બાવળા-
બાવળામાં રહેતા એનઆરઆઈ મોબાઈલ રીપેરીંગ કરવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ આજે તેમનો મૃતદેહ મળી આવ્યો છે. જેના કારણે વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ૨૪ કલાકથી વધુનો સમય બાદ પણ એનઆરઆઈ પ્રફુલ પટેલ ઘરે પરત આવ્યા ન હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ તેઓ કોઈ જગ્યાએથી મળી આવ્યા નહોતા.રાજ્યભરના શહેરોમાં એક તરફ ગુનાખોરીનું પ્રમાણ વધતું જાય છે ત્યારે તેની વચ્ચે છેલ્લા ૭ મહિનાથી ઓસ્ટ્રેલિયાથી આવીને અમદાવાદના બાવળામાં વસવાટ કરતા એનઆરઆઈ વ્યક્તિની ગંભીર હાલતમાં લાશ મળી આવી છે.
મોબાઈલ રિપેરીંગ કરવાનું પત્નીને કહીને ઘરેથી નીકળ્યા તો ખરા, પરંતુ તેઓ પોતાના ઘરે પાછા આવશે જ નહીં તેવું સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય. આજે તેમની કાર અને તેમનો મૃતદેહ મળી આવ્યો છે. આ અંગે પ્રાપ્ત માહિતી પ્રમાણે પ્રફુલ પટેલ ૬ તારીખે પોતાનો ફોન રીપેરીંગ કરવાનું કહીને બલેનો કાર લઈને નીકળ્યા હતા.
બપોર સુધી ઘરે પરત નહિ આવતા પત્નીએ પોતાના પડોશીઓ અને આજુબાજુના ગામના લોકોની સાથે રહીને પ્રફુલ પટેલની શોધખોળ આદરી હતી. જાેકે આજે તેમની કાર બિનવારસી મળી આવી હતી અને આજે તેમનો મૃતદેહ પણ મળી આવતા પોલીસે આત્મહત્યા કે હત્યા અંગે તપાસ હાથ ધરી છે. ચાંગોદર પાસેથી તેમનો મૃતદેહ મળી આવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે ૬૫ વર્ષના પ્રફુલ પટેલ પોતાની પત્ની સાથે છેલ્લા સાત મહિનાથી ઓસ્ટ્રેલિયાથી અમદાવાદ આવીને તેમના પત્ની સાથે સ્થાયી થયા હતા. અને તેમની બન્ને દીકરીઓ ઓસ્ટ્રેલિયામાં રહે છે.