દાહોદ, દાહોદ નગરપાલિકાની આ વખતે ચૂંટણી ભાજપના બેનર હેઠળ લડવા દાવેદારોનો મોટો રાફડો ફાટી નીકળ્યો છે. દાહોદ નગરપાલિકાના કુલ ૯ વોર્ડ ની ૩૬ બેઠકો માટે ભાજપમાંથી અધધ (૧૫૨) જેટલા દાવેદારોએ ટિકિટ માંગી છે. સૌથી વધુ દાવેદારો વોર્ડ નંબર નવમાં (૨૭) અને સૌથી ઓછા દાવેદારો વોર્ડ નંબર (૮)માં આઠ નોંધાયા હતા અને આમાંથી સંભવિત ઉમેદવારોની પેનલ બનાવીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ રજૂ કરાશે ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા આ વખતે ભાજપ માટે માથાનો દુખાવો બની રહેશે.
૨૮મી ફેબ્રુઆરીના રોજ દાહોદ નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે દાહોદ શહેર (૯) વોર્ડમાં વહેંચાયેલું છે અને એક વોર્ડમાં ચાર બેઠક હોય કુલ (૩૬) બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારોને સાંભળવા માટે ગતરોજ દાહોદના ગોવિંદનગર પ્રસંગ પાર્ટી પ્લોટ ખાતે ટોપી હોલમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા યોજવામાં આવેલ હિઅરીંગમાં દાહોદ શહેર ભાજપા પ્રમુખ મનોજકુમાર વ્યાસ પ્રભારી ગોપીભાઈ દેસાઈ શહેર મહામંત્રી સત્યેન્દ્રભાઈ સોલંકી તથા તુલસીભાઈ જેઠવાની સહિતના નિરીક્ષકોએ ભારતીય જનતા પક્ષના ટિકિટ વાંચ્છુઓને સાંભળ્યા હતા. વોર્ડ નંબર ૧ માં ૧૫, વોર્ડ નંબર (૨) માં ૧૬, વોર્ડ નંબર (૩)માં ૧૨, વોર્ડ નંબર (૪)માં ૨૩, વોર્ડ નંબર (૫) માં ૧૮, વોર્ડ નંબર (૬) માં ૧૩, વોર્ડ નંબર (૭) માં ૨૦, વોર્ડ નંબર (૮) માં ૮ તથા વોર્ડ નંબર (૯) માં ૨૭ દાવેદારો મળી કુલ નવ વોર્ડની ૩૬ બેઠકો માટે (૧૫૨) જેટલા ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે દાહોદ નગરપાલિકાની ગત ચૂંટણીમાં વોર્ડ નંબર (૬) માટે ભાજપને ઉમેદવાર મેળવવા માટે ખૂબ જ તકલીફ પડી હતી. પરંતુ નગરપાલિકાએ શહેરમાં વિકાસના કામો કરતા અને ભાજપના કાઉન્સીલરો જન જન સુધી પહોંચ્યા હતા. જેને લઇને આ વખતે વોર્ડ નંબર (૬) તથા ૮ જેવા મુસ્લિમ વિસ્તારોમાં ભાજપ તરફે કેટલાક મુસ્લિમ ઉમેદવારોએ પણ દાવેદારી નોંધાવી છે. આ વખતે ૫૦ ટકા નવા ચહેરાઓ એ પણ દાવેદારી નોંધાવી છે. આ દાવેદારો માં સૌથી વધુ વોર્ડ નંબર (૯) માં ૨૭ દાવેદારો છે. જ્યારે સૌથી ઓછા દાવેદારો વોર્ડ નંબર (૮)માં માત્ર આઠ જ છે.