સ્મશાનમાં બળતી ચેહ તરફ હું તાકી રહ્યો હતો.
જેને હું દરરોજ બટકું રોટલો આપતો હતો તે કૂતરું પણ નિમાણું થઈને મારી જેમ ચેહ તરફ તાકી રહ્યું હતું.
બીજી બાજુ, ચેહથી થોડે દૂર બેઠેલા ડાઘુઓની નાની નાની ટોળીઓ જુદી જુદી વાતો કરી રહી હતી.
એ ટોળીઓમાંથી ચેહની બાજુની એક ટોળીની વાતોએ મારું ધ્યાનભંગ કર્યું.મેં તે તરફ કાન ધર્યા.
એક ડાઘુ બોલ્યો,“ભાઈ, પિતાના બારમા પેલા જ મિલકતના ભાગ પાડી લેવાનાં છે, હો! બાર દિવસથી વધુ એક દિવસ પણ મારાથી રોકાવું પોસાય તેમ નથી.”
બીજાે બોલ્યો,“મારાથી પણ ક્યાં રોકાવાય એમ છે!”
આ સાંભળી યમદૂત મારા ખભે હાથ મૂકીને બોલ્યા,
“આ તારું જ લોહી બોલે છે,જેને તું તારા માનતો હતો ને, જાેઈ લે તારા લોહીને.”
મારામાં આગળની વાત સાંભળવાની હિંમત નો'તી.
મેં યમદૂતને કહ્યું,“ચાલ, ભાઈ, હવે મોડું થાય છે.”
જાતા જાતા મારી નજર કૂતરા તરફ પડી અને મનોમન મલકાયો. મને મલકાતો જાેઈને યમદૂતે લાગલું જ પુછી લીધું, “કેમ મનોમન મલકાવ છો?”
“એ તો લાગણીના સંબંધ છે.” એમ કહીને હું બટકું રોટલા વિશે વિચારતો રહ્યો.