વડોદરા, તા.૧૧
વડોદરા જિલ્લા સહકારી ક્ષેત્રમાં સૌથી મોટી ધી બરોડા સેન્ટ્રલ કો.ઓપ.બેન્કની ૪ બેઠકો માટે ગુરુવારે યોજાયેલી ચૂંટણીમાં ૯૭ ટકા મતદાન થયું હતું. આજે સવારે મતગણતરી હાથ ધરવામાં આવી હતી અને કલાકમાં જ પરિણામ આવી જતાં કોંગ્રેસે બે અને શિનોર તાલુકાના ભાજપના બળવાખોર મનાતા ઉમેદવાર વિજેતા બન્યા હતા. જ્યારે કરજણ બેઠક પર પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા વિજેતા થયા હતા. આમ છતાં ભાજપની બહુમતી હોવાથી બોર્ડ ભાજપનુંુ બનશે અનેે પુનઃ અતુલ પટેલ બેન્કના ચેરમેન બનશે તે નિશ્ચિત માનવામાં આવેે છે.
વડોદરા જિલ્લાની સહકારી ક્ષેત્રે અગ્રણી ધી બરોડા સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેન્કની ૧૪ બેઠકો પૈકી વર્તમાન ચેરમેન અતુલ પટેલની આગેવાની હેઠળની ભાજપપ્રેરિત પેનલના ૧૦ ઉમેદવારો બિનહરીફ થયા હતા. જ્યારે બાકીની ચાર બેઠક ઉપર ગુરુવારે ચૂંટણી યોજાઈ હતી. જેમાં કરજણ, શિનોર, ડભોઈ અને વાઘોડિયા ઝોનની ચૂંટણીમાં શિનોર ઝોનમાં ભાજપના બળવાખોર મનાતા ઉમેદવાર સહિત ત્રણ કરજણ બેઠક પણ ભાજપની જૂથબંધીના કારણે બહુચર્ચીત બની હતી. ચૂટણીમાં ૧૭૨ મતો પૈકી ૧૬૬ મતદારોએ મતદાન કરતાં ૯૭ ટકા મતદાન થયું હતું.આજે સવારે ૯ વાગે જિલ્લા ખરીદ-વેચાણ સંઘ ફતેપુરા ખાતે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જેમાં એક કલાકમાં જ પરિણામ જાહેર કરાયું હતું. ચાર બેઠકો પૈકી વાઘોડિયા ઝોનમાં કોંગ્રેસના શૈલેષ પટેલ ૬ મતે અને સંખેડા તાલુકા કોંગ્રેસના પ્રમુખ યોગેન્દ્રસિંહ વરણામિયા હરીફ ઉમેદવાર સામે ૪ મતે વિજેતા થયા હતા. જ્યારે શિનોર તાલુકાની બેઠક પર દિલીપ પટેલ પાંચ મતે વિજેતા બન્યા હતા. ઉપરાંત બહુચર્ચિત બનેલી કરજણની બેઠક પર ભાજપના પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા) સૌથી વધુ ૧૭ મતે વિજેતા થયા હતા. હવે આગામી દિવસોમાં બેન્કના ચૂંટાયેલા ડિરેક્ટરોની બોર્ડ મિટિંગ મળશે. જેમાં ચેરમેન અને વાઈસ ચેરમેનની પસંદગી કરાશે. જાે કે, બેન્કના ચેરમેન તરીકે વર્તમાન ચેરમેન અતુલ પટેલની પુનઃ નિયુક્તિ નિશ્ચિત મનાય છે.
ધારાસભ્ય અક્ષય પટેલને લપડાક ઃ સતિષ નિશાળીયાની જીત
બરોડા સેન્ટ્રલ બેન્કની ચૂંટણીમાં બહુચર્ચીત બનેલી કરજણ બેઠકની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા સામે કોંગ્રેસમાંથી ભાજપમાં જાેડાયેલા અને ધારાસભ્ય બનેલા અક્ષય પટેલે તેમના નજીકના સંબંધી યોગેશ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા. જાે કે બરોડા ડેરીની ચૂંટણીમાં પણ આવી જ જૂથબંધી સામે આવી છે. જેમાં પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયા સામે ધારાસભ્ય અક્ષય પટેલે ડેરીના પૂર્વ ડિરેક્ટર જયદેવસિંહ પરિહારને સમર્થન જાહેર કર્યુ છે. જાે કે, બરોડા સેન્ટ્રલ બેન્કની ચૂંટણીમાં પૂર્વ ધારાસભ્ય સતીષ નિશાળીયાનો સૌથી વધુ મત સાથે વિજેતા બનતાં ચાર પૈકી એક માત્ર બેઠક ભાજપ મેળવી શકી છે.