બર્થ-ડે ગિફ્ટ

લેખકઃ ભૂમિ જાેષી | 

ચાહતના આંગણામાં નથી તમે મહેમાન..

દિલના હર અહેસાસ કહે, તમે છો જિંદગીના સુલતાન..!

“રીના હવે તો હદ થઈ...આજના દિવસે પણ તું આવું વર્તન કરે છે! હંમેશા હું બેલેન્સ કરવાની કોશિશ કરું છું. તું થોડી તો સમજદારી દાખવ. ક્યારેક મન મોટું કરી જતું કર.”

“મયુર, તમને દરેક વાતમાં મારો જ વાંક દેખાય છે? ક્યારેય વિચાર્યું છે કે તમારી મમ્મી મારી લાગણીઓને સમજતા નથી ત્યારે મારી હાલત શું થાય છે! ઘર અને ઓફિસ બંને સારી રીતે સંભાળી લઉં છું, છતાં તે મને ઉતારી પડવાનો એક મોકો નથી છોડતા.”

છેલ્લા ઘણા વર્ષોથી ચૂપ રહેલી રીનાની હવે સહનશક્તિએ જવાબ આપી દીધો હતો. ઘરમાં કંકાસ ન થાય માટે તે હંમેશા ચૂપ રહેતી. વળી રીના જાણતી હતી કે પોતે કશું બોલશે તો મયુર ગુસ્સે થશે.

વાસ્તવમાં પાંચ વર્ષ પહેલાં રીના અને મયુરના લગ્ન થયાં હતાં. રીના અને મયુર સાથે ભણતાં હતાં. બંને એકબીજાને ચાહતાં હતાં. રીનાના ઘરે તો મયુર સાથે લગ્ન માટે કોઈ ઇન્કાર ન હતો. કેમ કે મયુર બધી રીતે રીનાની યોગ્ય હતો. રીના પણ મયુર માટે પરફેક્ટ હતી, પણ મયુરના મમ્મી પોતાની સખીની દીકરી શીના સાથે મયુરના લગ્ન કરાવવા માંગતાં હતાં.

પણ મયુરની જીદ સામે તેમણે ઝુકવું પડ્યું.

લગ્નની રાત્રે જ રીનાએ ડર વ્યક્ત કર્યો, “ મયુર, આપણે લગ્ન તો કરી લીધાં પણ તમારા મમ્મી મને અપનાવશે કે નહી તેનો ડર છે. કેમ કે તેમણે તો તમારા માટે શીનાના જ સ્વપ્ન જાેયાં હતાં. સારું છે કે શીના હજુ વિદેશમાં જ છે.”

“રીના, તને શું લાગે છે શીના અહીં હોત તો હું તેની સાથે લગ્ન કરતો? મારા દિલમાં ફકત તું છે.”

લગ્નના બીજા દિવસે સવાર સવારમાં રીના રડતી હતી. તેનો રડવાનો અવાજ સાંભળી મયુર પણ ઊઠી ગયો. તે પોતાની મમ્મી પાસે ગયો અને બોલ્યો, “મોમ, પ્લીઝ આજે તો શાંત રહો. રીના હવે મારી પત્ની જ નહીં, આ ઘરની વહુ છે. તેને સેટ થવા થોડો સમય તો આપો.”

“અરે, જેને રસોડાનો ર પણ નથી ખબર, એ ગૃહલક્ષ્મી કેવી રીતે બનવાની? નોકરી કરી લેવા અને ભણી લેવાથી ઘર ન સચવાય જાય.”

મયુરને હતું કે સમય જતા બધું ઠીક થઈ જશે. પોતાની મમ્મીની નારાજગી પણ દૂર થઈ જશે અને તેઓ રીનાને અપનાવી લેશે. પણ લગ્નના પાંચ વર્ષ થયા છતાં કશું પણ બદલાયું ન હતું. રીનાની સાસુ તેને નીચી પાડવામાં કોઈ કસર ન રાખતાં. અને હવે રીના પણ સાંભળી સાંભળી થાકી હોય તેમ સામાં જવાબ આપી દેતી.

ઘણા સમયના આ કકળાટથી મયુર પણ થાકી ગયો હતો. તે પોતાની માને કશું કહી ન શકતો હોવાથી રીનાને જ કહેતો. વારંવાર દરેક વાતે મયુર રીનાને જ ટોકતો હોવાથી હવે રીના અને મયુર વચ્ચે પણ ઝઘડો થવા લાગ્યો. મયુરની મમ્મી તો આ જ ઈચ્છતી હતી. તે કોઈ પણ રીતે મયુરને ઠસાવવા માંગતી હતી કે રીના તેના માટે અને આ ઘર માટે યોગ્ય નથી. રીના અને મયુર વચ્ચે દૂરી વધી રહી હતી. એ જાેઈ મયુરની મમ્મી ખુશ થઈ રહી હતી. તે એવું કંઈક કરવા માગતાં હતાં કે મયુર ખુદ રીનાને આ ઘરમાંથી કાઢી મૂકે. આજે મયુરનો જન્મદિન હતો. રીના મયુર માટે સરસ કેક બનાવી થોડા દિવસથી ચાલતા અણબનાવને પૂરો કરવા માગતી હતી, પણ સવાર સવારમાં રસોડામાં શીનાને જાેઈ રીના તો આભા જ બની ગઈ. મયુરની મમ્મી મયૂરને ભાવતી જલેબી અને ઉંધીયું બનાવતા હતાં અને શીના મોટે મોટેથી ગપ્પા મારતી હતી. શીના આજે જ વહેલી સવારે ન્યુયોર્કથી આવી હતી. આવીને તરત જ તે અહીં બધાને મળવા આવી હતી.

રીના હજુ શીના સાથે કઈ વાત કરે એ પહેલા જ મયુર નીચે આવ્યો. મયુરને જાેતા જ શીના તેને વળગી પડી.

“હેપી બર્થડે, મયુર..”

“ઓહ, વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ!”

“મયુર, હું મારા કંપનીના કામથી થોડા દિવસ અહી રહેવાની છું. તો વિચાર્યું કે હોટેલમાં રહેવા કરતાં અહીં જ આવી જાઉં.”

“ધેટસ ગ્રેટ! એમ પણ બહુ વર્ષે મળ્યા!”

“મીટ માય વાઇફ રીના.”

રીના સસ્મિત શીનાને મળી પણ કશું બોલ્યા વગર ઉપર પોતાના રૂમમાં જતી રહી. મયુર તેની નારાજગી પામી જતા તે પણ ઉપર ગયો. તેને જાેતા જ રીના ઉશ્કેરાઈ, “બસ, હવે આ જ બાકી રહ્યું હતું. હું તો તમારા માટે કેક બનાવવા ગઈ હતી. વિચાર્યું હતું કે તમને સરપ્રાઇઝ આપીશ પણ તમારી મમ્મીએ મને જ સરપ્રાઇઝ કરી દીધી.”

“મને પ્રેમથી વિશ કરવાના બદલે આજના દિવસે પણ તું ઝઘડો કરીશ?”

“હા તો.. હવે કશું બીજું બાકી રહ્યું છે?”

“રીના પ્લીઝ.. એ આવી છે તો થોડા દિવસમાં જતી પણ રહેશે. ડોન્ટ વરી. છોડ એ અને કહે આજે ક્યાં બહાર જવું છે?”

પરંતુ શીનાના આવવાથી રીના એટલી બધી ગુસ્સામાં હતી કે કશું સાંભળ્યા વગર ઘર છોડી પોતાની એક ફ્રેન્ડના ઘરે રહેવા જતી રહી. રીનાના જવાથી મયુરના મમ્મી ખૂબ જ ખુશ થયાં.

તેમણે થોડા દિવસ બાદ મયુરને મનાવી શીના સાથે લગ્નનું વિચાર્યું.

સમય વીતવા લાગ્યો. શીના આવી તેને એક સપ્તાહથી વધુ સમય થઈ ગયો હતો. રોજની જેમ આજે પણ શીના ડ્રિંક કરી મોડી રાત્રે આવી હતી. આજે તો તેની સાથે કોઈ યુવક પણ હતો. તે નશામાં તેને પોતાની સાથે ઘરમાં આવવા કહી રહી હતી. મયુરની મમ્મી આ બધું જાેઈ સ્તબ્ધ હતી. આટલા વર્ષમાં શીના પૂરેપૂરી વિદેશી રંગથી રંગાઈ ગઈ હતી એ વાત તે શીનાના આટલા દિવસના વર્તનથી સમજી ગયા હતાં. જે શીનાને તે પોતાની પલકો પર બેસાડવા માંગતાં હતાં એ હવે એક નજર પણ ગમતી ન હતી. દરેક વાત અને વર્તનમાં મનોમન શીનાની સરખામણી રીના સાથે થઈ જતી હતી.

આજે સવારથી રીનાને મયુરની ખુબ જ યાદ આવતી હતી. આટલા દિવસમાં કેટલીવાર મયુરે ફોન કર્યા પણ પોતે સરખી વાત જ ન કરી. તે મયુરને ફોન કરવા જતી હતી કે ડોર બેલ વાગી. દરવાજા પર શીના ઉભી હતી. “રીના, તું ખૂબ જ નસીબદાર છે કે પતિ તરીકે તને મયુર મળ્યો છે. આંટીના કારણે તું તેને સજા ન આપ. તને ખબર છે મયુરે જ મને ઇન્ડીયા બોલાવી હતી. તે પોતાની માને કશું કહી શકે તેમ નહતો. એટલે તેમને વાસ્તવિકતા બતાવવા અમે બંનેએ નાટક કર્યું. સાચું કહું તો હું અને મયુર જીવનસાથી તરીકે ઘણાં ભિન્ન છીએ. મયુર આ જ અહેસાસ તેની મમ્મીને કરાવવા માંગતો હતો એટલે જ આ સ્વાંગ રચાયો. હું આજની ફ્લાઈટમાં હંમેશા માટે જાવ છું. તું નક્કી કરી લે તારે શું કરવું.” શીનાએ બધી હકીકત કહી.

શીનાની વાત સાંભળી રીના તેને ભેટી પડી અને બોલી,“થેંક્યું શીના. તારા કારણે અમારું લગ્નજીવન બચી ગયું.” શીનાના ગયા બાદ રીના હજુ પોતાની બેગ પેક કરતી હતી ત્યાં જ મયુરના મમ્મી તેને લેવા આવ્યાં. રીનાને ગળે લગાવી હાથ જાેડી માફી માંગતા બોલ્યા, “બેટા! મારા જેવી સાસુઓ પોતાની જીદમાં દીકરાના ખુશીઓ જાેતી નથી. મને માફ કરી દે. પસંદ પોતાની હોય કે દીકરાની, ઘરની વહુને દીકરી બનાવી લઈએ તો એ પણ અચૂક દીકરી બની સાસુને મા સમો સ્નેહ આપશે એ વાત આજે સમજાઈ છે.”

સાંજે મયુર ઘરે આવ્યો તો આખું ઘર મનમાં વસેલી ઊંધિયાની મહેંકથી મહેકતું હતું. તેણે રસોડામાં ડોકિયું કર્યું તો રીના તેની મમ્મી સાથે મળી ઊંધિયાના મસાલા ખાંડી તેનો વઘાર કરતી હતી. તેણે મનોમન ઈશ્વરનો આભાર માન્યો. ત્યાં જ શીનાનો સ્માઈલ આપતો ‘ગુડ બાય’નો મેસેજ આવ્યો. મયુરને જાેઈ રીના દોડી ભેટી પડી કદી જુદા ન થવાના કોલ સાથે!

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution