વડોદરા : પોલીસ તંત્રના હપ્તારાજમાં કેટલાક માથાભારે બૂટલેગરો અને અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે અને જાગૃત નાગરિકોને જાનથી મારી નાખવાની ધમકી અને ઘાતકી હુમલાઓ કરી તેમનો અવાજ દબાવવાના પ્રયાસો કરાઈ રહ્યા છે, જેનો સત્યાર્થ કરતો બનાવ સયાજી હોસ્પિટલમાં જાેવા મળ્યો હતો. તરસાલી ધનિયાવી રોડ વિસ્તારના માથાભારે બૂટલેગરે દારૂનો જથ્થો મુકતી વખતે જાેઈ જનાર તેમજ આ શું મુકો છો તેવું પૂછનાર યુવાન પર માથાભારે બૂટલેગર અને તેના સાગરિતોએ ઘરમાં ઘૂસીને લાકડીઓ વડે ઢોર માર મારી તેની ઉપર ધાક જમાવી હતી. આ બનાવની પ્રાપ્ત વિગત અનુસાર વડોદરા શહેરના તરસાલી-ધનિયાવી રોડ પર આવેલ તરસાલી ટાઉનશિપમાં ભૂપેન્દ્રસિંહ રામનિવાસ યાદવ (ઉં.વ.૩૯) તેની પત્ની અને પુત્રીના પરિવાર સાથે રહે છે અને મકરપુરા જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. આ વિસ્તારનો માથાભારે બૂટલેગર લાલા મહિડાનો સાગરિત વિજય ઠાકોર નામનો બૂટલેગર તરસાલી ટાઉનશિપ ખાતે આવ્યો હતો, જ્યાં દારૂની પેટીઓની હેરાફેરી કરતો હતો, એ સમયે ગતિવિધિઓને જાેઈ રહેલા ભૂપેન્દ્રસિંહ યાદવ પાસે માથાભારે અને બેફામા બનેલો વિજય ઠાકોર ધસી આવ્યો હતો અને ધમકી આપી હતી કે પોલીસીને દર મહિને ર૦ થી રપ લાખનું ભરણ આપીએ છીએ તેવો રોફ ઝાડી વિજય ઠાકોર ભૂપેન્દ્ર યાદવના ઘરે તેના ૧૦ થી ૨૦ સાગરિતો સાથે ધસી ગયો હતો અને ઘરમાં ઘૂસી જઈને લાકડીઓ વડે ઘાતકી હુમલો કરી ઢોર માર માર્યો હતો. આ બૂટલેગરે પોલીસ મથકમાં મોટી પહોંચ હોવાની ધમકી આપી હતી. બૂટલેગર અને તેના સાગરિતોના મારથી ગંભીર ઈજા પામેલા ભૂપેન્દ્રસિંહ યાદવને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેને તબીબી સમક્ષ બનાવની સમગ્ર હકીકત જણાવી હતી. જાે કે, આ બનાવની જાણ હોસ્પિટલમાંથી મકરપુરા પોલીસ મથકમાં કરવામાં આવી હતી.