અમરેલી-
અમરેલી જિલ્લામાં આવેલા બાબરા માર્કેટિંગ યાર્ડમાં કપાસની મબલક પ્રમાણમાં આવક જાેવા મળી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઇને માર્કેટિંગ યાર્ડમાં પહોંચી રહ્યાં છે. કપાસનો ભાવ ૧૨૦૦ સુધી પહોંચતા આજે ૧૪ હજાર મણ કપાસની આવક થતાં માર્કેટિંગ યાર્ડ કપાસથી ઉભરાયું છે. હાલ આ વિસ્તારમાં ખેડૂતોને કપાસના સારા ભાવ મળતા ખેડૂતો કપાસ વેચવા યાર્ડ પહોંચી રહ્યાં છે.
હાલ કપાસના ભાવ રૂ. ૧૦૮૦થી ૧૨૦૦ સુધી મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોમાં ઉત્સાહ સાથે ખુશી જાેવા મળી રહી છે. કોરોનાના કપરા કાળ બાદ સારા દિવસો ખેડૂતોને દેખાઈ રહ્યાં છે. ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો કપાસ લઇને યાર્ડ પહોંચી રહ્યાં છે. મહત્વની વાત છેકે, બાબરા યાર્ડમાં બોટાદ, વલ્લભીપુર, વીંછીયા સહિત આસપાસના તાલુકા જિલ્લામાંથી કપાસની આવક થઇ રહી છે.
બાબરા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજય પંડ્યાએ જણાવ્યું હતું કે, સમગ્ર વિસ્તરામાં બાબરા માર્કેટિંગ યાર્ડ કપાસ માટે પીઠુ છે. આ વખતે કપાસના સારા ભાવ મળી રહ્યાં હોવાથી આસપાસના ખેડૂતો વેચવા માટે અહીં આવી રહ્યાં છે.