અમદાવાદ-
ગુજરાત રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પૈકી જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતગણતરી શરૂ થઈ ગઈ છે, અને શરૂઆતના ટ્રેન્ડ મળવા લાગ્યા છે. વહેલી સવારથી મત ગણતરી સ્થળો પર અધિકારીઓ અને રાજકીય પક્ષના આગેવાનો અને કાર્યકરોના ટોળા ભેગા થયા હતા. 28 ફેબ્રુઆરીના રોજ 31 જિલ્લા પંચાયતની 980 બેઠકો, 231 તાલુકા પંચાયતોની 4772 બેઠકો અને 81 નગરપાલિકાઓની 2720 બેઠકો માટે મતદાન થયું હતું. જેમાં જિલ્લા પંચાયતોમાં 66.67 ટકા, તાલુકા પંચાયતોમાં 69.18 ટકા અને નગરપાલિકાઓમાં 59.05 ટકા મતદાન થયું હતું. શહેરી વિસ્તાર કરતા ગામડાઓમાં મતદાન સારૂ રહ્યું હતું.
સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત 8747 બેઠકોમાંથી 237 બેઠક બિનહરીફ થઇ હતી. જેમાં જિલ્લા પંચાયતમાં ભાજપે 25 બિનહરીફ, નગરપાલિકામાં 95 માંથી ભાજપને 92, કોંગ્રેસને 2, અન્યને 1 બેઠક મળી છે, તાલુકા પંચાયતની કુલ 117 બિનહરીફમાંથી ભાજપને 111, કોંગ્રેસને 5 અને અન્યને 1 બેઠકો મળી હતી. આરંભિક 266 પરિણામો પૈકી ભાજપને ફાળે 255 પરીણામો ગયા હતા.
અમદાવાદ નગરપાલિકા, જિલ્લા અને તાલુકાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાના જંગ સમાન બની હતી. જેમાં નગરપાલિકામાં 64.90 ટકા મતદાન નોંધાયું હતું. આ સાથે જિલ્લામાં 70.75 ટકા અને તાલુકામાં 70.71 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં આજે મતગણતરી શરૂ થઈ ગઈ છે.
ગાંધીનગર જિલ્લા પંચાયત બેઠકમાં અમરાજીના મુવાડા-૨ બેઠક પર ભાજપના પારસબેન કિરીટસિંહ બિહોલા 10353 મતે વિજય થયો છે જ્યારે, અમદાવાદમાં તાલુકા પંચાયતમાં ધોલેરા 2 અને માંડલમાં 1 દસક્રોઈમાં 5 બિનહરીફ વિજેતા જાહેર થયા છે, અને દસ્ક્રોઈ તાલુકા પંચાયતની અસલાલી બેઠક પર ભાજપના રમીલાબેનનો વિજય થયો છે.