દેવભૂમિ દ્વારકા ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની તૈયારીઓ જાેરોશોરોથી ચાલી રહી છે. બીજી તરફ ગુજરાત સરકાર પણ રસીકરણ યુદ્ધનાં ધોરણે ચલાવી રહી છે. સરકાર દ્વારા તમામ પ્રકારે મહત્તમ રસીકરણ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. શહેરોમાં તો રસીકરણ માટે લાંબી લાંબી લાઇનો લાગી રહી છે. શહેરી વિસ્તારમાં રસીઓની શોર્ટેજ પેદા થઇ રહી છે. તેવામાં કેટલીક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતનાં દેવભુમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા તાલુકાના ભરાણા ગામમાં ખુબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ભરાણા ગામે કોરોનાની વેકસીનેશન મુદ્દે મારામારીનો બનાવ સામે આવ્યો છે. ભરાણાની તાલુકા શાળામાં કોરોનાની વેકસીન અપાઈ રહી હતી ત્યારે બે જૂથ વચ્ચે મારામારી થઇ હતી. વેકસીન સેન્ટર પર જ પથ્થર અને લાકડાના ધોકા વડે મારામારીનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો હતો. મારામારી થતા ૫ જેટલા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. જે પૈકી ૨ લોકોને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે.
ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યારે ઘટના અંગે માહિતી મળતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. ભરાણા ગામે ડીવાય એસપી સહિતના પોલીસ અધિકારી અને કર્મચારીઓનો કાફલો પહોંચ્યો છે. ગામ હાલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. જાે કે વેક્સિનેશન સેન્ટર પર થયેલી બબાલ અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. હાલ તો પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ અને સામે આવેલા વીડિયોના આધારે તપાસ ચલાવી રહી છે. રસીકરણ કેન્દ્ર પર થયેલી માથાકુટનું કારણ જાણવા માટેના પ્રયાસો કરી રહી છે. જાે કે વેક્સિનેશન સેન્ટર પરથી સામે આવેલો આ ચોંકાવનારો વીડિયો એક પ્રકારે ગુજરાત માટે શરમજનક કહી શકાય.