડર પર ચાલતી કંપનીઓ દિવસે ને દિવસે હરણફાળ ભરી રહી છે. લોકો આર્થિક સમૃદ્ધિ મેળવવા સ્વાસ્થ્ય સમૃદ્ધિનો હસતે મોઢે ભોગ આપી દે છે. બહારથી મંગાવેલો ખોરાક સ્વાદ ચોક્કસ આપી શકે પરંતુ સ્વાસ્થ્ય નહીં.

આપણે હવે પાશ્ચાત્ય શૈલી તરફ વધુ ઢળી રહ્યા છીએ ત્યારે આજના નવા જનરેશનને ખોરાક બાબતે અમુક જાણકારી હોવી જરૂરી બની જાય છે. ખોરાક એ માત્ર સ્વાદ પૂરતી સીમિત બાબત નથી. ખોરાક દ્વારા જ શરીરના તમામ પાસાનું સંચાલન થતું હોય છે મન ,વાણી અને કાર્ય પણ ખોરાકને આધારિત જ હોય છે. આથી અનાજ લાવતા સમયથી લઇ અને એ અનાજમાંથી ખોરાક તૈયાર થાય ત્યાં સુધીની પ્રોસેસ ખૂબ અગત્યની બની રહે છે. ખોરાક બનાવનાર વ્યક્તિ જાે શાંતચિત્ત હશે, પ્રેમાળ હશે, તો એ ભોજન જમનાર વ્યક્તિને પણ જમ્યા પછી એ અનાજ સુપાચ્ય થશે. અને વ્યગ્રતાની અવસ્થામાં લાવેલું અનાજ અને ક્રોધની મનઃસ્થિતિમાં બનાવેલું ભોજન જમ્યા પછી વ્યક્તિના મનને અશાંત કરી દેશે. આ બાબત કોઈ આધાર પુરાવા વગરની નથી. આ બાબતની યથાર્થતા ને પુરવાર કરતા આપણા ધાર્મિક ગ્રંથમાં પણ તેનો ઉલ્લેખ થયેલો છે. જેમ કે,

बलं आरोग्यं आयुश्च प्रणाश्च अग्नौ प्रतिष्ठिताઃ

 अन्नपान इन्धनैઃच अग्निઃ ज्वलति व्येति चान्यथा ।।

(ચરકસંહિતા સૂત્ર સ્થાન ૨૭ઃઅન્નપાન વિધિ)

(જેનો અર્થ થાય છે કે,...બળ,આરોગ્ય, આયુષ્ય ,અને પ્રાણ એ અગ્નિ ઉપર આધારિત છે અને અગ્નિને ઇંધણ આપતો ખોરાક એટલે આહાર છે અને જાે એ ખરાબ હોય તો પેટમાં રહેલ પાચન અગ્નિ પણ ખરાબ થાય છે.)

   ગુજરાતી ભાષામાં ખોરાક વિશે કહેવાયું છે કે,”વ્યક્તિના દિલ સુધી પહોંચવાનો રસ્તો પેટ તરફથી થઈને પસાર થાય છે”. એવી જ રીતે “અન્ન તેવો ઓડકાર” જેવી કહેવત પણ પ્રચલિત બનેલી છે. આ માત્ર શબ્દો જ નથી. પરંતુ આ શબ્દો પાછળ એક ખૂબ ઊંડો વિચાર અને વિજ્ઞાનનું સત્ય પણ છુપાયેલું હોય છે.

સામાન્ય રીતે સંયુક્ત કુટુંબમાં એક સાથે લગભગ ત્રણ પેઢી રહેતી હોય છે. વડીલો, બાળકો, અને પુખ્ત વયનું યુગલ. પણ ત્રણેય જનરેશનનાં ભોજનમાં સ્વાદ અને ગુણવતા લઇને ખાસ્સો એવો તફાવત જાેવા મળે છે. ઘરના બધા સભ્યોને અનુકૂળ આવે અને સ્વાસ્થ્યની સાથે સ્વાદ પણ જળવાય તેવું ભોજન બનાવવું જાેઈએ. ભોજન એ માત્ર સ્વાદનો પર્યાય કે પેટ ભરવાનો વિકલ્પ માત્ર નથી. આપણા શાસ્ત્રમાં ભોજનને યજ્ઞ કહેવામાં આવેલો છે અને કોળિયાને આહુતિ..! આથી પ્રકૃતિના પાંચ તત્વથી બનેલા શરીરના પોષણરૂપ આધાર એવા ખોરાકની પસંદગી કરતી વખતે તેની બનાવટનાં મૂળની ચકાસણી ચોક્કસ કરી લેવી જાેઈએ.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution