વડોદરા, તા. ૧૩
વડોદરા શહેરમાં વસતી ધરાવતા વિસ્તારમાં પાણીના કનેક્શનો આપવા માટે લાગુ નિયમોનો કેટલાક સ્થળે સરેઆમ ભંગ જાેવા મળે છે. જ્યાં વસતી નથી ત્યાં પાણીની નળીકા નાખવા માટે નેતાઓ દબાણ કરતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જ્યાં વસતી નથી તેવા છાણીથી સમા તરફ કેનાલ વાળા રોડ પર ૨૪ લાખના ખર્ચે ૩૦૦ મી.મી. ડાયાની નળીકા નાખવા ભાજપાના નેતા દ્વારા દબાણ કરાઈ રહ્યાનું જાણવા મળે છે.
શહેરમાં જ્યાં વસતી છે ત્યાં પાણી- ડ્રેનેજની લાઈનો નાખવામાં જેટલી ઉતાવળ કરાતી નથી તેટલી ઉતાવળ નેતાઓના દબાણમાં જ્યાં વસતી નથી તેવા વિસ્તારમાં પાણી વગેરેની લાઈનો નાખવામાં થાય છે. અગાઉ આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરા શહેરમાં વસતી ધરાવતાં વિસ્તારોમાં પાણીના કનેક્શન આપવામાં લાગુ નિયમો ચોક્કસ નેતાઓ માટે બાકાત હોય તેમ ભાજપાના એક નેતા દ્વારા વસતી નથી તેવા છાણીથી સમા તરફ જતાં કેનાલ વાળા રોડ પર પાણીની નળીકા નાખવા દબાણ કરાઈ રહ્યાનું જાણવા મળે છે. ત્યારે કયા બિલ્ડરના લાભાર્થે પાણીની નળીકા નાખવા દબાણ થઈ રહ્યું છે તેવી ચર્ચા પાલિકાની લોબીમાં થઈ રહી છે. રાજ્ય સરકારની વ્યવસાય વેરાની વિશેષ ગ્રાન્ટમાંથી ૫૦ ટકા પેટે રૂા.૨૪ લાખનંુ ૩૦૦ મી.મી. ડાયાની નળીકા નાખવા માટેનંુ ઉત્તરઝોનનું કામ હોવાનું જાણવા મળે છે.
ફાઇલ બંધ થયાં પછી કેવી રીતે ખુલી
• ૧૫ માર્ચ, ૨૦૨૩ પાણી પૂરવઠાનો અભિપ્રાય લેવા ફાઈલ રજૂ થઈ
• ૨૯ મે, ૨૦૨૩ કામગીરી મુલત્વી રાખવા આસિ.એન્જિ.નો અભિપ્રાય
• ૨૯ મે, ૨૦૨૩ આસિ. એન્જિ.ના અભિપ્રાયને ડે.એન્જિ. સ્વીકાર્યો
• ૨૯ મે, ૨૦૨૩ આસિ. અને ડે.એન્જિ.ના અભિપ્રાય પર કા.ઈ.એ મંજૂરીની મહોર મારી
• ૩૦ મે, ૨૦૨૩ પાણી પૂરવઠા શાખાના અભિપ્રાય સાથે ફાઈલ ઉત્તર ઝોન પહોંચી
• ૧ જૂન, ૨૦૨૩ ઉત્તર ઝોનના કા.ઈ.એ ફાઈલ બંધ કરવા અભિપ્રાય સ્વીકાર્યો
• ૧ જૂન, ૨૦૨૩ ઉ.ઝોનના ડે.કમિશનરે કામ મુલત્વી રાખવા અભિપ્રાય સ્વીકારી ફાઈલ બંધ કરી
• ૫ ઓક્ટો.,૨૦૨૩ પાણી પૂરવઠાનો અભિપ્રાય લેવા ફાઈલ ફરી શરૂ કરાઈ અને પાણી પૂરવઠા વિતરણને મોકલાઈ
• ૧૨ ઓક્ટો., ૨૦૨૩ અગાઉ કામગીરીની આવશ્યકતા નહીં હોવાનું કહેનાર આસિ.એન્જિ. કામમગીરી કરવાપાત્ર હોવાનું, પરંતુ નવા કનેક્શન નહીં આપવા અભિપ્રાય આપ્યો
• ૧૨ ઓક્ટો., ૨૦૨૩ ડે.એન્જિ., આસિ.એન્જિ.ના અભિપ્રાયને અવગણીને નળીકા નાખવા તથા કનેક્શન આપવાની મંજૂરી આપી
કોની મંચ્છા પૂરી કરવા નેતા દબાણ કરે છે?
પાણીની આ કામગીરી માટેની ફાઈલ દફ્તરે થઈ ગઈ હતી, પરંતુ આ નેતાએ ફાઈલને ફરી ચાલુ કરાઈ, જેમાં અધિકારીએ ફરી નેગેટિવ રિપોર્ટ આપી નળીકા નાખો, પરંતુ કનેક્શન ના આપો, તેવો અભિપ્રાય આપ્યો હોવાનંુ જાણવા મળે છે. જાેકે, નેતાએ કનેક્શન સાથે મંજૂરી આપવા દબાણ કરતાં કોની મંચ્છા પૂરી કરવા નેતા દબાણ કરી રહ્યા છે? તેવી ચર્ચા પણ થઈ રહી છે.
વિરોધ કરનાર અધિકારીની બદલી કરાઈ
જ્યાં વસતી નથી ત્યાં પાણીની નળીકા નાખવા માટેનું કામ નહીં કરવાના અભિપ્રાય સાથે અગાઉ એક અધિકારીએ વિરોધ કર્યો હતો. ત્યારે જરૂર નથી ત્યાં હાલ પાણીની નળીકા નાખવાની કામગીરી નહીં કરવાનંુ કહેનારા અધિકારીની આ નેતાના દબાણ હેઠળ બદલી કરાઈ હોવાનું પણ કહેવાય છે.
બંધ કરી દેવાયેલી ફાઈલ ફરી કેમ શરૂ કરાઈ?
અગાઉ ૨૪ લાખના ખર્ચે પાણીની નળીકા નાખવાની આ કામગીરી સંદર્ભે ડે.એન્જિનિયરે નકારાત્મક અભિપ્રાય આપ્યો હતો. અને વસતી નથી ત્યાં નળીકા નાખવાની જરૂર નથી, તેમ અભિપ્રાય આપ્યો હતો. પરંતુ ભાજપાના એક નેતાના દબાણ હેઠળ આ કામની ફાઈલ ફરી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.