બ્રિટીશ શાસનની ઈમ્પિરિયલ પોસ્ટ માટે પડકાર બનેલી ‘બ્રાહ્મણી ડાક’

લેખકઃ નરેશ અંતાણી | 


માનવ સંબંધોમાં સંદેશાવ્યવહારનું ખૂબ જ મહત્વ છે. માનવજાતિના ઉદયકાળથી જ એક યા બીજા માધ્યમ સંદેશ વ્યવહાર માટે શોધાતા રહ્યાં છે. પ્રાચીનકાળમાં પત્થર કે ઝાડના પાંદડા પર ચોક્કસ ચિહ્નો અંકિત કરીને સંદેશાઓની આપ-લે થતી હતી. વર્તમાન ટપાલ વ્યવહારના મૂળ કૌટિલ્યના અર્થશાસ્ત્ર મુજબ અઢી હજાર વર્ષથી વધુ સમય પહેલાં ભારતમાં નંખાયા હતાં. સમ્રાટ અશોક સંદેશાવાહક તરીકે કબુતરોનો ઉપયોગ કરતો. ચોક્કસ સ્થળોએ પહોચવાની તાલીમ પામેલા કબુતરોને એમના પગમાં પહેરાવેલી વીંટીમાં નાના કદનાં પત્રો લટકાવી દેવામાં આવતા.

ડાક ચોકી (ટપાલ સેવાના મથકો) ની સેવા અલ્લાઉદીન ખીલજીના શાસનકાળમાં ઈ.સ. ૧ર૯૬માં અસ્તિત્વમાં હતી. જયારે ઘોડેસવારો અને પગપાળા કાસદો દ્વારા આ વહેવાર ચાલતો હતો. જેથી ખીલજીને યુધ્ધ મેદાનમાં લડતા પોતાના લશ્કરની માહિતી નિયમિતપણે મળતી રહેતી. એ સમયમાં પગપાળા કાસદ દ્વારા પાઠવાતા સંદેશાને સિંધથી દિલ્હી પહોચતા પચાસ દિવસ લાગતાં હતાં. પણ રાજયના સંદેશા પહોચાડવા ઘોડાઓનો ઉપયોગ કરાતાં માત્ર પાંચ દિવસ લાગવા માંડયા. ઘોડાઓ પર લઈ જવાતી ટપાલ માટે દર ચાર માઈલે ઘોડો બદલી નાખવામાં આવતો અને ગ્રામ્ય વિસ્તારમાં પગપાળા કાસદો ટપાલ લઈ જતાં.

આ કાસદો એક લાકડીમાં ટપાલ થેલો ભરાવીને ખભે લટકાવતાં, બીજા હાથમાં ઘુઘરા બાંધેલો ભાલો લેતા અને દોડતા જતાં. ઘુઘરાનો અવાજ રાની પશુઓને દૂર રાખવામાં અને જાેખમભરી પરિસ્થિતિમાં સ્વરક્ષણ કરવામાં ભાલો ઉપયોગમાં આવી શકતો. પગપાળા ટપાલ પહોચાડતાં કાસદને આપણે ‘’હલકારા” તરીકે ઓળખવામાં આવતાં. બાબરના સમયમાં ઘોડા પર લઈ જવાતી ટપાલ સેવા આગ્રાથી કાબૂલ સુધીની હતી. બાદશાહ શેરશાહ દ્વારા (ઈ.સ. ૧પ૪૧ થી ૧પ૪પ) બંગાળ અને સિંધ વચ્ચે ટપાલ વ્યવહાર માટે ૧૭૦૦ જેટલી સરાઈઓ (મથકો) ઉભી કરવામાં આવી હતી. અને દર બે માઈલે દરેક સરાઈ પર બબ્બે ઘોડા રાખવામાં આવતાં. જે ટપાલને આગળ લઈ જવામાં સાંકળ જેવા બની રહ્યા હતાં. વળી શહેનશાહ અકબરે દર દશ માઈલે ટપાલ માટે ઘોડા ઉભા રાખવાની વ્યવસ્થા કરી હતી. અને ટપાલ વ્યવહારને ઝડપી બનાવવા તુર્કસ્તાનથી ખાસ ઘોડા મંગાવ્યા હતાં. હૈદરઅલીએ આવા ટપાલ વહેવારનો ઉપયોગ ઈસ્ટ ઈન્ડિયાના શાસન સામે લડવા જાસૂસી માટે કર્યો હતો. ઈ.સ. ૧પપ૬ થી ૧૬૦પ દરમ્યાન રણ અને રેતાળ પ્રદેશોમાં ટપાલ વ્યવહાર ચાલુ રાખવા ઉંટોનો ઉપયોગ કરાતો હતો.

ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ હિન્દુસ્તાનમાંના પોતાના થાણાઓ વચ્ચે ટપાલ વ્યવહાર ચાલુ કર્યો હતો. કંપનીએ પહેલું થાણું મદ્રાસમાં ઈ.સ.૧૬૩૯માં ઉભું કર્યું હતું. બાદમાં મુંબઈમાં ઈ.સ.૧૬૬૦માં અને કલકતામાં ૧૬૮૬માં થાણા નાખ્યાં. આ થાણાઓ વચ્ચેના સંદેશા વ્યવહાર માટે કાસદો રાખેલા પણ એ ઘણો ધીમો વ્યવહાર હતો. ઈ.સ. ૧૭૬૬માં ઈસ્ટ ઈન્ડિયા કંપનીએ પોતાના લશ્કરી અને મુલકી થાણાઓ વચ્ચેના વ્યવહાર માટે નિયમિત ટપાલ પધ્ધતિ શરૂ કરી. જેનો ઉપયોગ સામાન્ય જનતાને કરવા દેવા ઈ.સ. ૧૭૭૪માં છૂટ મળી હતી. બાદમાં ઈંગ્લેન્ડ અને હિન્દુસ્તાન વચ્ચે ટપાલ વહેવાર માટે જહાજાેનો ઉપયોગ શરૂ થયો. જેને માટે ચારસો જહાજાે કામે લગાવાયા હતાં. જે માલ ઉપરાંત ટપાલ લઈ જતાં.

ઈ.સ. ૧૮૭૭માં બ્રિટનની મહારાણી વિકટોરીયાએ હિન્દુસ્તાનની સામ્રાજ્ઞી તરીકેનું પદ ગ્રહણ કર્યું. અને ત્યાર પછી બહાર પાડવામાં આવેલી ટપાલ ટીકીટો પર ‘’ઈસ્ટ ઈન્ડિયા પોસ્ટેજ”ની જગ્યાએ ‘’ઈન્ડિયા પોસ્ટેજ” છપાવું શરૂ થયું. હિન્દુસ્તાનમાં ‘’કન્વેનશનલ સ્ટેટ” તરીકે ઓળખાતા રાજયો હતા. અને બીજા ફયુડેટરી સ્ટેટ રાજયો હતાં. પ્રથમ પ્રકારના રાજયો બ્રિટીશ સરકાર દ્વારા છપાતી ટપાલ ટીકીટો પર પોતાના રાજયોના નામો છપાવતા. બીજા પ્રકારના રાજયોમાં ૩પ એવા હતાં જેઓ પોતાના રાજાની તસવીરો ટપાલ ટીકીટો પર છાપતાં, પણ એનો ઉપયોગ તે તે રાજયની હદ સુધી સીમિત હતો. ઈ.સ. ૧૮૬૪માં ‘’સોરઠ” રાજયે પ્રથમ ટપાલ ટીકીટ બહાર પાડી, જેના પર ‘’સૌરાષ્ટ્ર ડાક સં.૧૯રપ” હિન્દીમાં છપાવેલું.

ઈ.સ. ૧૭ર૦માં મદ્રાસ અને કલકતા વચ્ચે જળમાર્ગે ટપાલ મોકલવાનું શરૂ થયું. અને આ ટપાલ લઈ જનારી ચાર સઢવાળી લાંબી નૌકા હોઈને એને નદી ટ્રેન નામ અપાયું હતું. આવા જળમાર્ગે ટપાલ વહેવાર શરૂ થતાં લાભ એ થયો કે સામાન્ય રીતે એ સમયમાં મદ્રાસથી કલકતા ટપાલ પહોચતાં બે ત્રણ મહિના લાગતાં એની જગ્યાએ નદી ટ્રેન દ્વારા એક જ મહિનો લાગતો. ઈ.સ. ૧૭૭પમાં જળમાર્ગે ટપાલ વહેવાર શરૂ કરાયો.

અહીં એની નોંધ લેવાનું રસપ્રદ બની રહેશે કે સઢવાળા વહાણો દ્વારા અગાઉ ટપાલ ઈંગ્લેન્ડ લઈ જવાતી એનો જવાબ મળતાં એકાદ વર્ષ જેટલો સમય લાગી જતો.

એ વેળા જ થોડા રાજયોમાં પોતાનો ટપાલ વ્યવહાર હતો, એમાં માલવા અને રાજસ્થાનનો વ્યવહાર ઘણો વ્યવસ્થિત અને નિયમિતપણે ચાલતો હતો.આ વ્યવહાર બ્રાહ્મણો ચલાવતા હોઈને એને ‘’બ્રાહ્મણી ડાક” નામ અપાયું હતું. ઈમ્પીરીયલ પોસ્ટ માટે આ બ્રાહ્મણી ડાક એક મક્કમ પડકાર સમાન હતી.બ્રાહ્મણો પૂજનીય ગણાતા હોઈને, બ્રાહ્મણી ડાકને લુંટારા કે પિંઢારા પણ કોઈ હરકત

પહાંેચાડતા નહીં. આ ટપાલ વ્યવહાર એટલો વ્યવસ્થિત હતો કે, એની સ્પર્ધા કરવાનું મુશ્કેલ હતું. એટલે આ ડાકના પ્રદેશોના રાજયોમાં ઈમ્પીરીયલ પોસ્ટ દાખલ કરતી વેળા રજવાડા સાથે થતાં કરારમાં એવી શરત રખાતી કે’’બ્રાહ્મણી ડાક’’ વહેવાર બંધ થવો જાેઈએ.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution