વડોદરા, તા.૨૭
રાજકીય રીતે મહત્ત્વની મનાતી વડોદરા શહેરની પાંચ પૈકીની રાવપુરા બેઠકનો વિસ્તાર નવા સીમાંકન બાદ છાણીથી શરૂ થઈને સોમાતળાવ, ખોડિયારનગર સુધીનો છે. જાે કે, આ વિસ્તાર પણ ભાજપનો વર્ષોથી ગઢ રહ્યો છ. આ વિધાનસભા ક્ષેત્રમાં જૂનંુ શહેર ચાર દરવાજા વિસ્તારની સાથે સોસાયટી વિસ્તાર પણ ઘણો મોટો છે. આ વિધાનસભામાં વર્ષ ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રાજેન્દ્ર ત્રિવેદીને ૯૯,ર૬૩ અને કોંગ્રેસના ઉમેદવાર જયેશ ઠક્કરને પ૭,૭ર૮ મત મળતાં રાજેન્દ્ર ત્રિવેદીનો ૪૧,પ૩પ મતે વિજય થયો હતો. તેમજ વર્ષ ૨૦૧૭ની ચૂંટણીમાં રાજેન્દ્ર ત્રિવેદીને ૧,૦૬,૯૮૫ અને કોંગ્રેસના ઉમેદવાર ચંદ્રકાન્ત શ્રીવાસ્તવને ૭૦,૩૫ મત મળતાં ૩૬,૬૫૦ મતે રાજેન્દ્ર ત્રિવેદીનો વિજય થયો હતો. આ વિધાનસભા મત વિસ્તારમાં કોર્પોરેશનના વોર્ડ નં.૧, ર, ૩, ૭, ૧૪, ૧પ અને ૧૬ આવે છે. જાે કે, કેટલાક વોર્ડનો અમુક ભાગ જ આ વિધાસભામાં આવે છે. પરંતુ વોર્ડ નં.૧માં ચાર અને વોર્ડ નં.૧૬માં કોંગ્રેસના બે કાઉન્સિલરોને બાદ કરતાં અન્ય વોર્ડમાં રર કાઉન્સિલરો ભાજપના છે. આ વિધાનસભાને બે ટર્મથી મંત્રી પદ પણ મળ્યું છે. અગાઉ આ વિધાનસભા બેઠક પર ચાર ટર્મથી યોગેશ પટેલ ભાજપમાંથી ચૂંટણી લડયા હતા અને જંગી મતોથી જીત્યા હતા. આ વિધાનસભામાં મહત્તમ પ્રશ્નો કોર્પોરેશનને સ્પર્શતા છે જેમાં ટ્રાફિકની સમસ્યા, ગંદકી, દબાણો, પાણી, મચ્છરોનો ત્રાસ તેમજ ચોમાસામાં કેટલાક વિસ્તારમાં પાણીનો ભરાવોની સમસ્યા છે. જાે કે, ભાજપે આ વખતે આ બેઠક પર પૂર્વ મેયર અને સાંસદ બાળકૃષ્ણ શુકલને ટિકિટ આપી છે. તેઓ સાંસદની ચૂંટણી લડયા હતા ત્યારે આ વિસ્તારમાંથી તેમને મોટી લીડ મળી હતી. આમ શહેરની અન્ય બેઠકોની જેમ આ બેઠક પણ ભાજપનો ગઢ મનાય છે.
માર્જિન માટેની લડાઈ
રાવપુરા વિધાનસભા વિસ્તારમાં આવતા વોર્ડમાં મોટાભાગના કાઉન્સિલરો ભાજપના છે. સંગઠન પણ મજબૂત છે જેની સામે કોંગ્રેસનું સંગઠન અને નેટવર્ક નોંધપાત્ર નથી. ભાજપના ઉમેદવાર બાળુ શુકલ પરિચિત ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસના ઉમેદવાર સંજય પટેલ પરિચિત ઉમેદવાર નથી. જાે કે, પ્રચારઝુંબેશ સઘન કરી રહ્યા છે. જાે કે, કોંગ્રેસના ઉમેદવાર અગાઉ કોર્પોેરેશનની ચૂંટણી હારી જેની સામે ભાજપના ઉમેદવારનો ચહેરો જાણીતો છે. આમ, આ બેઠક પર લડાઈ હારજીતની નહીં, પરંતુ માર્જિનની છે તેમ કહેવાય છે.