23, એપ્રીલ 2025
વડોદરા |
જમ્મુ-કાશ્મીરના પહેલગામની ઘટના બાદ શહેરના ટ્રાવેલ ઉદ્યોગને ફટકો
જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં ગઇકાલે બનેલી ઘટનાની અસર વડોદરાના ટ્રાવેલ્સના વ્યવસાય પર જાેવા મળી રહી છે. ટ્રાવેલર્સ એસોસીએશનના હોદ્દેદારના જણાવ્યા અનુસાર ૩૦મી એપ્રિલ સુધીના લગભગ ૯૦ ટકા જેટલા બુકિંગ રદ થયા છે, જ્યારે ૧થી ૧૫ મે સુધીના ૮૦ ટકા જેટલા બુકિંગ રદ થઇ ગયા છે. જાેકે, આ ઘટનાની અસર અમરનાથ યાત્રા પર જાેવા નહીં મળે. કારણ કે, અમરનાથ યાત્રામાં હજી બે મહિના કરતાં વધારે સમય બાકી છે.
૧થી ૧૫ મે સુધીના ૮૦ ટકા બુકિંગ કેન્સલ થયા
જમ્મુ-કાશ્મીર હોય કે પછી સ્વીત્ઝરલેન્ડ સૌથી વધારે મુસાફરી કરનાર ગુજરાતી જ હોય છે. ત્યારે ગઇકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આંતકી હુમલા બાદ ગુજરાતીના પ્રવાસ ઉદ્યોગ પર તેની ગંભીર અસર જાેવા મળશે તે નક્કી છે. જે બાબતે વડોદરા ટ્રાવેલ એસોસીએશનના પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે, અમરા એસોસીએશનમાં જાેડાયેલા સભ્યો દ્વારા મોટાભાગે પેકેજ ટૂર ઓફર કરવામાં આવતી હોય છે. એવામાં હાલની પરિસ્થિતીમાં ૩૦ એપ્રિલ સુધીના ૯૦ ટકા જેટલા બુકિંગ કેન્સલ થઇ ગયા છે. જ્યારે કેટલાક દ્વારા બુકિંગ કેન્સલ કરાવવાની જગ્યાએ સ્થળ બદલવામાં આવી રહ્યું છે. જ્યારે ૧થી ૧૫ મે સુધીના ૮૦ ટકા બુકિંગ કેન્સલ થયા છે.
હોટલ સંચાલકો દ્વારા બુકિંગ રદ તથાં ક્રેડીટ નોટ અપાઇ રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં મોટાભાગે હોટલ બુકિંગ પણ થઇ ગયા હતા. જાેકે, જે સંચાલકો દ્વારા માત્ર રૂમ બ્લોક કરાવાયા હતા, તેમને કોઇ પેમેન્ટ કર્યુ ન હોવાથી તેમને મુશ્કેલી નહતી. બીજી તરફ કેટલાક સારા હોટલ સંચાલકો દ્વારા ૧૦૦ ટકા પેમેન્ટની ક્રેડીટ નોટ આપવામાં આવી રહી છે. જ્યારે કેટલાક સંચાલકો દ્વારા ૧૦થી ૧૫ ટકા રકમ કાપવાની વાત કરાઇ રહી છે. પરંતુ તેઓ દ્વારા પણ હાલ કોઇ સ્પષ્ટ વાત કરાઇ નથી.
અમરનાથ યાત્રા પર આતંકી હુમલાની અસર જાેવા નહીં મળે
તેમણે ઉમેર્યુ હતું કે, અમરનાથ યાત્રા શરૂ થવામાં હજી બે મહિના કરતાં વધારે સમય બાકી છે. ત્યાં સુધીનો કેન્દ્ર સરકાર દ્વારા બધું યોગ્ય કરી દેવામાં આવશે. જેથી ગઇકલાની ઘટનાની અસર અમરનાથ યાત્રા પર થાય તેવું હમણાં તો લાગતું નથી.
વડોદરા તેમજ આસપાસથી ૨૦થી વધુ કાશ્મીર ટ્રીપ કેન્સલ થઇ
બીજી તરફ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસીએશન વડોદરા પ્રમુખ મનિષભાઇ શાહે જણાવ્યું હતું કે, વડોદરાથી લગભગ ૨૦થી વધુ બસો કાશ્મીરના પ્રવાસે જવાની હતી. જે તમામ ટૂર રદ થઇ છે. જેમાં વડોદરા શહેર અને આસપાસના અંદાજે ૨૦૦૦ કરતાં વધારે પર્યટક હતા. હાલની પરિસ્થિતી જાેતા આગામી મે મહિના સુધીમાં એક પણ ટૂર્સ સંચાલકો દ્વારા હાલમાં કશ્મીરનું ટૂરનું આયોજન કરવામાં આવનાર નથી. જેના સ્થાને કુલ્લુ-મનાલી સહિતના શિતળ સ્થળો તરફની ટૂરનું આયોજન કરાઇ રહ્યું છે. જેમાં બુકિંગ પણ સારા મળી રહ્યા છે.