રાજકોટ-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીમાં રાજયની છ મહાપાલિકા માટે ઉમેદવારીની પ્રક્રિયા આજે સંપન્ન થશે અને હવે બીજા તબકકામાં જીલ્લા તથા તાલુકા પંચાયત અને નગરપાલિકામાંથી ચૂંટણીઓ માટે તા.28ના રોજ યોજાનારા મતદાન માટેના ઉમેદવારોની પસંદગી માટે ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક આવતીકાલથી સતત ચાર દિવસ મળશે અને આગામી સપ્તાહે જાહેરનામુ બહાર પડે પછી ઉમેદવારીની પ્રક્રિયા શરુ થશે. આજે સાંજે ઉમેદવારીની પ્રક્રિયા પુરી થતા હવે એક તરફ પ્રચારનો તબકકો શરુ થનાર છે અને સોમવારથી છ મહાપાલિકાઓએ ભાજપનો પ્રચાર શરુ કરવાની તૈયારી છે.
આ સ્થિતિમાં કાલથી ચાર દિવસ સુધી પક્ષની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મુખ્યમંત્રીના નિવાસે મળનાર છે જેમાં પંચાયત તથા નગરપાલીકાના ઉમેદવારોની પસંદગી થશે. આ માટે પક્ષના નિરીક્ષકોની જે સેન્સ લેવાઈ હતી તેનો રીપોર્ટ પણ રજુ કરનાર છે. રાજકોટ જીલ્લા પંચાયત માટે આવતીકાલે સવારે જ સાડા નવ કલાકે પાર્લામેન્ટ્રી બોર્ડ મળનાર છે તે અગાઉ આજે સાંજે જીલ્લાના સંકલનની બેઠક મળશે. રાજકોટ જીલ્લા પંચાયતની 36 બેઠકો માટે 245 જેટલા દાવેદારોએ પક્ષ પાસે ટિકીટ માંગી છે.