ધાનપુરના ગઢવેલ ગામે પોલીસ પર બુટલેગરોનો પથ્થર મારો પીએસઆઇ તથા કોન્સ્ટેબલને ગંભીર ઈજા.



દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે ઝરી ફળિયાના જંગલમાં દારૂ પકડવા ગયેલ ધાનપુર પોલીસ પર ૨૦ જેટલા બુટલેગરોના ટોળાએ ઓચિંતો ભારે પથ્થરમારો કરતાં એક પોલીસ કોન્સ્ટેબલને ગંભીર ઈજાઓ તેમજ પીએસઆઇ ને ઓછી વધતી ઈજાઓ થતા ગંભીર ઇજાગ્રસ્ત કોન્સ્ટેબલને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જ્યારે બુટલેગરો દ્વારા ઓચિંતા કરવામાં આવેલા ભારે પથ્થરમારાથી પોલીસ પણ ડઘાઈને પોતાના બચાવમાં લાગી ગઈ હતી. પ્રાપ્ત વિગત અનુસાર ધાનપુર પીએસઆઇ એસ જે રાઠોડને પ્રોહિબિશન અંગેની મળેલ બાતમીને આધારે પીએસઆઇ રાઠોડ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ ધાનપુર તાલુકાના ગઢવેલ ગામે ઝરી ફળિયામાં વોચ ગોઠવી પોતાના શિકારની રાહ જાેઈ ઉભા હતા. તે દરમિયાન બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કઠીવાડા તાલુકાના ગોળઆંબા ગામના ઈશ્વરભાઈ જીગીરીયાભાઈ કિરાડ, બાબુભાઈ જીગીરીયાભાઈ કિરાડ, રાહુલભાઈ દૂરસિંગભાઈ કિરાડ, રવિભાઈ દૂરસિંગભાઈ કિરાડ, લક્ષ્મણભાઈ પાર્સિંગભાઈ કનેશ, પરશુભાઈ ભગતભાઈ કિરાડ, ધાનપુરના ગઢવેલ ગામના બળવંતભાઈ બાપુભાઈ રાઠવા, વિદેશભાઈ શંકરભાઈ રાઠવા, ધાનપુરના ટોકરવા ગામના દિલવરભાઈ પર્વતભાઈ બારીયા તથા અન્ય૧૦ મળી કુલ ૨૦ જેટલા બુટલેગરો તેમની મોટર સાયકલો ઉપર કંતાનના થેલામાં લગડાની જેમ બાંધીને કંઈક લઈને આવી રહ્યા હતા. તે તમામ બુટલેગરો વોચમાં ઉભેલા પોલીસના માણસોને જાેઈ જતા તેમના કબજાની મોટરસાયકલો પરત વળાવી ઝરી ફળિયાના જંગલમાં જઈને પોતપોતાની મોટર સાયકલો એક તરફ ઊભી રાખી તમામ બુટલેગરો એક સંપ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી," તમો પોલીસવાળા વારંવાર અમારો દારૂ પકડો છો. આજે તો તમને છોડવાના નથી અને જાનથી મારી નાખવાના છે." તેમ કહી મારી નાખવાની ધાક ધમકીઓ આપી પોલીસના માણસો પર ઓચિંતો ભારે પથ્થરમારો કરી હુમલો કરતા પોલીસ પર થયેલા ઓચિંતા હુમલાને કારણે પોલીસ પણ ડઘાઈ ગઈ હતી. અને પોલીસ પરના હુમલા થી સમગ્ર પોલીસ તંત્ર હચમચી ઉઠ્‌યું હતું. આ પથ્થર મારામાં પોલીસ કોન્સ્ટેબલ વીરસીંગભાઇ નારસિંગ ભાઈને મોઢા પર આંખની નજીક પથ્થર વાગી જતા આંખની નજીકના ભાગે ફેક્ચર થતા ગંભીર ઇજા પહોંચી હતી. જ્યારે પી.એસ.આઇ એસ જે રાઠોડને ડાબી બાજુના ખભાના ભાગે પથ્થર વાગતા ઈજા થવા પામી હતી. ગંભીર ઇજાગ્રસ્ત પોલીસ કોન્સ્ટેબલ વીરસીંગભાઇ નારસિંગભાઈને સારવાર માટે દાહોદની ઝાયડસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ દાહોદ જિલ્લા પોલીસ વડા રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક જગદીશસિંહ ભંડારી તેમજ દાહોદ એલસીબી અધિકારીઓ પોલીસ કુમક સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા. અને જિલ્લા પોલીસ વડાએ સ્થળ પર જઈ સ્થિતિનો તાગ મેળવી જરૂરી સુચનાઓ આપી હતી. આ સંબંધે ધાનપુર પોલીસે ઉપરોક્ત ૨૦ જેટલા બુટલેગરો વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution