કોંગ્રેસ પાર્ટીના ધારાસભ્યો માટે ભાજપના દરવાજા બંધ: પાટીલ

અમદાવાદ-

વિધાનસભાની પેટાચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ આજે કરજણની મુલાકાતે છે. જ્યાં ભાજપે કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયામાં ખરીદ્યા છે? તેવા સવાલના જવાબમાં સી.આર પાટીલે જણાવ્યું કે, કોંગ્રેસ પાસે બીજો કોઇ મુદ્દો નથી તમે ચીમનભાઇ વખતે પણ બધાને ખરીદ્યા, શંકરસિંહવખતે પણ બધાને ખરીદ્યા એટલે ખરીદ વેચાણની સ્થિતી છે અને ટેવ પણ છે, તે કોંગ્રેસની છે. કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં આવ્યા બાદ ફરીથી લોકો સમક્ષ જવું પડશે અને લોકો મેન્ડેટ આપશે તો ફરી ચૂંટાશે. પોતાના પદને જોખમમાં મુકીને પણ લોકહિતમાં કામ માટે પોતાની ફરજ બજાવી છે અને હવે કોંગ્રેસનાં ધારાસભ્યોને લેવામાં આવશે નહી અને લીધા છે, તે મારા આવતા પહેલા લીધા છે અને કોંગ્રેસને છોડીને આવ્યા છે. ધારાસભ્યએ પદ છોડ્યું છે અને ભાજપ સાથે જોડાયા બાદ તે ભાજપના કાર્યકર છે. સીઆર પાટીલે વધારેમાં જણાવ્યું કે, કરજણ બેઠક પર જે રીતે કાર્યકર્તાઓ કામે લાગ્યા છે. લોકો ઉત્સાહિત છે અને મતદારોમાં કરંટ છે.

રાજ્ય સરકારે કરેલા કામો અને કેન્દ્ર સરકારની યોજનાઓને કારણે લોકોને લાભ મળ્યો છે. આ બંન્ને વચ્ચે સમન્વય કરીને અમે લોકો વચ્ચે જઇ રહ્યા છીએ. કોંગ્રેસમાં જે પ્રકારે નારાજગી છે. સિટીંગ ધારાસભ્યો પણ પાર્ટી છોડી રહ્યા છે, જે કોંગ્રેસમાં વધેલા અવિશ્વાસ બતાવે છે. તેમની કેન્દ્ર અને રાજ્યની નેતાગીરી ર્નિબળ અને અસમંજસની સ્થિતીમાં છે. લડવાની એમની માનસિકતા હવે બચી નથી. પક્ષપલટુઓનો મુદ્દો ભાજપને નડશે? તેવા સવાલનાં જવાબમાં તેમણે જણાવ્યું કે, આ મુદ્દો એટલા માટે નહી કે, તેઓ લોકહિત માટે ધારાસભ્ય પદ છોડ્યું છે. તે સાબિત કરે છે તેઓ લોકોના હિત માટે જ કામ કરે છે. કોંગ્રેસમાં જે થતું હતું કે, ગદ્દારી હતી. આ ગદ્દારી નથી. પેટાચૂંટણી સંદર્ભે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પ્રદર્શન સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા સહિત વિધાનસભા સીટના ઇન્ચાર્જ અને સહ ઇન્ચાર્જ સંગઠનાત્મક પ્રવાસ કરશે. આજે કરજણ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને પ્રદેશ ઉપાધ્યક્ષ ભાર્ગવભાઇ ભટ્ટ હાજર રહ્યા હતા. જ્યારે મોરબી અને લીંબડી ખાતે પ્રદેશ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા અને પૂર્વ મંત્રી શંકર ચૌધરી ઉપસ્થિત રહી ચૂંટણી વ્યવસ્થાપન અને સંગઠનાત્મક બાબતે માર્ગદર્શન આપશે.


© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution