મુંબઇ-
મહારાષ્ટ્રના રાજકારણમાં એક વખત ફરીથી હલચલ તેજ થતી દેખાય રહી છે. કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવે પાટિલએ દાવો કર્યો કે રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર ટૂંક સમયમાં જ બની શકે છે. હવે તેના પર પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની પ્રતિક્રિયા આવી છે, તેમણે કહ્યું કે આ વખતે શપથગ્રહણ સમારંભ યોગ્ય સમય પર થશે, સવારના સમયે થશે નહીં.
દેવેન્દ્ર ફડણવીસને મીડિયાએ ભાજપની સરકાર બનવાના દાવા પર પ્રશ્ન કર્યો તો તેમણે કહ્યું કે જ્યારે રાજ્યમાં મહારાષ્ટ્ર વિકાસ અઘાડીની સરકાર તૂટશે ત્યારબાદ યોગ્ય સમય પર શપથ ગ્રહણ સમારંભ થશે. આ વખતે સવારના સમયે શપથ લેવાશે નહીં, પરંતુ આવા વાક્યોને યાદ કરવા જાેઇએ નહીં.
મહારાષ્ટ્રમાં વિધાન પરિષદ માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન કેન્દ્રીય મંત્રી રાવસાહેબ દાનવેએ કાર્યકરોને કહ્યું હતું કે તમે એ ના સમજતા કે રાજ્યમાં ભાજપની સરકાર બનશે જ નહીં, તમને સ્પષ્ટપણે કહું છું કે આવતા બે-ત્રણ મહિનામાં મહારાષ્ટ્રમાં આપણી સરકાર રચાવા જઇ રહી છે અને તમે લોકો આને યાદ રાખજાે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે 23 નવેમ્બરના રોજ ભાજપે મહારાષ્ટ્રમાં સરકાર બનાવી હતી, જે ફક્ત 80 કલાક જ ટકી હતી. દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે વહેલી સવારે રાજભવનમાં શપથ લીધા હતા, પરંતુ તેમને બહુમત સાબિત કરવાનો વારો આવે તે પહેલાં જ અજિત પવાર ફરીથી તેમની પાર્ટીમાં જતા રહ્યા હતા. આવી સ્થિતિમાં શિવસેનાએ થોડાંક દિવસ પહેલાં જ આ ઘટનાને લઇ કટાક્ષ કર્યો હતો અને પછી આ વિવાદ ચર્ચામાં આવ્યો.
ભાજપની 80 કલાકની સરકાર તૂટ્યા બાદ મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ-એનસીપી ગઠબંધનની સરકાર બની અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બન્યા. પરંતુ ત્યારબાદ ભાજપ દ્વારા સતત સરકારને નિશાન બનાવવામાં આવી રહી છે અને ઉદ્ધવ સરકાર અનેક મુદ્દાઓ પર ઘેરાઇ છે.