બોમ્બે ટૉકીઝ :  બોલિવુડનો પાયાનો પથ્થર

સમીર પંચોલી | 

ભારતીય સિનેમાના શરૂઆતના સમયમાં જ્યારે કોઈ ખાસ સંશાધનો ઉપલબ્ધ નહતાં ત્યારે બોમ્બે ટૉકીઝ સ્ટુડિયો અત્યાધુનિક સુવિધા સાથેનો ફિલ્મ નિર્માણનો મુખ્ય સ્ત્રોત હતો. તેનું નામ ખૂબ આદરપૂર્વક લેવાતું હતું. લગભગ બે દાયકા સુધી કાર્યરત આ સ્ટુડિયોએ ઘણા ખ્યાતનામ કલાકારો અને સફળ તથા લોકપ્રિય ફિલ્મો આપી છે.

બોમ્બે ટૉકીઝ સ્ટુડિયોની સ્થાપના ૨૨ જૂન,૧૯૩૪માં હિમાંશુ રાય અને દેવિકા રાની દ્વારા કરવામાં આવી હતી. ૧૯૪૦માં હિમાંશુ રાયના મૃત્યુ પછી દેવિકા રાનીએ સ્ટુડિયો સંભાળ્યો. અશોક કુમાર ૧૯૪૩ સુધી સ્ટુડિયોના અગ્રણી અભિનેતા હતાં. તેની કામગીરીના સમયગાળા દરમિયાન, બોમ્બે ટોકીઝે ૪૦ ફિલ્મોનું નિર્માણ કર્યું હતું. તેના દ્વારા નિર્મિત છેલ્લી ફિલ્મ જૂન ૧૯૫૪માં રજૂ થઈ હતી.

 બોમ્બે ટોકીઝમાં તે સમયના આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ સ્ટુડિયોની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. ફ્રાન્ઝ ઓસ્ટેન જેવા અનુભવી યુરોપીયન ટેકનિશિયનોને નિયુક્ત કરવામાં આવ્યા હતાં.

બોમ્બે ટૉકીઝે ભારતીય ફિલ્મો સાથે પરંપરાગત રીતે સંકળાયેલ સૌંદર્યશાસ્ત્ર અને ટેકનોલોજીને બદલવાનું શ્રેય મેળવ્યું હતું. અછૂત નીચલી જાતિની છોકરી અને ઉચ્ચ જાતિના હિંદુ બ્રાહ્મણ છોકરા વચ્ચેના પ્રેમને લગતા તે સમયના વિવાદાસ્પદ વિષયો પર ‘અછૂત કન્યા’ નામની ફિલ્મ પણ તેણે બનાવી હતી.

દેવિકા રાની, જે બોમ્બે ટોકીઝની સૌથી સફળ અભિનેત્રીઓમાંની એક હતી તેમણે ૧૯૩૫માં 'જવાની કી હવા' અને ૧૯૩૬માં 'જીવન નૈયા’ સહિત કંપની દ્વારા અન્ય ઘણી અત્યંત સફળ પ્રોડક્શન્સમાં અભિનય કર્યો હતો. આ જ રીતે સ્ટુડિયોને દેવિકા રાની, અશોક કુમાર, લીલા ચિટનિસ, મહેમૂદ અલી, મધુબાલા અને દિલીપ કુમાર સહિતના કેટલાક અગ્રણી ભારતીય ફિલ્મ અભિનેતાઓની કારકિર્દી શરૂ કરવાનો શ્રેય આપવામાં આવે છે.૧૯૪૨માં મધુબાલાએ ફિલ્મ ‘બસંત’માં બેબી મુમતાઝ નામના બાળ કલાકાર તરીકે પદાર્પણ કર્યું હતું.

મધુબાલા અને દિલીપ કુમારે બોમ્બે ટૉકીઝની ચાર ફિલ્મોમાં સાથે અભિનય કર્યો હતો. તેઓ લાંબા ગાળા સુધી પ્રેમસંબંધમાં રહ્યાં હતાં.રાજ કપૂરે પ્રખ્યાત નિર્દેશક બનતાં પહેલા બોમ્બે ટૉકીઝના અમિયા ચક્રવર્તીના સહાયક તરીકે કામ કર્યું હતું.

૧૯૩૯માં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યા પછી, કંપનીને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

સ્ટુડિયોના સ્થાપક હિમાંશુ રાય નર્વસ બ્રેકડાઉનનો ભોગ બન્યા હતા. આખરે તેમનું અવસાન થયું હતું. તેમના અવસાન બાદ ફિલ્મ કંપનીનું નિયંત્રણ દેવિકા રાનીને સોંપવામાં આવ્યું. જેમને બોમ્બે ટોકીઝ સ્ટુડિયોના મુખ્ય નિર્માતા તરીકે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. અભિનેત્રી તરીકેના તેમના અગાઉના અનુભવ છતાં, અથવા કદાચ તેના કારણે, દેવિકા રાની કંપનીની પ્રતિષ્ઠાને ટકાવી રાખવામાં સફળ રહયા હતાં. અને ત્યારબાદ સ્ટુડિયોએ ઝડપથી વિસ્તરતા ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. તેની આ સમયગાળા દરમિયાન નિર્મિત સૌથી સફળ ફિલ્મોમાં ‘કંગન’ અને ‘બંધન’નો સમાવેશ થાય છે. જેમાં લીલા ચિટનીસ અને અશોક કુમાર બંને હતાં. ૧૯૪૩માં સફળ રોમાંચક ફિલ્મ 'કિસ્મત’ રજૂ થઈ. તે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની હતી. અને તે સમયે એક કરોડની કમાણી કરનારી પ્રથમ ફિલ્મ પણ છે.

કિસ્મત ફિલ્મે સૌથી લાંબા સતત પ્રદર્શનનો સ્થાનિક વિક્રમ બનાવ્યો હતો. આ ફિલ્મ ભારતના કલકત્તાના રોક્સી મૂવી થિયેટરમાં સાડા ત્રણ વર્ષથી વધુ સમય સુધી ચાલી હતી.

બોમ્બે ટૉકીઝના મુખ્ય નિર્માતા તરીકે દેવિકા રાનીની સફળતા છતાં ૧૯૪૩માં તેમને તેમના મેનેજરો શશિધર મુખર્જી અને અશોક કુમાર વચ્ચે મતભેદ ઊભો થયો હતો. જાેકે આ મતભેદનાં કારણો ક્યારેય જાહેર કરવામાં આવ્યાં નથી. અને ફિલ્મ ઉદ્યોગના નિરીક્ષકો માટે પણ એ એક નિરુત્તર સવાલ રહ્યો હતો.પણ શશિધર મુખર્જી અને અશોક કુમારે કથિત રીતે બોમ્બે ટોકીઝની આડમાં પોતાનું પ્રોડક્શન હાઉસ શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો.

આખરે શશિધર મુખર્જી, અશોક કુમાર અને અન્ય કેટલાક લોકોએ ૧૯૪૩માં ફિલ્મિસ્તાનની સ્થાપના કરવા માટે કંપની છોડી દીધી હતી.૧૯૪૪માં દિલીપ કુમારની પહેલી ફિલ્મ ‘જ્વાર ભાટા’ રિલીઝ થઈ હતી. દેવ આનંદને દર્શાવતી 'ઝિદ્દી’ રજૂ થઈ જેણે અજાણ્યા અભિનેતા દેવને પ્રખ્યાત બનાવી દીધાં. ત્યાર બાદ ‘મહેલ’ ફિલ્મ બ્લોકબસ્ટર બની. જેણે તેની મુખ્ય અભિનેત્રી મધુબાલાને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી.

૧૯૪૫માં, દેવિકા રાનીએ રશિયન ચિત્રકાર સ્વેટોસ્લાવ રોરિક સાથે લગ્ન કર્યા. પોતાના બોમ્બે ટોકીઝના શેર વેચી દીધાં અને ફિલ્મ ઉદ્યોગ છોડી દીધો. સ્ટુડિયોને ફરીથી જાેડવાના ઘણા પ્રયાસો પછી, તે સ્ટુડિયો એક ઉદ્યોગપતિ તોલારામ જાલાનને વેંચવામાં આવ્યો હતો. જેમણે ૧૯૫૪માં તેની કામગીરી બંધ કરવાનો દુઃખદ ર્નિણય લીધો હતો.

અત્યંત આદરણીય અભિનેત્રી અને બોમ્બે ટોકીઝ સ્ટુડિયોના ભૂતપૂર્વ પ્રોડક્શન હેડ દેવિકા રાનીનું ૯ માર્ચ ૧૯૯૪ના રોજ બેંગ્લોરમાં અવસાન થયું હતું.

ત્યારબાદ ઘણી ફિલ્મ નિર્માણ કંપનીઓ અને સ્ટુડિયોની સ્થાપના થઈ પણ સૌથી પહેલા અને સફળ સ્ટુડિયો તરીકે બોમ્બે ટૉકીઝનું નામ આજે પણ યાદગાર છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution