16, એપ્રીલ 2025
વડોદરા |
ગ્લોબલ સેન્ટિમેન્ટના પગલે અદાણીના સૌથી વફાદાર સમર્થકોમાંના એક GQG પાર્ટનર્સ ફરીથી મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. એનઆરજી રાજીવ જૈનની આગેવાની હેઠળની GQG પાર્ટનર્સે અદાણી ગ્રુપની પાંચ કંપનીઓમાં પોતાનો હિસ્સો ઝડપથી વધાર્યો છે.
સૌથી મોટા આશ્ચર્યની વાત તો એ છે કે, ડિસેમ્બર ક્વાર્ટરમાં અદાણી પોર્ટ્સમાં અડધાથી વધુ હિસ્સો ઘટાડીને માત્ર 1.46% કર્યા બાદ GQGએ યુ-ટર્ન લીધો છે. ફરી એકવાર તેનું હોલ્ડિંગ 247 બેસિસ પોઈન્ટથી વધારીને 3.93% કર્યું છે. રોકાણ માત્ર ત્યાં જ અટક્યું નથી. GQGએ પકડ મજબૂત કરતા અદાણી ગ્રીન એનર્જીમાં 28 bps વધીને 4.49%, અદાણી એનર્જી સોલ્યુશન્સ 13 bps વધીને 5.23%, અદાણી એન્ટરપ્રાઇઝ 17 bps વધીને 3.84% અને અદાણી પાવર 5.1% સુધી વધાર્યુ હતું.
ફેબ્રુઆરીમાં પરિસ્થિતિ બદલાવાની શરૂઆત ત્યારે થઈ જ્યારે નવા યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અદાણીના આરોપો પાછળનો મુખ્ય આધાર ફોરેન કરપ્ટ પ્રેક્ટિસ એક્ટ (FCPA) હેઠળ કાર્યવાહી સ્થગિત કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા. $12 ટ્રિલિયન એસેટ્સનું સંચાલન કરતા યુએસ સ્થિત રોકાણકાર બ્લેકરોકે અદાણીમાં 3-5 વર્ષ માટે $750 મિલિયનના ખાનગી બોન્ડ ઇશ્યુનો 1/3 હિસ્સો લીધો હતો.
અમેરિકાની નિયમનકારી રાહત FII હોલ્ડિંગ્સમાં માલિકીનો લેન્ડસ્કેપ બદલી રહી છે. FII એ અદાણી ગ્રીન, અંબુજા સિમેન્ટ્સ અને ACC સહિત પાંચ અદાણી શેરોમાં રોકાણ ઘટાડ્યું છે, ત્યારે ભારતીય મ્યુચ્યુઅલ ફંડોએ અદાણી પોર્ટ્સ, ગ્રીન એનર્જી અને એનર્જી સોલ્યુશન્સ જેવી છ કંપનીમાં હિસ્સો વધાર્યો છે. અદાણીના સૌથી મોટા સંસ્થાકીય રોકાણકાર LIC એ પણ ACC, અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સમાં તેનું હોલ્ડિંગ વધાર્યું છે.
દરમિયાન રિટેલ રોકાણકારોએ અદાણી પાવર અને અદાણી ટોટલ ગેસ સહિતના સાત ગ્રુપ શેરોમાં નફો બુક કરતા ટૂંકા ગાળાના વેચાણનું દબાણ વધ્યું હતું.
આ તરફ જાણીતી બ્રોકરેજ ફર્મ વેન્ચુરા સિક્યોરિટીઝે અદાણી પાવર ખરીદવાની ભલામણ કરી છે. 24 મહિનામાં તેનો લક્ષ્યાંક ભાવ ₹806 નક્કી કરવામાં આવ્યો છે. ભારતની સૌથી મોટી ખાનગી થર્મલ પાવર ઉત્પાદક કંપનીમાં વીજળીની માંગમાં વધારો થવાથી ફાયદો થવાની બ્રોકરેજને અપેક્ષા છે. આ તરફ જેફરીઝ માને છે કે આગામી મૂડીખર્ચમાં વધારો માગ વૃદ્ધિને 7% સુધી ખેંચી શકે છે.
અદાણી બાસ્કેટમાં અદાણી પોર્ટ્સને 15 વિશ્લેષકો ખરીદવાની ભલામણ કરે છે. ₹1,551.5 નો સરેરાશ લક્ષ્ય ભાવ 28% ની સંભવિત વૃદ્ધિનો સંકેત આપે છે, જેમાં સૌથી વધુ તેજીનો લક્ષ્યાંક ₹1,870 છે. અદાણી ગ્રીન પાસે છ ખરીદી કોલ છે, જ્યારે અદાણી એન્ટરપ્રાઇઝ પાસે બે છે.