આણંદ : ઉમરેઠના વોર્ડ નંબર-૧ અને-૫માં ભાજપ આગેવાનોની ભવાઈ ચર્ચાનું કારણ બની છે. જિલ્લા મોવડી મંડળને ઊઠાં ભણાવી ધાર્યું કરાવી પોતાના વ્યક્તિને મેન્ડેટ અપાવવા હોડ લાગી હતી. ભાજપ જિલ્લા સંગઠને પણ ઉમરેઠની વણસેલી પરિસ્થિતિના કારણે ત્રણ ઉમેદવારો બદલવા પડ્યાં છે. જાેકે, ભાજપે કાપેલા ઉમેદવારે અપક્ષ ઉમેદવારી કરતાં આ વોર્ડમાં ભાજપ માટે ખરાખરીનો ખેલ થવાનો છે. મહત્વનું છે કે વોર્ડ-૧માં ઉમેદવાર બદલાતાં ગઈકાલે ભૂગર્ભમાં ગયેલાં એક જ પરિવારના વોર્ડ-૫ના બે ઉમેદવારો પરત આવી ગયાં હતાં. મજાની વાત તો એ છે કે, આ વોર્ડમાં એક જ પરિવાર વચ્ચે ચૂંટણી જંગ થવાનો છે. વોર્ડ નંબર-૧માં જેઠ અપક્ષમાંથી તો ભાભી ભાજપ પક્ષમાંથી ચૂંટણી લડી રહ્યાં છે.
સૂત્રોનું કહેવું છે કે, ઉમરેઠ ભાજપના હોદ્દેદારો અને આગેવાનોમાં ચાલતો આંતરિક જૂથવાદ અહીં ભાજપની ઘોર ખોદી રહ્યો છે. વોર્ડ-૧ અને વોર્ડ-૫માં ઉમેદવારોના નામમાં થયેલાં ફેરફારો જિલ્લા ભાજપની સંકલન નિષ્ફળતા અને જિલ્લા નેતૃત્વમાં વિપરીત રાજકીય પરિસ્થિતિને ખુલ્લી પાડે છે. ગત ટર્મમાં વોર્ડ-૧માં જીતેલા ઉમેદવાર મેહુલ પટેલની ટિકિટ છેલ્લી ઘડીએ કાપીને ગત ચૂંટણીમાં વોર્ડ-૫માં હારેલા ઉમેદવાર ઈશ્વરભાઈ પટેલ (આઈકોન)ને ઉમેદવારી કરાવી છે. આ બાબતને લઈ ઉમરેઠમાં જિલ્લા ભાજપ અને સ્થાનિક ભાજપ આગેવાનો વચ્ચે મિલીભગત હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે.
મજાની વાત એ છે કે, બિનઅનુભવી ભાભીને બાદ કરવાની જગ્યાએ ભાજપે રાજકીય અનુભવી જેઠની બાદબાકી કરી દીધી છે. જાેકે હવે ભાજપનો પેચ બરાબર ફસાયો છે. મેહુલ પટેલે વોર્ડ-૧માં ભાજપ સામે અપક્ષ ઉમેદવારી નોંધાવી દીધી છે. એટલે ભાભી પક્ષમાં ચૂંટણી લડશે અને એ જ વોર્ડમાં જેઠ અપક્ષ ચૂંટણી લડશે. ભાજપ નેતાગીરી અને નેતૃત્વ બંને આ સમસ્યાના સુખદ અને સમાધાનકારી ઉકેલ લાવવામાં સદંતર નિષ્ફળ ગયાનું પ્રતિત થઈ રહ્યું છે.
બીજી બાજુ વોર્ડ-૫માં પણ ભાજપે જાહેર કરેલા પ્રથમ ઉમેદવાર સુરેશભાઈ રતિલાલ જાેશી હતાં. હવે તેમની જગ્યાએ નવી યાદીમાં તેમનાં પત્ની નિલાબેન સુરેશભાઈ જાેશીનું નામ આવ્યું છે. જ્યારે ડિમ્પલબેન કમલેશભાઈ પટેલની જગ્યાએ કમલેશભાઈ બાબુભાઈ પટેલનું નામ આવી ગયું છે! ઉમરેઠમાં ચર્ચા છે કે, આ શું ખેલ પડી ગયો!?
ઉમરેઠ ભાજપમાં યાદી બહાર પડ્યા પછી કોણે ઘાલમેલ કરાવી?
ચૂંટણી ઉમેદવારીના આખરી દિવસે ઉમરેઠમાં ભજવાયેલા રાજકીય નાટકો પાછળ કોણ છે? કેવી રીતે ઊભાં થયાં આ નાટકો? તેનાં પાછળ કોણ છે, તે ઉમરેઠના ભાજપના સામાન્ય કાર્યકરો જાણે છે અને નગરજનો પણ જાણે છે. ઉમરેઠની આ રાજકીય ઘટના અને તેનો ઉકેલ લાવવાની નિષ્ફળતા ભાજપ જિલ્લા નેતૃત્વને કમજાેર અને નિષ્ફળ સાબિત કરી રહી છે?