વડોદરા શહેર ભાજપ દ્વારા નવા કાર્યાલયનું અચાનક વાસ્તુપૂજન ગોઠવી દેવામાં આવ્યું હતું જેનાકારને કેટલાય કાર્યકરોમાં તેમજ આગેવાનોમાં નારાજગી જાેવા મળી હતું. સંગઠન દ્વારા અચાનક ગોઠવી દેવાયેલી પૂજાવિધિમાં કેટલાકને અંતિમ ક્ષણે જાણ કરવામાં આવી હતી તો કેટલાકને જાણ જ કરવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના કારણે કાર્યકરોમાં પણ નારાજગી જાેવા મળી રહી છે. કેટલાક કાર્યકરોએ વોટ્સએપ ગ્રુપમાં પણ પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.
વડોદરા શહેરના બહુચરાજી રોડ ઉપર નવનિર્મિત કાર્યાલયનું આજે વાસ્તુપૂજન કરવામાં આવ્યું હતું. આગામી ૨૨ ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે. અચાનક વાસ્તુપૂજન ગોઠવી દેવતા કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે. વડોદરા શહેરના નવા કાર્યાલયની જમીન ખરીદી તાત્કાલિક નવા કાર્યાલયનું બાંધકામ શરૂ કર્યું હતું. જે લોકસભાની ચૂંટણી પછી તુરંત જ ઉદ્ઘાટન કરવાનું નક્કી કર્યું હતું પરંતુ ભાજપની ભાંજગડને કારણે ઉદ્ઘાટન મુલતવી કરી દેવામાં આવ્યું હતું અને કાર્યાલયનો કેટલોક ભાગ તોડવામાં આવ્યો હતો. વડોદરા ભાજપ કમલમ કાર્યાલય બહુચરાજી રોડ કારેલીબાગ ખાતે તૈયાર થઈ રહ્યું છે કેટલીક કામગીરી અધુરી છે તે પહેલા આજે અચાનક જ વસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી. વાસ્તુપૂજનમાં પ્રમુખ, મહામંત્રી પૂજાવિધિમાં બેઠા હતા. જાે કે અંતિમ ક્ષણે સંગઠન દ્વારા કેટલાક આગેવનોને જાણ કરવામાં આવી હતી તો કેટલાકને જાણ કરવામાં ન આવતા કાર્યકરો - આગેવાનોમાં નારાજગી જાેવા મળી હતી. ભાજપના ગ્રુપમાં પણ આ અંગે કેટલાકે નારાજગી વ્યક્ત કરતા મેસેજ મોકલ્યા હતા. તારીખ ૨૨મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે.
વાસ્તુપૂજનમાં પૂર્વ પ્રમુખો પણ ભુલાયા
ભાજપના નવા કાર્યાલયના વાસ્તુપૂજન માટે અનેક આગેવાનોને સંગઠન દ્વારા જાણ સુદ્ધા કરવામાં આવી ન હતી. શહેરના સંગઠનને મજબૂત બનાવવા માટે જે લોકોએ મહેનત કરી છે તેવા પૂર્વ પ્રમુખોને પણ આ શુભ અવસરની જાણ કરવામાં આવી ન હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે પૂર્વ પ્રમુખો પૈકી પણ કેટલાકમાં નારાજગી જાેવા મળી રહી છે.