કિશન એમ્બ્રોસિયાના બિલ્ડર દંપતીની ધરપકડ

ગોત્રી વિસ્તારમાં કિશન એમ્બ્રોસિયા નામે ફ્લેટ અને દુકાનોની સાઈટ શરૂ કર્યા બાદ ગાહકો પાસેથી બુક કરેલી મિલકતોની ૮૦ ટકા રકમ લીધા બાદ પણ ગ્રાહકોને સમયસર મિલકતોનું પઝેશન નહી આપી તેમજ એક ગ્રાહકને નાણાંની પરત ચુકવણી માટે બોગસ ચેક આપી ઠગાઈ કરવાના ગુનામાં સંડોવાયેલા ઠગ બિલ્ડર દંપતી સામે ગોત્રી પોલીસે આખરે ફરિયાદ નોંધી દંપતીની ધરપકડ કરી હતી. દંપતીને આજે રાત્રે કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા. અટલાદરાના રાધેજ્ઞાન ફ્લેટમાં રહેતા ભીખુભાઈ કિશનભાઈ કોરિયા અને તેમની પત્ની શીલ્પાબેને ગોત્રી વિસ્તારમાં ઓશિયા મોલની પાછળ ગુણાતીત ચારરસ્તા પાસે કિશન એેમ્બ્રોસિયા નામે સાઈટ શરૂ કરી હતી. આ સાઈટમાં ફ્લેટો અને દુકાનો બુક કરાવનાર ગ્રાહકોએ મિલકતની ૮૦ ટકા રકમ ચુકવી દીધી હોવા છતાં તેઓને મિલકતનુે પઝેશન નહી મળતા તેમજ બિલ્ડર દંપતી તેઓને જવાબો પણ આપતા નહોંતા. દરમિયાન ગઈ કાલે આ બિલ્ડર દંપતી વિદેશ ફરાર થવાની પેરવીમાં હોવાની જાણ થતાં ગ્રાહકોએ બિલ્ડર દંપતીના ઘરે હોબાળો મચાવ્યો હતો અને સમગ્ર મામલો આખરે ગોત્રી પોલીસ મથકમાં પહોંચ્યો હતો. આ પૈકીના ગોત્રી રોડ પર એલીગન્સ એપલમાં રહેતા એક ગ્રાહક ડો.રાહુલ ભરતભાઈ જાેશીએ ગોત્રી પોલીસ મથકમાં કોરિયા દંપતી વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ગત ૨૦૨૦માં કોરિયા ઈન્ફ્રા પ્રા.લી.ના સંચાલકો કોરિયા દંપતી દ્વારા શરૂ કરાયેલી કિશન એમ્બ્રોસિયા સાઈટ પર ગયા હતા અને ભીખુભાઈ કોરિયા અને તેમના પુત્ર ધ્રુવને મળી તેમણે ૯.૭૭ લાખ અને ૭.૧૧ લાખની કિંમતની બે દુકાનો બુક કરાવી હતી. તેમણે આ બંને દુકાનોનું રોકડ અને ચેકથી પેમેન્ટ કર્યું હતું અને બાકી નાણાં માટે લોન કરાવવાની હોય તેમણે બિલ્ડર પાસે લીગલ એનઓસી, એલોટમેન્ટ લેટર, બાનાખત અને પૈસા ભર્યાની સ્લીપ ની માગણી કરી હતી. જાેકે બિલ્ડરે કોઈ કાગળ આપ્યા નહોંતા અને ત્યારબાદ અમારે દુકાન નથી વેંચી તેમ કહી તેમને ૭.૨૧ લાખનો ચેક આપ્યો હતો જે બે વખત બાઉન્સ થતાં બિલ્ડર દંપતીએ નાણાં લઈને વિશ્વાસઘાત-ઠગાઈ કરી છે. આ ફરિયાદના પગલે પોલીસે બિલ્ડર દંપતીની ધરપકડ કરી તેઓને રાત્રે રિમાન્ડની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution