કોંગ્રેસનો ગઢ ગણાતી વડગામ તાલુકા પંચાયત ૨૫ વર્ષ બાદ ભાજપે છીનવી

વડગામ : વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ -ઉપપ્રમુખની યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસના ગઢ ગણાતા વડગામમાં ભાજપે ૨૫ વર્ષ બાદ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લઈને તાલુકા પંચાયતમાં ભાજપનું કમળ ખીલાવ્યુ છે. ભાજપના ઉમેદવાર પરથીભાઈ ચૌધરીની પ્રમુખપદે અને સવિતાબેન બેગડિયાની ઉપપ્રમુખ ૧૩ વિરુદ્ધ ૧૫ મતો મળતા ચૂંટણી અધિકારી નાયબ ડીડીઓએ ૨ મતોથી ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે વિજય જાહેર કર્યા હતા.તાલુકા પંચાયતમાં ભાજપે સત્તા હાંસલ કરતા ભાજપમાં આનંદ છવાયો છે.જયારે સત્તા છીનવાતા કોંગ્રેસની છાવણીમાં સન્નાટો વ્યાપી ગયો છે. ઘણા સમયથી વડગામ કોંગ્રેસમાં ચાલતો જૂથવાદ અને સભ્યોની અવગણના જ કોંગ્રેસને જ ભારે પડી છે.વડગામ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને વડગામના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો. કેટલાક સમયથી વડગામ કોંગ્રેસમાં ચાલતી જૂથબંધી અને ચૂટાઇ આવેલા સભ્યોની કોંગ્રેસ દ્વારા અવગણના કરતા સભ્યો કોંગ્રેસથી નારાજ હતા.જેથી તેઓએ તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને ટેકો આપી તાલુકા પંચાયતમાં સત્તાનો પક્ષ પલટાયો હતો.ભાજપે ૨૫ વર્ષ બાદ કોંગ્રેસનો ગઢ તોડીને તાલુકા પંચાયત ઉપર કબ્જો જમાવીને ભાજપનું કમળ સોળે કળાએ ખીલવતા ગાંધીનગર સાથે પ્રદેશ સુધી વડગામ તાલુકા ભાજપની ટીમની નોંધ લેવાઇ હતી.તાલુકા પંચાયત ભાજપની બનતા જ કાર્યકરો અને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.. કોંગ્રેસે પોતાના સભ્યોની અવગણના કરતા તેઓ નારાજ હતા.જેઓએ ભાજપને સમર્થન આપ્યું હતું. તાલુકા પંચાયત ફરતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.તા.પ.ની આજુબાજુની દુકાનો બંધ કરાવી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution