વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું ૬૨૦૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ સ્થાયી સમિતિ સમક્ષ મૂકવામાં આવ્યું છે. આ અંદાજપત્રમાં સફાઈવેરામાં ૧૦૦ ટકાનો ધરખમ વધારો સૂચવવામાં આવ્યો છે. પાલિકા પોતાના પૈસે શહેરને સ્વચ્છ રાખવામાં નિષ્ફળ નીવડી છે ત્યારે હવે પ્રજાનાં પૈસે શહેરને સ્વચ્છ બનાવવાના પ્રયાસો કરશે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્થાયી સમિતિની મંજૂરીની આશાએ આ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. આ બજેટમાં સુધારા વધારા બાદ સામાન્ય સભામાં રજૂ કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકાના બજેટનું કદ આ વખતે વધારીને ૬૨૦૦.૫૬ કરોડ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં ચૂંટણી હોય આ અંદાજપત્રમાં વિકાસના કામો વધુ મૂકવામાં આવ્યા છે. સાથોસાથ સફાઈવેરામાં ૧૦૦ ટકાનો વધારો સૂચવવામાં આવ્યો છે. આ અંદાજપત્રમાં સફાઈવેરો બેવડો કરી દેવામાં આવ્યો છે. સફાઈ વેરામાંથી ૫૦ કરોડની વધુ આવક આ બજેટમાં સૂચવવામાં આવી છે. સ્થાયી સમિતિમાં આ બજેટ અંગે ચર્ચા વિચારણા બાદ સુધારો વધારો કરવામાં આવશે અને ત્યારબાદ મંજૂરીની અપેક્ષાએ સામાન્ય સભામાં મૂકવામાં આવશે. આ વર્ષે વિકાસના કામો રૂપિયા ૧,૮૪૬ કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે સાથે સાથે કોર્પોરેશનની મુખ્ય આવક ગણાતી વેરાની આવકનો લક્ષ્યાંક રૂ.૭૪૦ કરોડ મૂકવામાં આવ્યો છે. આગામી ૨૦ ફેબ્રુઆરી પહેલા આ બજેટને સંભવતઃ મંજૂરી આપવામાં આવશે.
સફાઈવેરામાં સૂચવાયેલા વધારો
રહેણાંક મિલકતો માટે હાલ સૂચિત
• ૫૦ ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા માટે - રૂ.૨૫૦ રૂ.૫૦૦
• ૫૦.૦૧ ચો.મી.થી ૧૦૦ ચો.મી. સુધીના કાર્પેટ એરિયા માટે રૂ.૫૦૦ રૂ.૧૦૦૦
• ૧૦૦.૦૧ થી વધુ કાર્પેટ એરિયા માટે રૂ.૧૫૦ રૂ. ૧૫૦૦
બિન રહેણાંક મિલકતો માટે
• ૫૦ ચો.મી. થી ઓછા કાર્પેટ એરિયા માટે રૂ. ૧૦૦૦ રૂ.૨૦૦૦
• ૫૦.૦૧ ચો.મી.થી ૧૦૦ ચો.મી. સુધીના કાર્પેટ એરિયા માટે રૂ. ૧૮૦૦ રૂ. ૩૬૦૦
• ૧૦૦.૦૧ થી વધુ કાર્પેટ એરિયા માટે રૂ. ૨૫૦૦ રૂ. ૫૦૦૦
સફાઈવેરામાં ૧૦૦ ટકા વધારો વસૂલી પાલિકા શું કરશે?
વડોદરા મહાનગરપાલિકા દ્વારા સફાઈવેરામાં ૧૦૦ ટકાનો વધારો અંદાજપત્રમાં સૂચવવામાં આવ્યો છે. સફાઈમાં વડોદરા મહાનગરપાલિકા દિન પ્રતિદિન પાછળ ઠેલાતું જાય છે ત્યારે આ વધારા બાદ પાલિકા દ્વારા આગામી સમયમાં ડોર ટુ ડોર વાહનોની સંખ્યા વધારવાનું આયોજન છે. આ ઉપરાંત અટલાદરા, ગાજરાવાડી ગધેડા માર્કેટ ખાતે ક્ષમતા વધારાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કોર્પોરેશન દ્વારા સોશિયલ મોબીલાઈઝર રાખવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સફાઈવેરામાંથી ૫૦ કરોડની વધુ આવક થશે તેમાંથી આ સુવિધાઓમાં વધારો કરવા માટેનું આયોજન પાલિકા દ્વારા કરવામાં આવશે.
પાલિકાના માથે
૨૩૩ કરોડનું દેવું
વડોદરા મહાનગરપાલિકાના માથે હાલમાં કુલ ૨૩૩ કરોડનું દેવું છે. જે પૈકી ૨૦૦ કરોડના બોન્ડ પાલિકા દ્વારા લેવામાં આવ્યા હતા આ ઉપરાંત પાલિકાએ લીધેલી લોનમાંથી હજુ ૩૩ કરોડ ચુકવણું બાકી છે. જે પણ આગામી સમયમાં ભરપાઈ કરવામાં આવશે તેમ પાલિકાના અધિકારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું.
રૂપિયો ક્યાંથી આવશે
આવક પૈસા
ઓકટ્રોય ગ્રાન્ટ ૧૯.૬૭
સામાન્ય કર ૧૬.૧૯
ખાસ કાયદા મુજબની આવક ૧૫.૩૧
અન્ય ગ્રાન્ટ ૧૨.૩૨
વ્યાજ તથા ભાડું ૮.૭૪
પાણી કર / ચાર્જ ૭.૦૬
સફાઈ કર ૬.૧૯
ડ્રેનેજ કર ૪.૭૪
વ્યવસાય વેરો ૩.૪૬
પરચુરણ આવક ૩.૧૮
અન્ય વેરા ૨.૮૫
એન્વાયરમેન્ટ ઇમ્પ્રૂવમેન્ટ ચાર્જ ૦.૨૯
રૂપિયો ક્યાં જશે
જાવક પૈસા
મહેકમ ખર્ચ ૪૮.૫૬
નિભાવણી અને મરામત ૨૩.૩૫
પ્રાથમિક શિક્ષણ ૧૩.૨૫
વિદ્યુત ખર્ચ / લાઈટ બિલ ૬.૮૧
લોન ચાર્જિર્સ ૩.૬૦
પરચુરણ ખર્ચ ૦.૩૪
વિકાસનાં કામો માટે તબદીલ ૪.૦૯
વિશ્વામિત્રીમાં રિ-સેક્શનિંગ અને ડિસીલ્ટિંગની કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનું આયોજન
વડોદરા, તા. ૨૮
વડોદરા શહેરમાં ચોમાસામાં આવેલા વિનાશક પૂર બાદ લોકોમાં તંત્ર સામે ભારે રોષની લાગણી વ્યાપી છે. પાલિકા તંત્ર દ્વારા વિશ્વામિત્રી પૂર નિયંત્રણ અને નિવારણ માટેનું આયોજન હાથ ધર્યું છે. જે માટે પાલિકા દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા.જાેકે, સ્થાયી સમિતીએ ઈરીગેશન વિભાગે આપેલા ટેન્ડર મુજબ કામગીરી કરવા ઠરાવ કર્યો હતો. ત્યારે વિશ્વામિત્રી નદીના રિસેક્શનીંગ અને ડિસીલ્ટીંગની કામગીરી માટે આવતિકાલે પાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. પાલિકાના સૂત્રોના જણાવ્યા મુજબ વિશ્વામિત્રી નદીમાં રી સેક્શનિૅંગ અને ડિ સીલ્ટીંગની કામગીરી ચોમાસા પૂર્વે પૂર્ણ કરવાનું આયોજન છે. જેમાં ૧૫ લાખ ધ.મી. જેટલો કાંપ, ડેબ્રિસ અને જંગલ કટીંગ કરીને વહન ક્ષમતા વધારવામાં આવશે.
જ્યારે આજવા અને પ્રતાપપુરામાં પણ ૨૫ લાખ ધ.મી. ડ્રેજીંગની કામગીરી કરીને તેમાં પાણીની સંગ્રહ ક્ષમતા વધારવામાં આવશે. સાથે શહેરમાં વિવિધ કાંસોના સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવી છે. ઉપરાંત માર્ચના અંત સુધીમાં શહેરના તળાવો ૬૦ ટકા ખાલી કરાશે અને તે માટે પંમ્પો મુકી દેવામાં આવ્યા છે.ભૂંખી કાંસના ડાયવર્ઝનનું ટેન્ડર પણ ફ્લોટ કરવામાં આવ્યું છે.શહેેરના આસપાસ આવેલા કાંસોની સફાઈની કામગીરી પણ ચાલુ કરવામાં આવી છે.વિશ્વામિત્રી અને કાંસોની સફાઈની કામગીરી ઈરીગેશન વિભાગે જે મુજબ કામગીરી આપી છે. તે મુજબ કરવામાં આવશે. જાેકે, સૂત્રોના જણાવ્યા મુજબ ઈરીગેશન વિભાગના ટેન્ડરમાં ડ્રોન થી ફોટોગ્રાફી, કામગીરી માટે ૩૦ જેટલા સુપર વાઈઝર વગેરેનો સમાવેશ નથી. ત્યારે ડ્રોન દ્વારા કામગીરીની ફોટોગ્રાફી અને ૩૦ જેટલા સુપરવાઈઝર પાલિકા દ્વારા મૂકવામાં આવશે. જેનો વધારાનો ખર્ય પાલિકા દ્વારા અલગથી કરવામાં આવશે તેમ જાણવા મળે છે.
અલકાપુરીથી જેલ રોડ સુધી ૨૯૦ કરોડના ખર્ચે બ્રિજ બનાવાશે
વડોદરા, તા.૨૮
વડોદરા શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. ખાસ કરીને સ્ટેશન વિસ્તારમાં ચોમાસાના સમયે અલકાપુરી ગરનાળામાં પાણી ભરાતા બંધ થઈ જાય છે. ત્યારે તાજેતરમાં વડોદરા આવેલા મુખ્યમંત્રીએ અલકાપુરી બ્રિજની ભેટ વડોદરાને આપવાની જાહેરાત કરવામાં આવી હતી. પાલિકા દ્વારા પણ આ બ્રિજનું આયોજન બજેટમાં હાથ ધર્યુ છે. જેમાં આ બ્રિજને ડેરીડેન અને કાલાધોડા થઈને જેલ રોડ સુધીનો બનાવવાનું આયોજન કરવામાં આવ્યુ છે. વર્ષ ૨૦૨૫-૨૬ના બજેટમાં અલકાપુરી થી ડેરીડેન થઈને કાલાધોડા જેલ રોડ સુધીનો ર-ા.૨૯૦ કરોડના ખર્ચે સંયુક્ત બ્રિજ અલકાપુરી રેલવે સ્ટેશન રી- ડેવલોપમેન્ટની કામગીરી માટે નવેમ્બર ૨૦૨૪ના રેલવે વિભાગના પત્રથી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે.જે અન્વયે અલકાપુરી રેલવે ઓવરબ્રિજ ફોર લેન બનાવવામાં મંજૂરી માટે પત્ર પાઠવ્યો છે.આ કામગીરીનું આયોજન કરવા માટે કન્સ્ટન્ટને કામગીરી સોંપવામાં આવી છે.આમ હવે આ બ્રિજ જેલ રોડ સુધી લંબાવવામાં આવશે.
સ્ટેન્ડિંગમાં ચર્ચા બાદ સમગ્ર સભાની મંજૂરી માટે બજેટ રજૂ કરવામાં આવશે
મ્યુ.કમિશનર દિલીપ રાણા દ્વારા વર્ષ ૨૦૨૪-૨૦૨૫નું રૂપિયા ૪૫૫ કરોડના વધારા સાથે રૂપિયા ૬૦૧૩.૬૧ રિવાઇઝડ અને વર્ષ ૨૦૨૫-૨૬નું રૂપિયા ૬૨૦૦.૫૬ કરોડનું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે. કર-દર સૂચવતા આ અંદાજપત્ર અંગે સ્ટેન્ડિંગ સમિતિ દ્વારા ચર્ચા કરવામાં આવશે અને તે બાદ મંજૂર કરવામાં આવશે. આ અંદાજપત્ર અંગે સ્ટેન્ડિંગ સમિતિમાં ચર્ચા બાદ મંજૂર કરવામાં આવ્યા બાદ સમગ્ર સભાની મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. બજેટની ચર્ચા માટે વિશેષ સભા બોલાવવામાં આવશે. સંભવતઃ આગામી તા. ૨૦ ફેબ્રુઆરી પહેલાં બજેટ મંજૂર કરવામાં આવશે. - ડો. શીતલ મિસ્ત્રી, ચેરમેન, સ્થાયી સમિતિ
કાલાધોડા બ્રિજને ૨૫ કરોડના ખર્ચે પહોળો કરાશે
વડોદરા શહેરના કમાટીબાગ કાલાધોડા પાસે વિશ્વામિત્રી નદીના બ્રિજના વાઈડનિંગની કામગીરી થોડા વર્ષો પૂર્વે હાથ ધરવામાં આવી હતી. જેતે સમયે આ કામગીરી થઈ શકી ન હતી. આ વર્તમાન ટ્રાફિકને જાેતાં સાંકડો છે. ત્યારે બજેટમાં રૂા.૨૫ કરોડના ખર્ચે કાલાઘોડા વિશ્વામિત્રી નદીના બ્રિજના વાઈડનિંગની કામગીરીનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બાજવા રેલવે ઓવર બ્રિજ, સેવાસી ગામ પાસે ૩૦ મીટરના મેઈન રોડ પર નાળું પહોળું કરવા સહિતની કામગીરીનો સમાવેશ કરવામાં આવ્યો છે.
મહેકમ ખર્ચ વધીને ૯૫૦ કરોડ થશે
વડોદરા મ્યુનિ. કોર્પોરેશનમાં આગામી વર્ષ ૨૦૨૫-૨૬માં મહેકમ માટેનો ખર્ચ ૯૫૦ કરોડનો થશે તેવો અંદાજ મૂકવામાં આવ્યો છે.જે કુલ રેવન્યુ આવકના ૪૮.૫૬ ટકા છે.પરંતુ સાથે આકારણી સહિતની કામગીરી દ્વારા આવક વધે તે માટેના પ્રયાસો પણ કરાશે. જ્યારે હજુ ફાયર વિભાગ, એન્જિનિયરિંગ વિભાગ સહિતની ખાલી જગ્યાઓ પર ટુંક સમયમાં ભરતી કરવામાં આવશે તેમ પણ કહ્યું હતંુ.
પાર્કિંગ માટે ૧૯ ખુલ્લા પ્લોટ આરક્ષિત કરવાનું આયોજન
વડોદરા શહેરમાં ટ્રાફીકની સમસ્યા દિવસે દિવસે વકરી રહી છે. સાથે પાર્કીંગની પણ સમસ્યાના કારણે અનેક વિસ્તારોમાં ટ્રાફીક જામ થતું હોય છે.પાલિકા તંત્ર દ્વારા વર્ષો થી અલકાપુરી સહિત વિસ્તારોમાં મલ્ટીસ્ટોરી પાર્કીંગની વાતો કરવામાં આવે છે. પરંતુ કોઈ ઠોસ કામગીરી કરવામાં આવી નથી.પાલિકા દ્વારા વિવિધ બ્રિજ નિચે પણ પે એન્ડ પાર્કનો ઈજારો આપવામાં આવ્યો છે. પરંતુ ખરેખર જે ગીચ વિસ્તારો છે ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી. સામાન્ય સભાએ પાર્કીંગ પોલીસીને મંજૂરી આપી છે. ત્યારે બજેટમાં વડોદરા કોર્પોરેશનની વિવિધ વિસ્તારોમાં આવેલી ખુલ્લી જગ્યાઓ તેમજ પ્લોટનો સર્વે કરીને હરણી, સયાજીપુરા, સુભાનપુરા, અટલાદરા, ગોત્રી વગોરે વિસ્તારમાં આવેલા ૧૯ પ્લોટ પાર્કીંગ માટે અનામત રાખવામાં આવ્યા છે. આ પ્લોટ પર જરૂરીયાત મુજબ પે એન્ડ પાર્કની વ્યવસ્થા કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે.
૧૯૮૨ સૂચનો પૈકી ૮૦ ટકાનો સીધો કે આડકતરી રીતે સમાવેશ
વડોદરા, તા.૨૮
વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રથમ વખત લોકો પણ બજેટમાં સહભાગી બને અને લોકો પણ તેમના વિસ્તારને લગતા કામો, સુચનો આપી શકે તે માટે બજેટ પૂર્વે ૧૦ દિવસ ઓનલાઈન સુચનો મંગાવવામાં આવ્યા હતા. જેમાં ૮૩૫ લોકોએ ૧૯૮૨ સુચનો મોકલવામાં આવ્યા હતા. જેમાં ૨૮૪ સુચનોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાનું મ્યુનિ. કમિશનરે કહ્યું હતુ.
બજેટ અંગે લોકોએ મોકલેલા સુચનો પૈકી મોટાભાગના સુચનો ફરીયાદના સ્વરૂપમાં હતા. વિશ્વામિત્રી નદીમાં આવેલા વિનાશક પૂર બાદ લોકોમાં તંત્રની સામે હજુ રોષની લાગણી છે. ત્યારે સુચનોના સ્વરૂપે રોષ પણ વ્યક્ત કર્યો છે. મ્યુનિ. કમિશનરે કહ્યું હતુ કે, બજેટના ભાગરૂપે પાર્ટીસીપેટરી બજેટને પ્રોત્સાહન મળી રહે તે માટે શહેરના નાગરિકો પાસેથી તેમના વિસ્તારને સ્પર્ષતા કામો અંગેના સુચનો મંગાવવામાં આવ્યા હતા.જેમાં ૮૩૫ નાગરિકોએ ૧૯૮૨ સુચનો મોકલ્યા છે.જેમાં ૫૧૧ સુચનોનો અગાઉથી અમલ થયો છે. ૨૮૪ સુચનોનો આ બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે.૬૩૨ સુચનો વધુ વિચારણાં હેઠળ હોવાથી સક્ષમ કક્ષાને ધ્યાને લાવીને નિર્ણય કરવામાં આવશે. જ્યારે ૩૬૨ સુચનો ગર્વનન્સને લગતા આવ્યા છે.આ ઉપરાંત ૫૬ સુચનો એવા છે જે હાલ સ્વિકારી શકાય તેમ નથી.જ્યારે લોકોએ મોકલેલા ૩૭ સુચનો જે અન્ય સરકારી વિભાગને લગતા હોવાથી તેને અલગ તારવી જેતે વિભાગને મોકલવામાં આવશે તેમ કહ્યું હતુ.
પાલિકા દ્વારા વિવિધ વિભાગોમાં નવા મોટા આયોજન
પાણી પુરવઠા
• અનગઢ ખાતે ૧૦૦ એમએલડી ક્ષમતાઓ પાણીનો નવો સ્ત્રોત - ૧૫૦ કરોડ
• ખાનપુર અને શેરખીમાં ૧૦૦ એમએલડી ક્ષમતાનો ડબ્લ્યુટીપી - ૧૦૦ કરોડ
• મકરપુરા અને સોમા તળાવમાં
પાણીની નવી ટાંકી - ૩૭ કરોડ
• આજવા સરોવર ખાતે પોટુન પંપ બેસાડવાની કામગીરી - ૨૫ કરોડ
• તરસાલીમાં નવીન બુસ્ટિંગ સ્ટેશનનું કામ - ૧૨ કરોડ
• વિવિધ ટાંકીઓ ખાતે નવા ડીજી સેટી બેસાડવાનું કામ - ૮ કરોડ
• છાણી અને સમામાં પાણીના નેટવર્ક નાખવાનું કામ - ૧૬ કરોડ
• લાલબાગ ટાંકી અને એસઆરપી
પૂર્વ ગેટથી પાણીની નળિકા નાખવાનું કામ - ૧૨ કરોડ
• આજવા ચોકડીથી બાપોદ ટાંકી સુધી ફીડર નળિકા - ૧૦ કરોડ
• વોર્ડ ૧૯માં જૂની લાઈન બદલી નવી લાઈન નાખવાનું કામ - ૯ કરોડ
ડ્રેનેજ વિભાગ
• અટલાદરા, છાણી, કપુરાઇ હયાત એસટીપી અપગ્રેડેશનનું કામ -
૫૦ કરોડ
• સુવેઝના ૨૩ પંપિંગ સ્ટેશનોમાં અપગ્રેડેશનની કામગીરી - ૪૧ કરોડ
• છાણી નવા ટીપીમાં ડ્રેનેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની કામગીરી -
૨૦ કરોડ
• ટીપી ૪૬ માં નવું પંપિંગ સ્ટેશન - ૧૦ કરોડ
• પશ્ચિમ ઝોનમાં ૧૮૦૦ મીમી વ્યાસની લાઇનનું રિહેબિલિટેશન - ૯૦ કરોડ
• ગોત્રી રોડ ઉપર નવી ડ્રેનેજ ગ્રેવિટી લાઈન - ૪૬ કરોડ
• દક્ષિણ ઝોનમાં વોર્ડ ૧૭માં પુશિંગ
પદ્ધતિથી ડ્રેનેજ લાઈન - ૩૭ કરોડ
• સમા અબાકસ સર્કલથી કારેલીબાગ ડ્રેનેજ લાઈન - ૨૩ કરોડ
• દિવાળીપુરા રોડ જંક્શનથી શ્રેણિક પાર્ક સુધી નવી ગ્રેવિટી લાઈન -
૧૬ કરોડ
• મકરપુરા પંપિંગ સ્ટેશનથી સુધી ગ્રેવિટી લાઈન - ૧૫ કરોડ
વરસાદી ગટર
• ભૂખી કાંસ અને રૂપારેલ કાંસ સંલગ્ન કામગીરી - ૫૦ કરોડ
• સંગમથી જીઆઈપી સીએલ સર્કલ થઇ વિશ્વામિત્રી સુધી નવી વરસાદી ગટર - ૧૭ કરોડ
• રાજીવ નગર કલવર્ટથી સરદાર એસ્ટેટ સુધી વરસાદી ગટર -
૧૫ કરોડ
• બાપોદ હરીગંગા સોસાયટીથી કેવલ નગર ચાર રસ્તા અને ડાણીયા
પુલથી મંગલેશ્વર ઝાંપા સુધી નવી ચેનલ - ૧૪ કરોડ
• કલાવતી હોસ્પિટલથી ઉમા ચાર રસ્તા નવી વરસાદી ચેનલ - ૧૧ કરોડ
• ગુરુકુલ ચાર રસ્તાથી નેશનલ હાઇવે સુધી હયાત વરસાદી ચેનલ સુધી વરસાદી ગટર - ૧૧ કરોડ
• વારસિયા પો.સ્ટે.થી પ્રેમદાસ
હોસ્પિટલ અને બાવન ચાલ કંાસથી રાવપુરા ટાવર વરસાદી ગટર - ૧૦ કરોડ
• તરસાલી ટીપી ૫૨ અને વડદલા ટીપી ૫૮ ના ટીપી રસ્તાઓમાં વરસાદી ગટર - ૧૦ કરોડ
• માણેજા લેન્ડમાર્કથી એરફોર્સ સ્ટેશન જતાં ૧૮ મી. રસ્તે વરસાદી ગટર લાઈન - ૫ કરોડ
• રેલવે તેમજ બ્રિજ ક્રોસિંગ માટે કલવર્ટ પુશિંગની કામગીરી -
૫ કરોડ
શહેરમાં ૧૦૦ નવી ઈ-બસ શરૂ કરાશે
શહેરમાં જાહેર પરિવહનની સુવિધામાં વધારો થાય તે માટે પીએમ ઈ-બસ સેવા અંતર્ગત સિટી બસ સર્વિસિસ હેઠળ ૧૦૦ નવી ઈ-બસ સુવિધા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા ખાતે નવા ઈ-ચાર્જિંગ સ્ટેશનની કામગીરી હાલાં ચાલી રહી છે. વડોદરાને ઈવી માટે તૈયાર શહેર તરીકે પ્રસ્થાપિત કરવામાં આવશે. ખાનગી અને કમર્શિયલ ઉપયોગ માટે શહેરમાં ઈવી અપનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવશે.પાલિકા દ્વારા નિઝામપુરા, ગોત્રી ઉપરાંત સયાજીપુરા ખાતે નવું બસસ્ટેન્ડ અને સયાજીગંજના બસસ્ટેન્ડનું પણ રિનોવેશન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
Loading ...