બોલિવુડ અને ગીતઃ એકદુજે કે લીયે

સ્માર્ટફોનના જમાનામાં બધુ આંગળીના વેઢે થઈ ગયું. વાસ્તવિક ગેલેરી કરતા લોકોને એકબીજાના ફોનની ગેલેરીમાં વધુ રસ હોય છે. નોકિયા કંપનીના ફોન આવતા એ સમયની વાતને થોડી યાદ કરીએ. આ એવો સમય હતો જેમાં મોબાઈલની રિંગટોન ફિલ્મી હોય અને સિમકાર્ડ કરતા મેમરીકાર્ડ વધારે કિંમતી હતું. આ પાછળનું કારણ એ હતું કે, સ્પેશ્યલ ઈફેક્ટવાળા ગીતને ખાસ વેબસાઈટ પરથી ડાઉનલોડ કરીને સેવ કરવામાં આવ્યા હતા. આ મેમરીકાર્ડની કિંમત અમુલ્ય હતી. ગીત સંભળાવવાની જવાબદારી હવે જે તે એપ્લિકેશને પૈસા લઈ (આપણી પાસેથી)ને ખરીદી લીધી હોય એવું લાગે છે. એક યુગ હતો જ્યારે ચિત્રહાર જાેવા માટે લોકો ખાસ સમય ફાળવતા. સમય પણ એક એવો હતો જ્યારે દિલના અરમાન ખુશ કરી દે એવા ફિલ્મી ગીતો આવતા.

સ્કૂલના સમયગાળામાં જ્યારે કોઈ ફિલ્મી ગીત ગાતુ તો એ થોડું ટપોરી ટાઈપ ગણાતું. હવે જેના કંઠમાં સ્વરકોકિલાના આશીર્વાદ હોય એક ચોક્કસ સમય બાદ એ જ ટપોરીટાઈપ જણ મસ્ત ગાઈ સંભળાવે તો મસ્ત લલકાર્યું એવું મીઠડું બની જાય. આટલી તમામ વસ્તુ વચ્ચે જે સામાન્ય છે એ છે ગીત. જેમાં છે શબ્દ, સૂર, ઈફેક્ટ, રીધમ અને સંગીતનો સંગમ. પ્રથમ બોલતી ફિલ્મ 'આલમઆરા' આવ્યા બાદ સંગીતનું ફલક વિસ્તર્યુ. 'હમ આપકે હૈ કોન' જેવી ફિલ્મોમાં બેક ટુ બેક ગીત પિરસાયા. 'હમ સાથ સાથ હૈ' જેવી ફિલ્મમાં આવેલા ગીતથી સંગીતનું પણ વૈવિધ્ય માણવા મળ્યું. ગીતના શબ્દોની એક અનોખી દુનિયામાં ગીત લખનારાઓનો આખો વર્ગ હતો. સુલતાનપુરી સાહેબથી લઈને સમીર સુધી મખમલી શબ્દોનો સ્પર્શ રીતસર હૈયાને ટચ કરી ગયો. આ ટચ પછી ગીતને કાયમી અમરત્વ આપી ગયો.

લવ સોંગ્સ, સેડ સોંગ્સ, સેન્ટિમેન્ટલ, ડાન્સ, રોક્સ, ડિસ્કો જેવી થીમથી બોલિવૂડના ફિલ્મો દીપી ઊઠ્‌યા એમ કહેવામાં કંઈ ખોટું નથી. ડિસ્કોની બિટ બોલિવૂડમાં લાવવાનો શ્રેય બપ્પીદાને જાય છે. 'ડિસ્કો ડાન્સર', 'પ્યાર કભી કમ નહીં કરના', 'દિલ મેં હો તુમ' થી લઈને 'તુંને મારી એન્ટ્રીયા, દિલમેં બજી ઘંટિયા' સુધી આખો માહોલ બપ્પીદાએ જાેયો, જાણ્યો અને માણ્યો. બોલિવૂડના ગીતમાં કોન્ટ્રાસ્ટ પણ છે અને નજીક આવવાનો આખો સ્પેસ પણ. 'ખુલ્લમ ખુલ્લા પ્યાર કરેંગે હમ દોનો' જેવા ગીત પણ લખાયા અને 'દો દિલ મિલ રહે હૈ, મગર ચુપકે ચુપકે' જેવા ગીતનો જાદું અત્યારે પણ ઓસર્યો નથી. એવું કહેવાય છે કે, ૯૦નો દાયકો ગીતના અન્નકુટનો હતો. સેડસોંગથી લઈને દિલના તાર ધ્રુજાવી દે એવો. 'તમ્મા તમ્મા', 'યે કાલી કાલી આંખે', 'દિવાના તેરા દિવાના' આવા ગીતની માત્ર રિધમ વાગે તો પણ ટેસડો પડી જતો.

સમીર, સુલતાનપુરી સાહેબ, કુમાર, આનંદ બક્ષી, ગુલઝાર, જાવેદ અખ્તર, અસદ ભોપાલી, શકિલ બદાયુની, કૈફી આઝમી ('તુમ ઈતના જાે મુસ્કુરા રહે હો), સાહિર લુધિયાનવી, શૈલેન્દ્ર, નિદા ફાઝલી, ગોપાલદાસ નીરજ, ઈર્શાદ કામિલ, અમિતાભ ભટ્ટાચાર્ય, મનોજ મુંતશીર શુક્લા સુધીના તમામ લેજન્ડરી ગીતકારોએ દર્દ લખ્યું તો કાળજું કાઢીને બાજુએ મૂકી દીધું હોય એવા શબ્દો આપ્યા. આ જ ગીતકારોએ પ્રેમ પર લખ્યું તો કાલિદાસનો કોઈ પ્રવાસ નિબંધ પણ અમુક અંશ પછી ઝાંખો પડે એવું લખ્યું. માત્ર સંગીત અમર નથી થતું. શબ્દો પણ અમર થાય છે. 'પ્રેમિકા ને પ્યાર જાે બી કહ દીયા' સાઉથની બેઠી કોપી કહી શકાય એવી ફિલ્મના ગીતનું સંગીત આજે પણ એક વર્ગનો ફર્સ્ટલવ યાદ કરાવે છે. 'અશોકા' ફિલ્મનું 'ઓ રે કાંચી' રીતસરની એક અલગ દુનિયામાં ખેંચી જાય છે. ભલે ન ગમે પણ હકીકત તો થોડી કડવાશ સાથે પણ કહેવી પડે કે, ઈમરાન હાશમીના ફિલ્મી યુગે પણ ગીતની દુનિયામાં દસમી દિશા ઉઘાડી. એની ફિલ્મમાં ભલે દમ ન હોય પણ એના કોઈ પણ ગીત લો. રીધમ, શબ્દ, સંગીત, લય, સોંગ્સ સિનથી લઈને સિસકારા બોલાવતી કિસ સુધી ભલે જાેવું ન ગમે પણ સાંભળવા તો ગીત ગમે છે.

'સાંસો કિ માલા મેં' આ ગીત વાગે એટલે દાદા જેટલી ઉંમરના લોકોના હાથ પણ બિટ સાથે થિરકે. ધીસ ઈઝ ધ ઈફેક્ટ ઓફ બોલિવૂડ મ્યુઝિક. 'પ્યાર હુઆ ઈકરાર હુઆ હૈ' થી લઈ 'ટીપ ટીપ બરસા પાની' સુધી વરસાદી ગીતનો તો આખો ફાલ જલસો કરાવી દે. ખેર, ગીત પાછળની હકીકત ફરી ક્યારેક માંડીશું. પણ ગીતના વૈવિધ્યનો સૂર્ય અસ્ત થઈ રહ્યો છે એ વાસ્તવિકતા પણ સ્વીકારવી પડે. અમથા થોડી જૂના ગીતના રિએક્રિએશન બને. ભલે નવી પેઢીને ગમે છે. પણ ઓરિજિનલ તો સોનુું છે.

આઉટ ઓફ ધ બોક્સ

ડ્ઢડ્ઢન્ત્નમાં આવતું પહેલું ગીત 'મેરે ખ્વાબો મેં જાે આયે' ફિલ્મ શૂટિંગ વખતે પહેલા ગીત જ શૂટ થયેલું. આદિત્ય ચોપરાએ ગીત માટે આનંદ બક્ષી પાસે ન ગમતી ૨૪ લાઈન દૂર કરાવી હતી પછી ગીત બન્યું.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution